ગીરગઢડામાં આભ ફાટ્યું 1 કલાકમાં 5 ઇંચ, જામવાળામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ
Trending Photos
ઉના : ગીર ગઢડા પંથકમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગીર ગઢડાના કણેરીમાં એક કલાકમાં 5 ઇંચ, જામવાળામાં 4 કલાકમાં 8 ઇંચ અને એભલવડમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. તમામ ગામોમાં કેડસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી વખરી પલળી ચુકી છે. જેથી લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. લોકો ઘરમાંથી પાણી બહાર કાઢવા માટે મહેનત કરી રહ્યા છે. એક કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ગામની અંદર જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જેથી બહારથી કોઇ અંદર અને અંદરથી કોઇ બહાર નિકળી શકે તેમ નથી. ભારે વરસાદના પગલે ખેતરો તળાવ બન્યા છે. પ્રાચીનું માધવરાય મંદિર ફરી એકવાર પાણીમાં ગરકાવ થઇ ચુક્યું છે. જંગલ વિસ્તારમાં વધારે વરસાદથી સરસ્વતી નદીમાં ભારે પુર આવ્યું છે.
સુત્રાપાડા શહેરમાં 8 ઇંચ વરસાદથી બેટમાં ફેરવાયું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતી પેદા થઇ છે. મુખ્યમાર્ગો પણ પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે. સુત્રાપાડાનું ઝાલા વડોદરા ગામ બેટ બની ચુક્યું છે. ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી જ પાણી છે. તલાલા અને ગીરમાં પણ ભારે વરસાદથી હીરણ 2 ડેમના 7 દરવાજા 8 ફુટ જેટલા ખોલવામાં આવ્યા છે. જેથી તલાલા અને વેરાવળના 15 ગામો એલર્ટ પર છે.
વેરાવળમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. જો કે આ બનાવમાં કોઇ જાનહાની સર્જાય નથી. તેમજ ઢાઢણી ગામે બે યુવાનો પુરના પાણીમાં તણાતા એકને બચાવી લેવાયો છે. બીજા યુવાનનું મોત નિપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વરસાદના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતીનું સર્જન થયું છે. રાજકોટ, ભાવનગર, જામનગર સહિતનાં મોટા ભાગનાં સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે