જામનગરમાં જર્જરિત બિલ્ડિંગે ત્રણનો ભોગ લીધો; પતિ-પત્ની અને બાળકનું મોત, 5 ઈજાગ્રસ્ત

જામનગરમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું છે. ન્યૂ સાધના કોલોની આવાસનો બ્લોક ધરાશાયી થતાં કાટમાળમાં અનેક લોકો દટાયા હોવાની માહિતી મળી છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી

 જામનગરમાં જર્જરિત બિલ્ડિંગે ત્રણનો ભોગ લીધો; પતિ-પત્ની અને બાળકનું મોત, 5 ઈજાગ્રસ્ત

મુસ્તાદ દલ/જામનગર: શહેરમાં એક ગંભીર દુર્ઘટના ઘટી છે. જામનગરની સાધના કોલોનીમાં એક 3 માળનો જૂનો ફ્લેટ ધરાશાયી થયો છે. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે, જેની સારવાર ચાલી રહી છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. સમીસાંજે આ ઘટના બનતાં જ આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ચાર લોકોને કાટમાળમાંથી કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

રિવાબા જાડેજાની સહાયની જાહેરાત
જામનગરના સાધના કોલોની ખાતે ધરાશાયી થયેલ ત્રણ માળની બિલ્ડીંગમાં 3 લોકોના મોત નીપજ્યા છે. જેમાં એક જ પરિવારના પતિ-પત્ની અને બાળકનું મોત નિપજ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય રીવાબા જાડેજા મૃતકો અને ઈજાગ્રસ્તોને પરિવારને સાંત્વના પાઠવવા જી જી હોસ્પિટલ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત બે બાળાને સુકન્યા યોજના હેઠળ રૂ 51 -51 હજારની સહાય ચૂકવવાની રીવાબાએ જાહેરાત કરી હતી.

— Bhupendra Patel (@Bhupendrapbjp) June 23, 2023

જામનગરમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાનો મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહાયની જાહેરાત કરી છે. જેમાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપશે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જામનગરના સાધના કોલોની ખાતે ધરાશાયી થયેલ ત્રણ માળની બિલ્ડીંગમાં સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8 લોકોને બહાર કાઢી સારવાર માટે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યા છે. પતિ પત્ની અને 4 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. મૃતક મહિલાને પ્રેગન્સી  હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં હોસ્પિટલમાં 5 લોકો સારવાર હેઠળ છે તેમજ કાટમાળમા દબાયેલા અન્ય લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મૃતકોના નામ
જામનગરના સાધના કોલોની ખાતે ધરાશાયી થયેલ ત્રણ માળની બિલ્ડીંગમાં ભોગ બનેલા મૃતકોના નામમાં મિત્તલબેન જયપાલ સાદિયા (35 વર્ષ), જયપાલ રાજુભાઈ સાદિયા (35 વર્ષ) અને શિવરાજ જયપાલ સાદિયા (4 વર્ષ)નો સમાવેશ થાય છે.

ઈજાગ્રસ્તોના નામ
આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં કંચનબેન મનસુખભાઈ જોઈશર, પારુલબેન અમિતભાઈ જોઈશર, હિતાંષી જયપાલ, દેવીબેન અને રાજુભાઈ ઘેલાભાઈનો સમાવેશ થાય છે.

આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. ત્યારબાદ સ્થાનિક રહીશો અને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે, જેની સારવાર ચાલી રહી છે.

સાધનાં કોલોની વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દુર્ઘટનાને ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. જોકે, હાલ જાનમાલની નુકસાની અંગે કોઈ આંકડો સામે આવ્યો નથી, હાલમાં ત્રણથી ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને બચાવકાર્ય પૂર્ણ થયા બાદ જ જાનમાલની નુકશાની અંગેનો ખ્યાલ આવશે. 

જામનગરમાં બનેલી આ દુર્ઘટનાની જાણ થતા ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મેયર હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે. જે કોલોનીમાં બ્લોક ધરાશાયી થયા છે, તેમાં ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. ધરાશાયી થયેલો બ્લોક 32 વર્ષ જૂનો હોવાની માહિતી સામે આવી છે. જે ધ્વસ્ત થતા દટાયેલ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news