તમારા ઘરે આવતો ગેસનો બાટલો ખરેખર ચેક કરીને પછી જ લેજો, ચાલે છે આવો 'ધંધો'
ગેસ સિલિન્ડરનું વજન કર્યા વિના તમે સિલિન્ડરની ડિલિવરી લો છો તો ચેતી જજો. કારણ કે અમદાવાદમાં ફરી એક વાર ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ગેસ સિલિન્ડરના ભાવ વધતાની સાથે જ સિલિન્ડરનુ ગેરકાયદે વેચાણ અને ગેસ ચોરીનું કૌભાંડ આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આવા જ બે યુવકોની ધરપકડ કરી છે, જે ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કટીંગ કરી કોમર્શિયલ ગેસના બાટલામાં ભરીને તેને બારોબાર વેચીને છેતરપિંડી આચરતા હતા. ક્રાઇમ બ્રાંચે 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
અમદાવાદમાં દાણીલીમડા વિસ્તાર માથી બીજી વખત ગેસ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડામાં સિકંદર માર્કેટમાં આવેલા અમીન એસ્ટેટમાં કે.જી.એન એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. ગોડાઉનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પડ્યા હતા.
ગોડાઉનમાં મોહસીન ઉર્ફે પપ્પુ શેખ તથા રવિન્દ્ર જૈન નામના બે વ્યક્તિ ગેસ રિફિલિંગ કૌભાંડ કરતા હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસ ના બાટલા મેળવી તેને કોમર્શિયલ ગેસ માં રિફિલિંગ કરતા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા 87 જેટલા અલગ અલગ ગેસ સિલિન્ડર, 3 ઇલેક્ટ્રિક મોટર, વજન કાંટો, હીટ ગન સહિત ગેસના બાટલા ઉપર સીલ મારવાની દોરી વાળી પ્લાસ્ટિકની કેપ સહિતની અલગ અલગ વસ્તુઓ મળી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે બંને આરોપીની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ઇસનપુર વિસ્તારમાં રહેતા હરીસીંગ નામના વ્યક્તિ પાસેથી આ ગેસના સિલિન્ડર લીધા છે. જેથી પોલીસ હરિસિંગ નામના વ્યક્તિને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. જોકે હરિસિંહની ધરપકડ બાદ જ ખ્યાલ આવશે કે હરિસિંહ આ ગેસ સિલીન્ડર ક્યાંથી લઈ આવે છે. સમગ્ર મામલે કોઇ ગેસ એજન્સીની ભૂમિકા છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે