અમદાવાદની પરિણીતાનો હૃદય ભાંગી નાંખે તેવો કિસ્સો, દહેજના વિષચક્રે વધુ એક મહિલાનો ભોગ લેવાયો

ઇસ્કોન બ્રિજ પરથી એક પરણિતાએ ઝંપલાવી આપઘાત કર્યો છે. ઘણા મહિના સુધી પરણિતાની સારવાર ચાલી હતી, પરંતુ તેમ છતાં સાસરિયાઓ ફરકયા પણ નહોતા. હવે આ જ ત્રાસ આપનાર સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસ તેઓને શોધી રહી છે.

  • - સાસરિયાઓના ત્રાસથી પરણિતાનો આપઘાત
  • - ઓફિસે હાફ ડે લઈ યુવતીએ ઇસ્કોન બ્રિજ પરથી ઝંપલાવ્યું
  • - મિત્રના લગ્નમાં જવા માટે નીકળવાની યુવતીને સાસરાની ત્રાસદાયક વાતો યાદ આવી ગઈ

Trending Photos

અમદાવાદની પરિણીતાનો હૃદય ભાંગી નાંખે તેવો કિસ્સો, દહેજના વિષચક્રે વધુ એક મહિલાનો ભોગ લેવાયો

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં સાસરિયાઓના ત્રાસે વધુ એક પરિણીતાનો જીવ લીધો છે. શહેરના ઇસ્કોન બ્રિજ પરથી એક પરણિતાએ ઝંપલાવી આપઘાત કર્યો છે. ઘણા મહિના સુધી પરણિતાની સારવાર ચાલી હતી, પરંતુ તેમ છતાં સાસરિયાઓ ફરકયા પણ નહોતા. હવે આ જ ત્રાસ આપનાર સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસ તેઓને શોધી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ક્રિષ્ના નામની યુવતીએ વર્ષ 2020માં જ અમિત ઉર્ફે આકાશ ચાવડા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર માસ બાદથી જ સાસુ- સસરા, નણંદ અને ફોઈજી સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યું. અવાર નવાર દહેજને લઈને અને પતિથી છૂટું કરવા માટે સાસરિયાઓ દબાણ કરીને ત્રાસ આપતા હતા. સાસરિયાઓએ ક્રિષ્નાને ઘરમાંથી કાઢી મુકતા તે પિયર આવી ગઈ હતી અને નોકરી ચાલુ કરી હતી. બસ 18 જાન્યુઆરીએ પણ ક્રિષ્ના નોકરીએ ગઈ. ત્યાં હાફ ડે લઈને તે મિત્રના લગ્નમાં જવાની હતી પણ તે પહેલા જ તેણે ઇસ્કોન બ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હતી.

યુવતીને સારવાર અર્થે ખસેડી ત્યારે તેણે તેના ભાઈને કહ્યું કે, હું ઘણા સમયથી રિસામણે છું, સાસુ સસરા ફોઈજી સાસુ પતિથી અલગ કરવા ત્રાસ આપે છે. પતિ સાથે વાત પણ કરવા દેતા નથી. જેના કારણે હું સતત ટેન્શનમાં રહેતી હતી. જેમાં પતિ અમિતનો કોઈ વાંક નથી. હું કામ પર હોવું ત્યારે પણ સાસુ સસરાનો ત્રાસ દાયક વાતો મગજમાં ફર્યા કરતી. આ લોકોએ મારું ભવિષ્ય અને જિંદગી બગાડી નાખતા હું બેચેન રહેવા લાગી છું. મને જીવવાની આશા રહી નથી, જીવવા કરતા મરી જવું વધારે સારું. આ વાત સાંભળી યુવતીના પિયરજનોએ સાસરિયાઓને ફોન કર્યો તો તેઓએ ક્રિષ્ના મરી જાય તો ય અમારે લેવા દેવા નથી તેમ કહી ફોન મૂકી દીધો હતો. એટલું જ નહીં, યુવતી હોસ્પિટલમાં હોવા છતાં તેની ખબર કાઢવા પણ આવ્યા નહોતા. આ સારવાર દરમિયાન ક્રિષ્નાનું 12 માર્ચના રોજ અવસાન થયું. જેથી હવે ન્યાયની આશાએ બેઠેલા આ ઠાકોર પરિવારે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે તપાસ તેજ કરી આરોપીઓને પકડવા ટીમો રવાના કરી છે.

દિવસેને દિવસે સાસરિયાઓના ત્રાસની ઘટનાઓ વધી રહી છે. આવી અનેક યુવતીઓએ ત્રાસમાંથી મુક્ત થવા જીવ આપી દીધો. ત્યારે ત્રાસ આપનાર સાસરિયાઓને સમાજમાં શબક શીખવાડવા માટે પોલીસ દાખલારૂપ કડક કાર્યવાહી કરી આ પરિવારને ન્યાય અપાવે તે જ માંગ મૃતક યુવતીના પરિવારજનો કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news