અમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યું

Severe Heatwave Alert : ગરમીએ એવી કરવટ બદલી કે હવે દિવસની સાથે રાત પણ તપવા લાગી છે, ત્યારે શહેરીકરણને કારણે અમદાવાદ એવુ શહેર બન્યું જેના રાતના તાપમાનમાં 1.06 ડિગ્રીનો વધારો થયો છે  

અમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યું

Gujarat Weather Forecast : આ વર્ષે ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે. દિવસે તો આકાશમાંથી અગનગોળા વરસી જ રહ્યા છે પરંતુ રાત્રે પણ એટલો જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેનું કારણ છે શહેરોમાં વધતા જતા કોંક્રીટના જંગલો. IIT ભૂવનેશ્વરના એક રિસર્ચમાં આ વિગતો સામે આવી છે. એક દાયકામાં શહેરીકરણના કારણે રાતના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આખા દેશમાં અમદાવાદ એક એવું શહેર છે જેના રાતના તાપમાનમાં 1.06 ડિગ્રીનો વધારો થયો છે. બીજા સ્થાન પર રાજસ્થાનનું જયપુર અને ત્રીજા નંબર પર રાજકોટ આવે છે. રાજકોટના રાત્રિના સરેરાશ તાપમાનમાં 0.94 ડિગ્રીનો વધારો નોંધાયો છે. શહેરોમાં ગરમી બમણી ઝડપે વધી રહી છે. જેનું મુખ્ય કારણ એ માનવામાં આવી રહ્યું છે કે, કોંક્રીટ અને ડામર દિવસે ગરમીને શોષી લે છે, અને સાંજે બહાર ફેંકે છે. સાથે જ પ્રદૂષણના કારણે પણ સરેરાશ તાપમાન વધી રહ્યું છે. દેશના કુલ 140 એવા શહેરો છે જેનું રાતનું સરેરાશ તાપમાન શહેરીકરણના લીધે વધ્યું છે.

ધરતીના સ્વર્ગ કાશ્મીરમાં પણ ગરમીએ રેકોર્ડ તોડ્યો 
ઉત્તર પશ્ચિમ ભારતમાં આકરી ગરમી પડી રહી છે. એમાં પણ દિલ્લી અને રાજસ્થાનમાં તો તાપમાન 49 ડિગ્રીને પાર જતું રહ્યું છે. દિલ્લીના અનેક વિસ્તારમાં 49 થી 50 ડિગ્રી તાપમાનનો પારો પહોંચી ગયો તો બીજી તરફ રાજસ્થાનમાં ગરમીએ 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં 50 ડિગ્રી તાપમાન થયું તો પિલાનીમાં 49 ડિગ્રી તાપમાન નોંધાયું. ભારે હીટવેવના કારણે જેસલમેરની એક વિંડમિલમાં આગની પણ ઘટના બની. રાજસ્થાનમાં હીટ સ્ટ્રોકના કેસમાં પણ અધધ વધારો થયો છે. એટલું જ નહીં ગરમીમાં રાહત મેળવવા માટે લોકો જ્યાં જવાનું પસંદ કરે છે એવા ધરતી પરના સ્વર્ગ કશ્મીરમાં પણ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. કશ્મીરના કાઝીગૂંડમાં 43 વર્ષનો રેકોર્ડ તોડીને તાપમાનનો પારો 34 ડિગ્રી પર પહોંચી ગયો છે. આ વર્ષે આખા દેશમાં ઉંચા તાપમાન અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

મે કરતા જુન વધારે તપશે 
શરીર સળગી જાય તેવી ગરમી પડી રહી છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહી છે. ત્યારે એક ચોંકાવનારા ખબર એ છે કે, આ વર્ષે જૂન મહિનામાં હીટવેવની શક્યતા છે. જૂન મહિનામાં હીટવેવના દિવસો મે કરતા વધારે રહેશે. જુન મહિનામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે. મે મહિના કરતા પણ જૂનમાં વધુ ગરમી પડવાની આગાહી છે. જૂન મહિનામાં સામાન્ય રીતે 3 દિવસ હીટવેવ રહે છે, આ વખતે છ દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે. જૂન મહિનામાં રાત્રે પણ તાપમાન વધારે રહેતા ગરમીનો અનુભવ થશે. 30 મે બાદ 3 થી 4 દિવસ માટે ગરમી ઘટી શકે છે, કારણ કે આ દિવસોમાં વરસાદની આગાહી છે. પરંતું ત્યાર બાદ જૂનમાં ફરીથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 

ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી ઘટશે 
દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે. સરેરાશ 108 ટકા સુધી વરસાદ પડી શકે છે. જેમાં મધ્ય ભારત, દક્ષિણ ભારતના રાજ્યમાં વધુ વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર અસર થઈ છે. જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન, ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે. બંને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી ઘટશે. વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે. 

જુનના પ્રથમ સપ્તાહમાં આવશે વરસાદ, અંબાલાલની આગાહી  
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. 

ગઈકાલથી થોડી ગરમી ઘટી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગરમીનો પારો ઘટવાનો છે. રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત મળશે. આજથી તપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થશે. દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન ઉભી થશે. જેને કારણે રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. આ દિવસોમાં 25/30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ગઈકાલે તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news