બાબા બાગેશ્વરની ગુજરાતમાં મુશ્કેલીઓ વધી, વધુ એક વ્યક્તિએ બાબાને આપી ચેલેન્જ

Bagheshwar Baba In Gujarat : ગુજરાતભરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલાં જ મળ્યો મોટો પડકાર...  એક અમદાવાદીએ બાબા સામે પડકાર ફેંક્યો છે 
 

બાબા બાગેશ્વરની ગુજરાતમાં મુશ્કેલીઓ વધી, વધુ એક વ્યક્તિએ બાબાને આપી ચેલેન્જ

Dhirendra Shastri : સમગ્ર દેશમાં આજકાલ એક જ નામ ચર્ચામાં છે. બાગેશ્વર બાબા, બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીની ચર્ચા પહેલાં તો માત્ર અન્ય રાજ્યોમાં જ થતી પરંતુ, હવે આ નામ ગુજરાતમાં પણ સંભળાવવા લાગ્યું છે. જી હાં, આગામી દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં ત્રણ શહેરોમાં કાર્યક્રમ થવાના છે. જેને લઈને ગુજરાતમાં અત્યારથી જ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. એક તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન થઈ રહ્યું છે તો બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ પણ થઈ રહ્યો છે. હવે અમદાવાદમાં ડોક્ટર વસંત પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી છે. તેમણે બાબા સામે પડકાર ફેંકતા કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીમાં શક્તિ કામ કરે છે તો કેન્સર અને કિડની હોસ્પિટલમાં દર્દીઓના દુઃખ દૂર કરો.

ધીરેન્દ્ર શાસ્ત્રી.. ઉર્ફે બાગેશ્વર બાબા.. બિહારની રાજધાની પટનામાં બાગેશ્વર બાબાનું આ નિવેદન ખૂબ ચર્ચામાં છે. હવે મોટી વાત એ છેકે આગામી સમયમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પણ કંઈક આ પ્રકારનું પ્રવચન આપશે.. કેમ કે, બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર માટે ગુજરાતમાં પણ સ્ટેજ તૈયાર થઈ ગયા છે. ગુજરાતના ત્રણ શહેરોમાં બાગેશ્વર બાબા ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર યોજશે.. જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. 26 અને 27 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્ય દરબાર યોજાશે. જ્યારે 29 અને 30મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર યોજશે. આ સિવાય રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ દિવ્ય દરબાર યોજાશે. દિવ્ય દરબારની સાથે સાથે ત્રણેય શહેરોમાં રોડ શોનું પણ આયોજન છે.  
 
એટલે કે, ગુજરાતમાં ત્રણ શહેરોમાં બાબા દિવ્ય દરબાર યોજશે.. જેને લઈને તૈયારીઓ પણ અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે. સૌથી પહેલાં સુરતની વાત કરીએ તો સુરતમાં લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર યોજાશે.. જ્યાં 2 દિવસમાં 2 લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા છે.. ગ્રાઉન્ડમાં 5 સ્ટેજ, 30થી વધુ LED પણ લગાવવામાં આવશે. તો બીજી તરફ અમદાવાદના ઘાટલોડિયામાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.. જ્યાં બાગેશ્વર બાબા 29 અને 30 મેના રોજ હાજરી આપશે. અને અંતમાં રાજકોટના રેસકોર્ષ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 
 
ગુજરાતમાં ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રીના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ વિવાદ પણ શરૂ થઈ ગયો છે.. રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના CEO પુરશોત્તમ પીપળિયાએ સૌથી પહેલાં બાબાને ખુલ્લો પડકાર ફેંક્યો.. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને બાગેશ્વર બાબાને કેટલાક સવાલ કર્યા.. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે, બાબા પાસે જો દિવ્ય શક્તિ હોય તો એ જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે. 
 
રાજકોટના કાર્યક્રમને લઈને ન માત્ર પુરશોત્તમ પીપળિયા પરંતુ વિજ્ઞાનજાથાએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે મોરચો માંડ્યો. વિજ્ઞાનજાથા પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કાર્યક્રમનો વિરોધ કરશે. તો બીજી તરફ સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે જેમાં કાર્યક્રમને મંજૂરી ન આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. 

તો હવે અમદાવાદના જાણીતા ડૉક્ટર વસંત પટેલે પડકાર ફેંકતા લખ્યુ કે જો ધીરેન્દ્ર શાસ્ત્રીમાં કોઈ શક્તિ કામ કરે છે તો તે કેન્સર અને કિડની હોસ્પિટલમાં આવતા દર્દીઓના દુઃખ દૂર કરી બતાવે.

ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હંમેશાથી વિવાદમાં રહે છે.. ત્યારે ગુજરાતમાં પણ તેમના દિવ્ય દરબારને લઈને વિરોધ અને સમર્થન એમ બેવડું વલણ જોવા મળે છે. પરંતુ, મોટી વાત એ છેકે ગુજરાતના ત્રણ શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે અને પોસ્ટર અને પત્રિકાઓ સાથે દિવ્ય દરબાર માટે આયોજકો ઉત્સાહિત છે. જોકે, જોવું એ રહ્યું કે, વિરોધ અને સમર્થન વચ્ચે બાગેશ્વર બાબા ઉર્ફે ધીરન્દ્ર શાસ્ત્રી પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરી શકે છે કે નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news