ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યુ, ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યા આ ભૂલકાં

ખાતુનીયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના વર્ગો ચાલે  છે. જેમાં 154 બાળકો અભ્યાસ કરે છે અને 7 શિક્ષકો ફરજ બજાવે છે. ત્યારે શાળામાં વિદ્યાર્થીઓ પણ છે, શિક્ષકો પણ છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે 8 ધોરણ વચ્ચે શાળામાં માત્ર 3 જ ઓરડાઓ છે. એમાં પણ 2 ઓરડાની હાલત જર્જરિત છે. આથી જર્જરિત ઓરડાઓમાં  બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા નથી. માત્ર એક જ ઓરડો વપરાશમાં આવે છે. જેને કારણે આ શાળાના 3 ધોરણો, એટલે  ત્રીજું... ચોથું ...અને પાંચમા ધોરણના બાળકોએ શાળાના ઓરડાની બહાર ઓટલા પર કે ઝાડની નીચે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર થવું પડે છે

ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યુ, ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યા આ ભૂલકાં

ઉમેશ પટેલ/વલસાડ :સ્કૂલ ચલે હમ... રમશે  ગુજરાત ભણશે.. ગુજરાત જેવા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરી તમામ બાળકોને શિક્ષણ મળે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. જોકે તેમ છતાં આજે પણ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડના અંતરિયાળ કપરાડા તાલુકાની એક પ્રાથમિક શાળામાં આજે પણ ઓરડાના અભાવને કારણે 3 ધોરણના બાળકોએ ખુલ્લામાં ઓટલા પર અને ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે. ત્યારે જોઈએ કે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાતુનીયા ગામના ભૂલકાઓ કેવી પરિસ્થિતિમાં ભણે છે. 

વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર છે. આ દુર્ગમ પહાડી વિસ્તાર છે અને રાજ્યનો છેવાડાનો તાલુકો હોવાથી આઝાદીના આટલા વર્ષો બાદ હજુ પણ આ વિસ્તારમા પૂરતી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. એમાંય શિક્ષણ ક્ષેત્રે હજુ આ તાલુકામાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે નાના ભૂલકાઓના શિક્ષણ પર તેની અસર થઈ રહી છે. આજે વાત કરીશું કપરાડા તાલુકાના છેવાડે આવેલા ખાતુનીયા ગામની. ખાતુનીયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના વર્ગો ચાલે  છે. જેમાં 154 બાળકો અભ્યાસ કરે છે અને 7 શિક્ષકો ફરજ બજાવે છે. ત્યારે શાળામાં વિદ્યાર્થીઓ પણ છે, શિક્ષકો પણ છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે 8 ધોરણ વચ્ચે શાળામાં માત્ર 3 જ ઓરડાઓ છે. એમાં પણ 2 ઓરડાની હાલત જર્જરિત છે. આથી જર્જરિત ઓરડાઓમાં  બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા નથી. માત્ર એક જ ઓરડો વપરાશમાં આવે છે. જેને કારણે આ શાળાના 3 ધોરણો, એટલે  ત્રીજું... ચોથું ...અને પાંચમા ધોરણના બાળકોએ શાળાના ઓરડાની બહાર ઓટલા પર કે ઝાડની નીચે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર થવું પડે છે. જ્યારથી શાળા બની છે ત્યારથી આ સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં હજુ સુધી આ સમસ્યાનું સમાધાન થયું નથી.

મહત્વપૂર્ણ છે કે, આ આદિવાસી વિસ્તારમાં ગરીબ પરિવારોના બાળકો માટે અભ્યાસનું એકમાત્ર માધ્યમ આ સરકારી શાળા છે. આસપાસમાં અન્ય કોઈ શહેરી વિસ્તાર કે કોઈ વિકલ્પ ન હોવાથી મજબૂરીવશ ગરીબ પરિવારોએ તેમના બાળકોને આ શાળામાં અભ્યાસ કરવા મોકલવુ પડે છે.શાળામાં પૂરતી સુવિધાઓના અભાવને કારણે 8 ધોરણ વચ્ચે માત્ર 3 જ ઓરડાઓ છે. તેમાં પણ બેની હાલત જર્જરિત છે. આથી શિયાળો હોય કે ઉનાળો કે ચોમાસુ ભૂલકાઓએ આવી રીતે ખુલ્લામાં જ અભ્યાસ કરવો પડે છે. આથી આ શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓના વાલીઓ અને ગ્રામજનો પણ ગામની પ્રાથમિક શાળામાં પૂરતા ઓરડાઓ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તો બીજી બાજુ શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ પણ સ્વીકારી રહ્યા છે કે શાળામાં જે સંખ્યા છે તે પ્રમાણમાં 6 ઓરડાઓની ઘટ જોવા મળી રહી છે. શાળા દ્વારા દર મહિને અવારનવાર શાળામાં ઓરડાની માંગ માટે સંબંધિત વિભાગમાં રજૂઆત કરવામાં આવે છે. તેમ છતાં હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આથી  આ ગરીબ આદિવાસી પરિવારોના માસુમ ભૂલકાઓએ ઠંડી ગરમી કે વરસાદમાં આવી જ રીતે ખુલ્લામાં અભ્યાસ કરવા મજબુર થવું પડી રહ્યું છે તેવુ શાળાના શિક્ષકો પ્રતીક્ષાબેન પટેલ અને પિષુય પટેલે જણાવ્યું. 

No description available.

સરકાર દર વર્ષે બજેટમાં શિક્ષણ વિભાગ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં અવનવી યોજનાઓની જાહેરાત કરી અને કરોડો રૂપિયા ખર્ચ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી હોવાની જાહેરાતો કરી અને વાહ-વાહી મેળવવામાં છે. પરંતુ આજે પણ રાજ્યના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શાળામા રૂમના અભાવે બાળકોએ ખુલ્લામાં આકાશ નીચે બેસી અને અભ્યાસ કરવા મજબૂર થવું પડ્યું છે. સ્કૂલ ચલે હમ.. જેવા રૂપકડા નામે અભિયાન ચલાવતી સરકાર હકીકતમાં આવા અભિયાનની સાચી સફળતા માટે સૌપ્રથમ જરૂરી એવી સુવિધા ઊભી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news