સાવધાન! ગુજરાતમાં આ કેન્સરના સૌથી વધુ કેસ, માત્ર સરકારી હોસ્પિટલમાં જ નોંધાયા 13,500 દર્દીઓ...'

અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 13,500 કેન્સરના દર્દીઓ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વર્ષ 2022નાં જાન્યુઆરીથી ઓક્ટોબર મહિનામાં 13,500 કેન્સરના દર્દીઓને સારવાર અપાઈ છે. વર્ષ 2021માં GCRI ખાતે કેન્સરના 16 હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા.

સાવધાન! ગુજરાતમાં આ કેન્સરના સૌથી વધુ કેસ, માત્ર સરકારી હોસ્પિટલમાં જ નોંધાયા 13,500 દર્દીઓ...'

અતુલ તિવારી/અમદાવાદ: દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ સતત વધી રહ્યો છે. કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવા અને વિશ્વમાં કેન્સરનું પ્રમાણ ઘટાડવા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. વિશ્વભરમાં દરવર્ષે જુદી જુદી થીમ પર વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day ) ની ઉજવણી કરવામાં આવે છે. તેમ છતાં લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા આવતી નથી.

અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 13,500 કેન્સરના દર્દીઓ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વર્ષ 2022નાં જાન્યુઆરીથી ઓક્ટોબર મહિનામાં 13,500 કેન્સરના દર્દીઓને સારવાર અપાઈ છે. વર્ષ 2021માં GCRI ખાતે કેન્સરના 16 હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા, વર્ષ 2021ની તુલનામાં વર્ષ 2022માં કેન્સરના દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો થયો છે.

વર્ષ 2021માં કેન્સરના દર મહિને 1,333 કેસો નોંધાયા હતા. જેની સામે વર્ષ 2022નાં 10 મહિનામાં દર મહિને કેન્સરના 1,350 દર્દીઓ નોંધાયા છે. વર્ષ 2022માં નોંધાયેલા કેન્સરના દર્દીઓમાં 7900 પુરુષ દર્દીઓ જ્યારે 5500 જેટલી મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે નોંધાયેલા કેન્સરના દર્દીઓમાં સૌથી વધુ કેસ મોઢાના કેન્સરના નોંધાયા, ત્યારબાદ બ્રેસ્ટ, જીભ, ગર્ભાશય તેમજ લંગ્સ કેન્સરના સામે આવ્યા છે. અગાઉ મોઢાના કેન્સર 30 કરતા વધુની ઉંમરના દર્દીઓમાં જોવા મળતા જે હવે 20 વર્ષના દર્દીઓમાં નોંધાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં જાન્યુઆરીથી ઓકટોબર 2022નાં ગળામાં નોંધાયેલા 13,500 કેન્સરના 75 ટકા કેસ 35 થી 70 વર્ષની વયના દર્દીઓમાં નોંધાયા છે. ICMR નાં નેશનલ સેન્ટર ફોર ડીસિઝ ઇન્ફર્મેટિક્સ એન્ડ રિસર્ચનાં કેન્સર ઇન્ડેક્ષ એન્ડ રિસ્ક ફેક્ટરનાં આંકડાઓ મુજબ લંગ્સ, ગર્ભાશય કેન્સરના 80 ટકા દર્દીઓ કેન્સરના બીજા અને ત્રીજા સ્ટેજમાં સામે આવે છે.

ઉલ્લેખનીય છે કે, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત મેડિકલ ક્ષેત્રે હબ તરીકે ગણાઈ રહ્યું છે. પરંતુ રાજ્યમાં દેશના અન્ય રાજ્યો કરતાં કેન્સરના કેસોની સંખ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. લોકસભામાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આંકડા રજુ કરવામા આવ્યાં છે. આ આંકડામાં છેલ્લા ત્રણ વર્ષમાં બે લાખથી વધુ કેસો નોંધાયાં હતાં. જેમાં 1.11 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કોરોના કરતાં કેન્સરથી વધુ મોત થયાં છે. કેન્સરની સારવાર માટે કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતને 25.46 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે.

કેન્સરના જોખમી પરિબળો
એક સર્વે અનુસાર, 15 થી 49 વર્ષના લોકોમાં રહેલા કેન્સરના જોખમી પરિબળો જોવા મળે છે. જેમાં દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓ, અઠવાડિયામાં ફક્ત એક જ વખત લીલા શાકભાજી ખાતા 89.5 ટકા પુરૂષો અને 89.8 ટકા સ્ત્રીઓ, જ્યારે ફક્ત એક જ વખત ફળનું સેવન કરતા 44.6 ટકા પુરૂષો અને 52.3 ટકા સ્ત્રીઓ, ગૃહીણીઓમાં રસોડામાં ચૂલાના ઉપયોગથી થતા ઘુમાડાથી 38 ટકા ,જ્યારે વધુ વજન અથવા મેદસ્વિપણાથી 19.9 ટકા પુરૂષો અને 22.6 ટકા સ્ત્રીઓ, હાયપર ટેન્સનથી 20.3 ટકા પુરૂષો અને 20.6 ટકા સ્ત્રીઓ અને ડાયાબિટીસથી 16.9 ટકા પુરૂષો અને 15.8 ટકા સ્ત્રીઓમાં કેન્સર થવાનું રિસ્ક અંશતઃ વધુ જોવા મળ્યુ છે.

કેન્સર અંગે ગુજરાતની સ્થિતિ પર એક નજર કરીએ તો, વર્ષ 2020 માં દેશમાં 13.92 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા, જેમાંથી 69,660 કેસ ગુજરાત રાજ્યમાં નોંધાયા, જે વધીને વર્ષ 2025 સુધીમાં 79,217 થવાનો અંદાજ છે. અમદાવાદ શહેરી કેન્સર રજિસ્ટ્રીના રિપોર્ટ પ્રમાણે, દર 1 લાખની વસ્તીએ પુરુષોમાં 98 અને સ્ત્રીઓમાં 77 નવા કેન્સરના દર્દીઓ જોવા મળી રહ્યા છે.

કેન્સર શરીરના અલગ અલગ ભાગમાં થતો એક ભયાવહ રોગ છે. ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરના 50 ટકા દર્દીઓમાં ગર્ભાશયના મુખ (સર્વાઇકલ), સ્તન (બ્રેસ્ટ) અને મોઢા (ઓરલ)નું  કેન્સર જોવા મળ્યું છે. કેન્સર સામે સમયસર લડવા સ્ક્રીનીંગ એટલે કે પ્રાથમિક તબક્કે કેન્સરના લક્ષણોની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનીંગ શક્ય છે. તમાકુ, ધુમ્રપાન કે અન્ય પ્રકારનું વ્યસન કરતા વ્યક્તિના મોઢાની તપાસ કરીને ઓરલ કેન્સરનું નિદાન કરી શકાય છે. સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધતુ જોવા મળી રહ્યું છે. પરંતુ જો શરૂઆતના તબક્કામાં જ તેનું નિદાન કરીએ તો તેને રોકી પણ શકાય છે. સ્તન કેન્સરના નિદાન માટે ઘરે બેઠા પણ જાત તપાસ કરી શકાય છે. તેમજ મેમોગ્રાફી અને સોનોગ્રાફી જેવા ટેસ્ટ સરળતાથી કરાવી શકાય છે. એ સિવાય સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર પણ અનેક લોકોને થતું જોવા મળી રહ્યું છે. જેના નિદાન માટે પેપ ટેસ્ટ કરાવી શકાય છે. જેથી ઝડપથી નિદાન થઈ શકે.

આજથી થોડા વર્ષો પહેલા કેન્સર એટલે કેન્સલ એવી ગેરમાન્યતા સમાજમાં પ્રવર્તતી હતી. પરંતુ જો કેન્સરની પ્રથમ તબક્કામાં જ જો યોગ્ય અને સચોટ સારવાર લેવામાં આવે તો તેને દૂર કરી શકાય છે, બીજા અને ત્રીજા તબક્કામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબૂમાં લાવી શકાય છે. પરંતુ એના માટે કેન્સરના જુદા જુદા સ્ટેજ વિશે સમજવું જરૂરી છે. કેન્સરના વિવિધ તબક્કા કેન્સરની ગાંઠના કદ, લસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અન્ય અંગોમાં થયેલ ફેલાવાને ધ્યાનમાં લઈને કેન્સરનો સ્ટેજ નક્કી થાય છે.

કેન્સર પ્રથમ સ્ટેજમાં હોય ત્યારે કેન્સરની ગાંઠ 2 સેન્ટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો ના થયો હોય તો રોગ તેના પ્રથમ તબક્કામાં છે તેવું ગણવામાં આવે છે. બીજો સ્ટેજ એટલે જ્યારે કેન્સરની ગાંઠનું કદ 2 થી 5 સેન્ટીમીટર વચ્ચેનું હોય તથા તેનો ફેલાવો લસિકા ગ્રંથિમાં થતો હોય. જ્યારે ત્રીજો સ્ટેજ એટલે જ્યારે કેન્સરની ગાંઠનું કદ 5 સેન્ટીમીટર કરતાં વધારે હોય અને તેનો ફેલાવો વધુ લસિકા ગ્રંથિઓમાં થયો હોય. કેન્સરનો ચોથો સ્ટેજ એટલે જ્યારે ગાંઠનું કદ ખૂબ જ વધી જાય અને તે શરીરના અન્ય અંગોમા પ્રસરે છે. 

ICMR ના NCDIR (National Centre For Disease Informatics And Research) વર્ષ 2021 ના રિપોર્ટ પ્રમાણે દેશમાં વર્ષ 2020માં 13.92 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ 3.77 લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થયા. ભારતમાં દર 8 મિનિટે 1 સ્ત્રીનુ મૃત્યુ ગર્ભાશયના મુખના કેન્સર અને દર 13 મિનિટે 1 સ્ત્રીનુ મૃત્યુ સ્તનના કેન્સરના કારણે થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news