રાજકોટમાં યુવતી MD ડ્રગ્સ સાથે ઝડપાઈ, ધનવાન યુવાનો સાથે સંબંધો કેળવી બનાવતી ડ્રગ્સની એડિક્ટ

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમિ ચોલેરા વિરોધ એન.ડી.પી.એસ એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા મેફેડ્રોન ડ્રગ એપલ કંપનીનો મોબાઇલ ફોન એકટીવા મોટરસાયકલ તેમજ એક વજન કાંટા સહિત કુલ ₹1,78,700 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 

રાજકોટમાં યુવતી MD ડ્રગ્સ સાથે ઝડપાઈ, ધનવાન યુવાનો સાથે સંબંધો કેળવી બનાવતી ડ્રગ્સની એડિક્ટ

દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મેફેડ્રોન ડ્રગ સાથે નામચીન અમી ચોલેરા નામની ડ્રગ પેડલરને ઝડપી પાડવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમી ચોલેરાને 12.36 ગ્રામ ડ્રગ ના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમિ ચોલેરા વિરોધ એન.ડી.પી.એસ એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા મેફેડ્રોન ડ્રગ એપલ કંપનીનો મોબાઇલ ફોન એકટીવા મોટરસાયકલ તેમજ એક વજન કાંટા સહિત કુલ ₹1,78,700 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 

એસીપી ક્રાઈમ ભરત બસીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા માટે "નો ડ્રગ્સ ઇન" રાજકોટ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલને બાતમી મળી હતી કે, બાલ ભવન ગેટથી અંદર સરગમ ક્લબ સંચાલિત પ્રમુખ સ્વામી પ્લેટિનિયમની બહાર એક યુવતી એમડી ડ્રગના જથ્થા સાથે ઊભેલી છે. જે સચોટ બાતમીના આધારે મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાથે લઈ જઈ મહિલાની અંગજડતી કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોનનો 12.36 ગ્રામ જથ્થો ઝડપાયો છે. સમગ્ર મામલે યુવતી પાસે રહેલ માદક પદાર્થનો જથ્થો મેફેડ્રોન છે કે કેમ તે બાબતનું પ્રાથમિક પરીક્ષણ એફએસએલના અધિકારી દવે સાહેબ દ્વારા કરવામાં આવેલ છે.

અમી ચોલેરા વિરુદ્ધ અગાઉ વર્ષ 2021ના ઓક્ટોબર મહિનામાં ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ 8 (c), 21(a), 29 તથા પ્રોહિબિશન એક્ટની કલમ 66 (1)(b) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે તે સમયે હોટલ શિવ શક્તિના રૂમ નંબર 301 માંથી અમી ચોલેરા તેના પૂર્વ પતિ આકાશ અને ઘાંચીવાડના શખ્સ ઇમરાન વાઢેર ઝડપાયો હતો. જે તે સમયે અમી ચોલેરાએ પોતાને પોલીસ બનવું છે તેવું કહેતા રાજકોટ શહેરના મહિલા પોલીસ દ્વારા તેને પોલીસ બનવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. મહિલા પોલીસ દ્વારા રાજકોટ શહેરના એથ્લેટિક ટ્રેક ખાતે રનીંગ સહિતની ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી. તેમજ પોલીસની પરીક્ષા પાસ કરવા માટેના જરૂરી પુસ્તકો પણ તેને આપવામાં આવ્યા હતા.

આજરોજ અમીને રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ રિમાન્ડ દરમિયાન તેની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે. તેની પાસે રહેલ માદક પદાર્થનો જથ્થો તે કોની પાસેથી લાવી છે. તેમજ તે માદક પદાર્થના ધંધામાં છેલ્લા કેટલા સમયથી સક્રિય છે. તેમજ રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં કોને કોને ડ્રગ સપ્લાય કરતી હતી તે સહિતની બાબતો અંગે તેની પૂછપરછ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news