એક ધાબળાએ ખોલી દીધું હત્યાનું રહસ્ય, પત્નીનો પ્લાન થયો ફેલ, પોલીસે કરી અટકાયત

જ્યારે કોઈ વ્યક્તિ મોટો ગુનો કરે તો તે શાંત રહી શકતો નથી. તેના મનમાં ચાલતા વિચારો જ તેની ભૂલ સામે લાવતા હોય છે. બનાસકાંઠામાં આવી એક ઘટના સામે આવી છે. જ્યાં પત્નીએ તેના પતિની હત્યા કરાવી પરંતુ ત્યારબાદ એક એવી ભૂલ કરી કે સમગ્ર મામલો સામે આવી ગયો. 

એક ધાબળાએ ખોલી દીધું હત્યાનું રહસ્ય, પત્નીનો પ્લાન થયો ફેલ, પોલીસે કરી અટકાયત

અલકેશ રાવ, બનાસકાંઠાઃ ગુજરાતીમાં કહેવત છે કે પાપ છાપરે ચડીને પોકારે કદાચ તમે પણ આ કહેવત સાંભળી જ હશે પરંતુ બનાસકાંઠાના અમીરગઢમાં એક એવી ઘટના સામે આવી જેમાં પત્નીએ જ પોતાના ભાઈઓ સાથે મળી પતિની હત્યા કરી અને તેનું પાપ છાપરે ચડીને પોકાર્યું. જે ઘટનાએ આ કહેવતને સાચી સાબિત કરી દીધી. અમીરગઢના ખારા ગામે એક યુવક ગુમ થયો અને તે બાદ યુવકના પરિવાર સહીત પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી પરંતુ યુવક ક્યાંય ન મળ્યો. આખરે પત્નીના એક શંકાસ્પદ જગ્યાએ આંટા અને ધાબળાના કાપડે ખોલી દીધું આખી ઘટનાનું રહસ્ય. શું થયું એવુ.  ક્યાંથી મળ્યો યુવક... અને એવુ તો શું બન્યું આ યુવક સાથે... આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં.

વાત છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખારા ગામની કે જે ખારા ગામે આવેલા વનરાજસિંહ ગુલામસિંહ ચૌહાણના ખેતરમાં વડગામના મોતીપુરા ગામનો રાજેશ નામનો યુવક પોતાની પત્ની સાથે ભાગીયા તરીકે કામ કરતો હતો. જો કે 3 નવેમ્બરે રાજેશ ઘરેથી મજૂરી જવાનું કહી નીકળ્યો તો પરંતુ મોડી રાત સુધી પાછો ન ફર્યો. જેથી ખેતર માલીક વનરાજસિંહએ ઘટનાની જાણ રાજેશના પિતા સોમાભાઈને કરી જેથી દીકરો ગુમ થયાની જાણ થતા જ રાજેશના પિતા સોમાભાઈ ખારા ગામે પહોંચી ગયા અને રાજેશની પત્ની ગીતાને રાજેશ બાબતે પૂછતાં ગીતાએ રાજેશ ગુમ થયો હોવાનું જણાવ્યું હતું. જો કે તે બાદ રાજેશના પિતાએ રાજેશને આસપાસ શોધ્યો રાજેશના લગતા વળગતાઓને ત્યાં શોધ્યો તેમ છતાં કોઈ પતો ન લાગ્યો.

આખરે 16 નવેમ્બરે રાજેશના પિતા સોમાભાઈએ ઘટનાની જાણ અમીરગઢ પોલીસને કરી અને અમીરગઢ પોલીસ મથકે પહોંચી તેમનો દીકરો ગુમ થયાની ફરિયાદ કરતા અમીરગઢ પોલીસ અને રાજેશના પિતા રાજેશની શોધખોળ કરી રહ્યાં હતા. તે દરમિયાન 18 નવેમ્બરે ખેતર માલિક વનરાજસિંહ રાજેશના પિતાને ફોન કરે છે અને તેમના ખેતરની બાજુમાંથી પસાર થતા વોહળા નજીક પડેલી ખરાબાની જગ્યામાં તાજેતરમાં ખોદકામ થયું હોવાની અને આ ખોદકામ નજીક રાજેશની પત્ની ગીતા આંટાફેરા કરતી હોવાની અને ખાડા પર ધાબળા જેવી કોઈ ચીજ દેખાતી હોવાની જાણ કરતા જ રાજેશના પિતા સોમાભાઈ તેમની પત્ની અને પરિવારના લોકો સાથે ફરી ખારા ગામે પહોંચ્યાં હતા. 

પોલીસ અને મામલતદારને સાથે રાખી શંકા વાળી જગ્યા પર ખાડો ખોદાવતા જ ખાડામાંથી કોહવાયેલી હાલતમાં રાજેશનો મૃતદેહ મળી આવતા હડકમ મચી હયો હતો. જોકે જમીનમાંથી મળી આવેલા રાજેશના મૃતદેહના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યાના નિશાનો મળી આવતા રાજેશના પિતા સોમાભાઈએ રાજેશની પત્ની ગીતા તેમજ અજાણ્યા શખ્સો સામે શંકાને આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગીતાની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી. તો ગીતાએ તેના બે ભાઈઓને સાથે રાખી રાજેશની હત્યા કરી અને તે બાદ આ હત્યાને છુપાવવા રાજેશના મૃતદેહને ખેતર નજીક પસાર થતા વહોળા નજીક ખાડો ખોદી તેમાં છુપાવી દીધો હોવાનું સામે આવતા જ પોલીસે ગીતા સહિત તેના બે ભાઈ ટીના અને પકાની અટકાયત કરી છે. ત્રણેય સામે હત્યાનો ગુનો દાખલ કરી આ હત્યા શું કારણોસર કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news