આનંદ મહિન્દ્રાએ પેટ્રોલ-ડીઝલ વગર સોલાર પાવરથી ચાલતી બાઈકનો વીડિયો કર્યો ટ્વીટ

દેશમાં અત્યારે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ આભને આંબી રહ્યા છે ત્યારે દેશના ટોચના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક એવી બાઈકનો વીડિયો ટ્વીટ કર્યો છે, જે પેટ્રોલ-ડીઝલ વગર સોલાર પાવરથી ચાલે છે

webmaster A | Updated: Sep 12, 2018, 10:54 PM IST
આનંદ મહિન્દ્રાએ પેટ્રોલ-ડીઝલ વગર સોલાર પાવરથી ચાલતી બાઈકનો વીડિયો કર્યો ટ્વીટ
નવસારીના રહેવાસી જીગર પટેલે આ ઈનોવેટિવ બાઈક બનાવી છે (ફોટોઃ @indiabikeweekમાંથી સાભાર)

નવસારીઃ દેશમાં અત્યારે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ આભને આંબી રહ્યા છે ત્યારે દેશના ટોચના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક એવી બાઈકનો વીડિયો ટ્વીટ કર્યો છે, જે પેટ્રોલ-ડીઝલ વગર સોલાર પાવરથી ચાલે છે. મહિન્દ્રાએ આ બાઈકની પ્રશંસા કરતા લખ્યું છે કે, આ બાઈકમાં એક મોટી વ્યવસાયી તક છુપાયેલી છે. આ બાઈક સૌર ઊર્જાથી ચાલે છે અને તેના માટે બાઈકમાં સોલર પેનલ પણ ફીટ કરેલી છે. 

ગુજરાતના નવસારીમાં રહેતા એક યુવકે આ મોડિફાઈડ બાઈક તૈયાર કર્યું છે. જો સૂર્યનો પૂરતો પ્રકાશ હોય 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને જરા પણ અવાજ કરતું નથી. યુવકનું નામ જિગર પટેલ છે અને તે સિવિલ એન્જિનયર છે. આ બાઈકની પાછળની સીટમાં ફોલ્ડિંગ ત્રણ સોલાર પેનલ ફીટ કરેલી છે અને એક પેનલ હેન્ડલના આગળના ભાગમાં લગાવેલી છે. આ બાઈકમાં બેટરી બેક-અપ પણ આપવામાં આવેલો છે. 

આનંદ મહિન્દ્રાએ આ વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે, 'ગ્લોબલ ક્લાઈમેટ એક્શન સમિટના ઉપાધ્યક્ષ તરીકે મારો આ સંદેશો છે કે, સસ્ટેઈનેબિલિટીની દુનિયા માટે આ એક મોટી તક છે. આ વીડિયો પ્રાપ્ત કરીને મને ઘણો જ આનંદ થયો છે. આ વીડિયો દર્શાવે છે કે, બારતના નાના ઉદ્યમી અને ઈનોવેટર્સ એ પ્રારંભિક લોકોમાંના એક છે, જે આ પ્રકારની શોધનો લાભ ઉઠાવશે.'

આજે જ્યારે સમગ્ર વિશ્વમાં પુનઃપ્રાપ્ય ઊર્જા માટે સરકારો પ્રયાસ કરી રહી છે ત્યારે નવસારીના આ યુવકનું ઈનોવેશન ખરેખર પ્રશંસનિય છે.