અમદાવાદ: 'લુખ્ખાગીરી' કરનારને મળશે આવી જ સજા! પોલીસે નબીરાઓને કરાવ્યું કાયદાનું ભાન
અમદાવાદના સિંધુ ભવન રોડ પર હંમેશા લોકોની અવરજવર રહેતી હોય છે. અહીં અનેક લોકો પસાર થતા હોય છે. પરંતુ દિવાળીની રાત્રે બેફામ બનેલા યુવાનોએ કાયદો હાથમાં લીધો અને કારની ઉપર ચઢીને ફટાકડા ફોડ્યા હતા.
Trending Photos
અમદાવાદ: દિવાળીની રાતે જાહેર રોડ પર ફટાકડા ફોડી સિંધુભવન રોડને બાનમા લેનાર 9 યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી. જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડી વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર તોફાન મચાવનારા લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સરભરા કરી છે. દિવાળીની રાત્રે સ્ટંટ કરનારા તત્વોને પોલીસે સિંધુ ભવન રોડ પર જ કાન પકડીને ઉઠક બેઠક કરાવી છે.
એસીપી એસ.ડી પટેલ, સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જે ચાવડા તથા અન્ય પોલીસકર્મીઓ સાથે આરોપીઓને સિંધુ ભવન રોડ પર તાજ હોટલની સામે લાવવામાં આવ્યા હતા. તમામ આરોપીઓની વિગત મેળવીને અધિકારીઓએ સાથે રહીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
તાજ હોટલથી ઓક્સિજન પાર્ક સુધી આરોપીઓને ચલાવીને લઈ જવામાં આવ્યા હતા. આ પ્રકારનો ગુનો અન્ય કોઈ ના કરે તે માટે રસ્તામાં આરોપીઓને ઉઠાક બેઠક કરાવીને પાઠ ભણાવવામાં આવ્યો હતો. રિકન્સ્ટ્રક્શન સમયે પણ આસપાસ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. પોલીસે જાહેરનામા ભંગ સિવાય કલમ 308 પણ ઉમેરી છે. તમામ આરોપીઓએ જે જગ્યાએ ફટાકડા ફોડ્યા હતા તે જગ્યા પર લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
રોડ વચ્ચે ચાલુ ગાડીમાં ફટાકડા ફોડ્યા
અમદાવાદના સિંધુ ભવન રોડ પર હંમેશા લોકોની અવરજવર રહેતી હોય છે. અહીં અનેક લોકો પસાર થતા હોય છે. પરંતુ દિવાળીની રાત્રે બેફામ બનેલા યુવાનોએ કાયદો હાથમાં લીધો અને કારની ઉપર ચઢીને ફટાકડા ફોડ્યા હતા. ચાલુકામાંથી બારીની બહાર આવીને ફટાકડા ફોડતા યુવકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ યુવકોને કાયદાનો ડર નથી, જ્યારે પોલીસ પણ ઉંઘી રહી હતી.
લોકોના જીવ જોખમમાં મૂક્યા
સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના ચક્કરમાં જાહેરમાં ફટાકડા ફોડી ઘણા બેફામ બનેલા યુવકોએ રસ્તા પરથી પસાર થતાં લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે. કારની ઉપર ફટાકડા ફોડીને તેની રીલ્સ બનાવવામાં આવી છે. ભારે ટ્રાફિક બચ્ચે બેફામ બનેલા યુવકોએ કાયદાના લીરેલીરા ઉડાવી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે