PM મોદીના જીવનથી પ્રેરિત ફિલ્મ ‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ 1 માર્ચે થશે રિલિઝ
Trending Photos
અમદાવાદ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાનપણમાં ઘણા પડકારો અને મૂશ્કેલીઓનો સામનો કરીને સખત મહેનત અને દ્રઢ સંકલ્પ સાથે નવી ઉંચાઇઓ હાંસલ કરી છે. તેમના સંઘર્ષોમાંથી પ્રેરણા લઇને ગુજરાતના ૧૨ વર્ષનો એક બાળક નરેન્દ્ર મોદી બનવાનું સપનું જોવે છે.
‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ ફિલ્મ મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતાં ૧૨ વર્ષના એક નાના બાળકની પ્રેરણાદાયક વાર્તા છે, જે અસંભવ સપનાને હકીકતમાં તબદીલ કરવાનો પ્રયાસ કરે છે. ગરીબી અને અભાવમાં રહેવા છતાં પણ આ બાળક ખુશ છે અને દરેક સ્થિતિનો પ્રસન્નતાપૂર્વક સામનો કરે છે. શાળામાં અભ્યાસ કર્યાં બાદ તે ચા વેચે છે અને તેની બહેન પણ આ બાળકને જીવનમાં આગળ વધવા સહયોગ અને પ્રોત્સાહન આપે છે. સખત મહેનત, જુસ્સા અને દ્રઢ નિશ્ચય દ્વારા કોઇપણ વ્યક્તિ જીવનમાં સફળ બનવાના સપના જોઇને તેને સાકાર કરી શકે છે, તે આ ફિલ્મમાં ખુબજ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે.
શ્રીઅર્થ પ્રોડક્શન અને કાવ્યા મૂવિઝ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ તથા પ્રોડ્યુસર પવન પોદ્દાર અને તાન્યા શર્માની ફિલ્મ ‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’, જેની વાર્તા એક બાળકની આસપાસ ફરે છે. બાળક ચા વેચે છે અને મોટો થઈને નરેન્દ્ર મોદી બનવા માંગે છે.આ ફિલ્મ ૧લી માર્ચના રોજ રિલીઝ થશે. માત્ર ૪૫ દિવસમાં જ ફિલ્મનું શુટિંગ અમદાવાદ, વડોદરા, વડનગર સહિતના સ્થળોએ કરવામાં આવ્યું છે.
ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક નથી પણ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળપણમાં ખૂબ જ સંઘર્ષ કર્યો અને દેશના પ્રધાનમંત્રી બન્યા. આ સંઘર્ષ કથાથી પ્રભાવિત થઈને જ આ ફિલ્મમાં એક બાળકની વાર્તા દર્શાવાઈ છે. બાળક ભલે ચા વેચતો હોય પરંતું તેના સપના મોટા હોય છે. એક બાળક અનેક નકારાત્મક બાબતોની વચ્ચે પણ મોદી જેવો બનવાની લક્ષ્ય રાખે છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “મારૂ ઇન્સપિરેશન મોદી છે અને મોદી જેવું કોઈ નથી. આ ફિલ્મમાં મોદીનું બાળપણ દર્શાવાયું છે, રાજનીતિ નહી. વાર્તા પર ખૂબજ મહેનત અને રિસર્ચ કરવામાં આવ્યું છે.”
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે