Biparjoy Cyclone: શું ગુજરાતમાં કોઈ મોટા ખતરાનો છે સંકેત? જાણો શું છે દ્વારકા મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવાનું કારણ?
Dwarka Temple Rituals: દ્વારકા મંદિરમાં અડધી પાટલીએ ધજા ચઢાવવાનું કામ અબોટી બ્રાહ્મણો વર્ષોથી પોતાની સેવા ગણીને કરે છે, ત્યારે રોજ 150 ફૂટે ચઢતી ધજા કેમ આફતોમાં 20 ફૂટે ચઢે તે પાછળનું રહસ્ય જાણીએ...
Trending Photos
ઝી બ્યુરો/દ્વારકા: તમે સાંભળ્યુ હશે કે વાંચ્યુ હશે કે દ્વારકા મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી. જેમ દેશમાં કોઈ દુર્ઘટના બને કે દુખદ ઘટના બને તો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો રિવાજ છે, પરંતુ દ્વારકા મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવાનું શુ કારણ છે, તે આજે જાણીએ.
દ્વારકામાં તોફાની પવનને કારણે જગત મંદિરે ધ્વજા અડધી કાઠીએ ચડવાઇ છે. બિપોરજોય વાવાઝોડાની આગાહી પગલે દ્વારકામાં અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ છે. તોફાની પવનને કારણે ધ્વજા અડધી કાઠીએ ફરકી રહી છે. વાવાઝોડાની આગાહી પગલે અડધી કાઠી ધ્વજા ચડાવાઈ છે. દ્વારકામાં દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પવનની ગતિ વધી રહી છે.
દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને પાંચ ધજા ચઢે. નિયમિત સમયે મંદિરમાં પાંચ ધજા ચઢતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડીઓ હોય છે કે મશીનના દ્વારા મંદિર પર ધજા લહેરાવાય છે. પરંતુ દ્વારકા મંદિરનું એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનુ કામ કરે છે.
અબોટી બ્રાહ્મણો ચઢીને જ ધજા ચઢાવે છે
જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચઢાવવાનુ કામ કરે છે, તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ એક પ્રકારનું મોટુ સાહસ છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ચઢીને ધજા ચઢાવવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછુ નથી. મંદિરના સીધા શિખર પર કપરા ચઢાણ કરવા પડે છે. છતાં ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ વરસતો હોય, આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનુ ક્યારેય ચૂકતા નથી.
પરંતુ આ આ કામમાં મોટુ જોખમ રહેલું છે. ખાસ કરીને ચોમાસું અને ભારે પવન હોય ત્યારે. જોકે, આવા સમયે પણ પ્રથા તો બંધ કરાતી જ નથી. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનુ ચૂક નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. વરસાદ વધુ હોય કે પવન તેજ હોય તો પણ ધજા તો ચઢે છે. પરંતુ તેની ઊંચાઈ કરતા ઓછી હાઈટ પર ચઢાવાય છે. જેથી અબોટી બ્રાહ્મણનો જીવ જોખમાય નહિ. 150 ફૂટના શિખર પર આવા સમયે થોડી નીચે એટલે કે 20 ફૂટના અંતરે ધજા ચઢાવાય છે.
આ વિશે દ્વારકા મંદિરના પૂજારી દીપકભાઈ રમણીકભાઈ પૂજારી કહે છે કે, દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ ધજા ચઢાવવા જેવો કોઈ શબ્દ જ નથી. કારણ કે, પરંપરા મુજબ ધજા વર્ષોથી ધજા ચઢે જ છે. અડધી કાઠી એટલે કંઈ બન્યુ હોય તો આવો શબ્દ વપરાત. પરંતુ દ્વારકા મદિરમાં જે ધજા અડધે ચઢે છે તેને અડધી પાટલીએ પાટલીએ ધજા કહેવાય છે. લોકો તેનુ અર્થઘટન ખોટુ કરે છે. ધજા ચઢે તો છે પણ પાંચ ફૂટ નીચે છે. કારણ કે, ધજા ચઢાવવા ન તો કોઈ સીડી છે, ન તો કોઈ સાધન છે. અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે 150 ફૂટ ઊંચે ચઢે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે.
તેમની આસ્થા છે કે તેઓ પાતાના હાથથી ધજા ચઢાવે છે. અત્યાર સુધી માત્ર એક જ વાર અકસ્માત થયો હતો કે, ધજા ચઢાવતા સમયે બ્રાહ્મણ નીચે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને સેફ્ટીના સાધનો પણ આપવામા આવ્યા છે. છતા એ લોકો કોઈ સેફ્ટીનો ઉપયોગ કરતા નથી. કારણ કે તેઓ માને છે કે, પ્રભુ તેમની રક્ષા કરે છે. માત્ર એક જ વાર અકસ્માત થયો છે. તે જોખમી કહેવાય, પણ વિષય આસ્થાનો છે. પરંપરા અટકતી નથી, ગમે તેવા તોફાનમાં પણ દિવસે પાંચ દિવસ ધજા નિયમિત ચઢે જ છે. ધજા ચઢાવતા સમયે અબોટી બ્રાહ્મણ લસરી ન જાય તે માટે થોડી નીચે ધજા ચઢાવાય છે. લોકો અડધી કાઠીથી ખોટુ અર્થઘટન કરે છે તેવુ કહેતા તેઓ જણાવે છે કે, દ્વારકા મંદિર માટે અડધી કાઠીએ ધજા એ શબ્દ યોગ્ય ન કહેવાય. આ શબ્દ સોશિયલ મીડિયાથી ફેલાયો છે. જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય છે. 2001 માં આવેલા ભૂકંપ અને ગત વર્ષે તૌકતે સમયે પણ મંદિરમાં ધજા તો ચઢી જ હતી.
રોજ 5 ધજા ચઢાવવાની પરંપરા
મંદિર શિખર પર દરરોજ 5 ધજા ચડાવવામાં આવે છે. દ્વારકાધીશ મંદિર પર 52 ગજની જ ધજા ફરકાવવામાં આવે છે. જેની પછાળ અનેક માન્યતાઓ છે જેમાં દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે દરેક યાદવના મહેલ પર પોતાના અલગ-અલગ ધ્વજ લાગતા હતા. જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોનાં પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે. ઉપરાંત 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. એટલે 52 ગજની ધજા ચડાવાય છે. આમ અનેક માન્યતાઓ પ્રચલિત છે.
એકવાર તૂટ્યો હતો મંદિરનો ધ્વજદંડ
જુલાઈ 2020માં પણ દ્વારકાધીશના જગતમંદિરના શિખરનો દંડ તૂટવાની ઘટના સામે આવી હતી અને આ ઘટના બાદ મંદિરના દંડને દોરડાથી બાંધવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ કોઈ મોટી મુશ્કેલી આવવાની છે તેનો સંકેત છે. મંદિરનો ધ્વજ અત્યાર સુધીમાં જ્યારે જ્યારે નમ્યો હતો ત્યારે કોઈને કોઈ મુશ્કેલી ઊભી થઈ હતી અને હવે આ ધ્વજનો દંડ આખો તૂટી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે