ગુજરાત સરકારની ડોક્ટરોને સૌથી મોટી ભેટ, વીઝીટીંગ ડોક્ટરોના વેતનમાં વધારો, આટલા રૂપિયા વધશે!
રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરાયો. વીઝીટીંગ ડોકટરોના માનદ વેતનમાં અંતરના આધારે વિઝીટ દીઠ રૂ. ૨૦૦ થી રૂ. ૬૦૦ સુધીનો વધારો કરાયો. નવા સુધારેલા વીઝીટીંગ દરના પરિણામે ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો તજજ્ઞ ડોક્ટરોની વધુ કાર્યક્ષમ સેવાઓ મેળવી શકશે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેરાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ 2018માં માનદ વેતનના દર નક્કી કરવામાં આવ્યા હતા.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સેવાભાવી ટ્રસ્ટો દ્વારા અનેક ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો સેવાકીય હેતુસર ચલાવવામાં આવે છે. આવી હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરની સેવા સરળતાથી મળી રહે તે માટે રાજ્યની વિવિધ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના ટ્રસ્ટીઓ અને એસોશીએશન દ્વારા માનદ વેતનના દરમાં વધારો કરવા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ અંગેની રજૂઆતોને સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી હકારાત્મક પ્રતિભાવ આપતા વેતનમાં વધારો કરવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
તેમણે સુધારેલા દર અંગે વાત કરતા કહ્યું કે, ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરનો આશરે ૫૦ કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર અત્યારે રૂ. ૭૦૦ છે, જેને હવે વધારીને રૂ. ૧,૦૦૦ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, ૫૧ થી ૧૦૦ કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર રૂ. ૮૦૦ થી વધારીને રૂ. ૧,૨૫૦ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૦૦ કિ.મી.થી વધારે અંતર માટે માનદ વેતનનો દર જે અત્યારે રૂ. ૯૦૦ છે, તેને વધારીને રૂ. ૧,૫૦૦ કરવામાં આવ્યો છે.
નવા સુધારેલા વીઝીટીંગ દરના પરિણામે ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો તજજ્ઞ ડોક્ટરોની વધુ કાર્યક્ષમ સેવાઓ મેળવી શકશે અને વધુમાં વધુ દર્દીઓ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે