Gujarat Weather: વાવાઝોડા બાદ હવે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું, અંબાલાલ પટેલની આ આગાહી વાંચીને વધી જશે હૃદયના ધબકારા!
Ambalal Patel On Monsoon 2023: અંબાલાલ પટેલ દ્વારા ચોમાસા અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે ચોમાસાની શરુઆત અરબી સમુદ્રના હળવા દબાણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉભા થનારા દબાણની અસરોને આધારે સંભાવના વ્યક્ત કરી છે.
Trending Photos
Gujarat Weather 2023: ચોમાસાની કેરળમાં વિધિવત રીતે એન્ટ્રી થઈ ચૂકી છે. જે બાદ ખેડૂતો સહિત તમામ લોકોની નજર ગુજરાતમાં એન્ટ્રી પર છે. હાલ ગુજરાતમાં સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશતા ચોમાસાની સિસ્ટમ પર માઠી અસર કરી છે ત્યારે દરેકના મનમાં એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે વાવાઝોડા બાદ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવી દીધું છે કે બિયરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે.
અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે કે 17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ જશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો થશે. મૃગશીર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર વચ્ચે 8 દિવસ વરસાદ નહિ પડે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સારો થશે પરંતુ જીવજંતુનો ઉપદ્રવ વધશે. 21 તારીખે મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થશે અને આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે.
વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
અંબાલાલ પટેલે હાલ ગુજરાત પર ખતરો બનીને બેઠેલા બિપરજોય વાવાઝોડાને લઈ જણાવ્યું છે કે વાવાઝોડું ફંટાશે પણ ગુજરાતમાં આંધી સાથે ભારેથી અતિભારે વરસાદ આવશે. રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે. 10 તારીખના રાત્રિથી ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થશે, દરિયો તોફાની થશે, દરિયામાં ભારે કરંટ જોવા મળશે. જેના કારણે ઉચા મોજા ઉછળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે વરસાદ થશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, બિપરજોય ચક્રવાતની અસર ગુજરાતમાં 13 તારીખ સુધી રહેશે. માત્ર દરિયા કિનારે જ નહિ પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતના અંદરના ભાગમાં પણ ભારે પવન અને વરસાદ રહેશે. નોંધનીય છે કે, આ વર્ષે ઋતુચક્રમાં ફેરફાર થયો છે. ઉનાળામાં અનેક જગ્યાએ માવઠું થયું છે. ચક્રવાતની પણ અસર છે. દર વર્ષે કેરળમાં ચોમાસું બેસે તેના લગભગ 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસે છે. એટલે જો કેરળમાં ચોમાસું મોડું પડે તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
ગુજરાતના 207 જળાશયોમાં ક્યાં કેટલું પાણી બચ્યું?
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના 207 જળાશયોમાં માત્ર 42.95 ટકા જ પાણી બચ્યું છે. ગરમીમાં પાણીની માંગ વધી રહી છે અને જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 35.87 ટકા પાણીનો જથ્થો છે તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં માત્ર 35.99 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 47.46 ટકા પાણી છે. જ્યારે કચ્છના 20 જળાશયોમાં 31.77 ટકા પાણીનો જથ્થો છે. સૌથી ખરાબ સ્થિતિ સૌરાષ્ટ્રની છે. જેના 141 જળાશયોમાં માત્ર 23.43 ટકા જ પાણી બચ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં માત્ર 47.74 ટકા પાણીનો જથ્થો છે.
રાજ્યના 3 ડેમ એવા છે જેમાં હજુ પણ 90 ટકાથી વધારે પાણી છે. તો એક ડેમમાં 80 થી 90 ટકા જેટલો પાણીનો જથ્થો છે. 2 ડેમમાં 70 ટકા પાણી છે તો રાજ્યના 200 ડેમ એવા છે જેમાં 70 ટકાથી ઓછું પાણી છે. દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં માત્ર 4.03 ટકા પાણી છે. તો નવસારી, સુરત, બોટાદ, જામનદર, બનાસકાંઠા, ખેડા અને અમરેલીના જળાશયોમાં 20 ટકા કરતા ઓછું પાણી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે