પીએમ મોદી પર લખાયેલું પુસ્તક નેશનલ બૂક ફેરમાં સૌના આકર્ષણનું કેન્દ્ર
વડા પ્રધાનની ઊંચાઈ પ્રમાણે પુસ્તકનું કદ અને ઉંમર પ્રમાણે પુસ્તકમાં પાનાં રાખવામાં આવ્યા છે, પુસ્તક કોઈ લેખક નહીં પણ એક પ્રકાશકે તૈયાર કર્યું છે અને તેમાં જીવન અંગેના સકારાત્મક વિચારોનું વર્ણન કરાયું છે
Trending Photos
કિંજલ મિશ્રા/ અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુસ્તક પ્રેમી છે એ વાત તો સૌ જાણે છે. તેમણે પોતે પણ અનેક પુસ્તકો જાતે લખ્યા છે. દેશમાં પણ અનેક લેખકો દ્વારા પીએમ મોદીના જીવન અને રાજકારણ પર અનેક પુસ્તકો લખાઇ ચુક્યા છે. અમદાવાદમાં યોજાયેલા નેશનલ બૂક ફેરમાં વડા પ્રધાન મોદીના મોદીના જીવન પર આધારિત એક પુસ્તક અત્યારે બૂક ફેરમાં આવતા તમામ વાચનરસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. 'નરેન્દ્ર મોદી, એક સકારાત્મક સોચ' નામનું આ પુસ્તક કોઈ પ્રખ્યાત લેખકે નહીં પરંતુ પ્રકાશનના વ્યવસાય સાથે સંકળાયેલા અપૂર્વ શાહ દ્વારા તૈયાર કરાયું છે. પુસ્તકના સર્જક અપૂર્વ શાહે વડા પ્રધાનના જીવન જીવવાના સકારાત્મક વિચારોથી પ્રેરાઇને આ પુસ્તક બનાવ્યું છે. તેઓ હજુ સુધી પીએમ મોદીને રૂબરૂ મળ્યા નથી.
પુસ્તકની વિશેષતાઓ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર લખેલું આ પુસ્તક તેની વિશેષતાને કારણે જ સૌના આકર્ષણનું કેન્દ્ર છે. કેમ કે, આ પુસ્તક કોઈ પોકેટ સાઈઝનું કે સામાન્ય રીતે મળતા પુસ્તકોની સાઈઝનું કે પછી કોફી ટેબલ બૂક જેવું નથી. આ એક પૂર્ણ આદમ કદનું પુસ્તક છે. તેની ઊંચાઈ વડા પ્રધાન મોદીની ઊંચાઈ 5 ફૂટ 7 ઈંચ રાખવામાં આવી છે. પુસ્તકનું વજન પણ વડા પ્રધાનના વજન જેટલું છે અને તેના અંદર રહેલા પાનાની સંખ્યા વડા પ્રધાનની 68 વર્ષની ઉંમરને અનુરૂપ 68 રાખવામાં આવી છે. પીએમ મોદીનું વજન 77 કિલો છે, ત્યારે આ પુસ્તકનું વજન પણ એટલું જ છે.
પીએમ મોદીના આદમ-કદના કટ-આઉટનું મુખપૃષ્ઠ
પુસ્તકનો મુખપૃષ્ઠ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંપૂર્ણ કદનું કટ-આઉટ મુજબ બનાવાયું છે. આ પુસ્તક જ્યારે રેકમાં ઊભું રાખવામાં આવે ત્યારે પ્રથમ દૃષ્ટિએ તો તે નરેન્દ્ર મોદીની પ્રતિમા હોય એવું જ પ્રતિત થાય છે. આદમ કદનું હોવાને કારણે નેશનલ બૂક ફેરમાં પુસ્તક સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. લોકો પુસ્તકને એક પ્રતિમા સમજીને ફોટા પડાવા ઊભા રહી જાય છે અને પછી જ્યારે જાણે છે કે આ પીએમ મોદીનું આદમ કદનું કટ-આઉટ નહીં પરંતુ પુસ્તક છે ત્યારે તેમના આશ્ચર્યનો પાર રહેતો નથી.
ઈન્ડિયન બૂક ઓફ રેકોર્ડ માટે દાવો
વડા પ્રધાનના કદ અને વજન જેટલા આ પુસ્તકને 'ઈન્ડિયન બૂક ઓફ રેકોર્ડ' માટે પણ નોંધાવવામાં આવ્યું છે. આ અંગેની પ્રક્રિયા આગામી 25 દિવસમા પુર્ણ કરવામાં આવશે એવું પુસ્તકના નિર્માતા-પ્રકાશક અપૂર્વ શાહે જણાવ્યું હતું.
કિંમત પણ પરવડે એવી
'નરેન્દ્ર મોદી, એક સકારાત્મક સોચ' પુસ્તકની કિંમત રૂ. 500 નક્કી કરવામાં આવી છે. જોકે લોકો વધુ ને વધુ પુસ્તક વાંચે તે માટે હાલ નેશનલ બૂક ફેરમાં તેને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે રૂ.150ની કિંમતે વેચાણમાં મુકવામાં આવ્યું છે. આ પુસ્તકને લોકો સાથે સરળતાથી લઇ જઇ શકે તે માટે કટઆઉટ સાઇઝની જ નાની પોકેટ સાઈઝની પુસ્તિકાઓ પણ તૈયાર કરાઇ છે. છેલ્લા 4 દિવસમાં 200થી વધુ પુસ્તકોનું વેચાણ થયું છે.
પીએમના પોઝિટીવ વિચારોથી લખવાની પ્રેરણા મળી
આ અંગે પુસ્તકના લેખક તથા પબ્લિશર અપૂર્વ શાહે જણાવ્યું કે, તેમને પીએમના પોઝીટીવ વિચારોથી સતત પ્રેરણા મળી છે. જેના કારણે આ વખતે નેશનલ બૂક ફેરમાં તેમના વિચારો પર આધારિત અને કંઇક અલગ પુસ્તક લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ કરાયો છે. પુસ્તકમાં પીએમ મોદીનું બાળપણ કેવું હતું, બાળપણથી યુવાવસ્થા સુધી કેવા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો એ તમામ વાત છે. સાથે સાથે નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદ સહિતના મહાપુરુષોના નાના-નાના સુવાક્યો મૂકવામાં આવ્યા છે.
અપૂર્વ શાહે વધુમાં જણાવ્યું કે, આ પુસ્તકને તૈયાર કરવામાં 8 મહિના જેટલો સમય લાગ્યો હતો. જેમાં તેમણે પીએમના 300થી વધુ જૂદા-જૂદા વિષય પરના વીડિયો જોયા હતા. તેમાંથી પણ કેટલાક પ્રસંગો સાથે નરેન્દ્ર મોદીના જીવન અને જીવનયાત્રાને પુસ્તકમાં ટાંકવામાં આવ્યા છે.
અપૂર્વ શાહનું આ પ્રથમ પુસ્તક નથી. વર્ષ 2016 તથા 2017માં અમદાવાદના નેશનલ બૂક ફેરમાં તેમણે મુકેલા બે પુસ્તકો પણ ઇન્ડીય બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે. વર્ષ 2016માં તેમણે ભગવાન મહાવીર સ્વામીના 'જીવન અંહિસા મંત્ર' પર આધારિત સાડા નવ ફૂટનું પુસ્તક બનાવ્યું હતું. વર્ષ 2017માં 3.0 mmન 'અહિંસા અને જીવન' બુકને પણ ઈન્ડિયન બૂક ઓફ રોકોર્ડમાં સ્થાન મળ્યું હતું. આ પુસ્તક સાથે જે હેટ્રિક બનશે તેને તેઓ પીએમ મોદીને સમર્પિત કરશે.
તેમણે જણાવ્યું કે, હજુ સુથી વડા પ્રધાન મોદી સાથે તેમને આ અંગે વાતચીત થઈ નથી. જો પીએમનો સમય મળશે તો અપૂર્વ શાહે પરિવાર સાથે આ પુસ્તક પીએમને આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે