બનાસકાંઠાના કાણોદરનો સફીન બન્યો ગુજરાતનો યંગેસ્ટ IPS અધિકારી

ગરીબ પરિવારમાંથી આવતા સફીને લોકોની આર્થિક મદદ વડે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી હતી

બનાસકાંઠાના કાણોદરનો સફીન બન્યો ગુજરાતનો યંગેસ્ટ IPS અધિકારી

અલકેશ રાવ/બનાસકાંઠાઃ અથાક પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ સૂત્રને સાચા અર્થમાં સાબિત કર્યુ છે બનાસકાંઠાના કાણોદર ગામના સફીન હસને. .ગરીબ પરિવારમાં આવતો સફીન લોકોના સહયોગથી આજે ગુજરાતનો યંગેસ્ટ IPS બન્યો છે. દરેક માતા-પિતા પોતાના બાળકને આગળ વધારવા માટે અથાક પરિશ્રમ કરતા હોય છે. સફીનની માતા-પિતાએ પણ કાળી મજુરી કરીને પુત્રને ભણાવ્યો છે. માતા કોન્ટ્રાક્ટથી રોટલીઓ વણે છે, જ્યારે પિતા ઈલેક્ટ્રીશિયનનું કામ કરે છે. 

સફીન અત્યારે માત્ર 23 વર્ષની ઉંમરે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈપીએસ અધિકારી બન્યો છે. સફીનનો પરિવાર અત્યંત ગરીબ છે. તેના પિતા પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા. હીરા ઉદ્યોગમાં મંદી આવતા તેઓ ઈલેક્ટ્રિશિયનનું કામ શીખ્યા અને પછી એ કામ દ્વારા ઘરનું ગુજરાન ચલાવવા લાગ્યા. 

સફીનનું બાળપણથી ઉચ્ચ અધિકારી બનવાનું સપનું હતું. પતિની કમાણીથી ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાથી સફિનની માતા નસીમાબહેને પણ સામાજિક પ્રસંગોમાં રોટલી બનાવી આપવાનું કામ શરૂ કર્યું. તેઓ રોજ વહેલી સવારે 4 વાગે ઉઠીને રોટલી બનાવવા બેસી જાય છે. 

આ બાજુ સફીને પણ માતા-પિતાની મહેનત એળે ન જાય તેના માટે ભણવામાં કોઈ કચાશ છોડી નહીં. તે પણ અમદાવાદમાં રહીને દિવસ-રાત અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરતો. ગ્રેજ્યુએટ થયા બાદ તેણે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી. રાત-દિવસ એક કરીને તે પણ ભણતો રહેતો. 

UPSCની પરીક્ષા સમયે એક અકસ્માતમાં સફીન ઈજાગ્રસ્ત થયો હતો. તેમ છતાં તેણે હિંમત હારી નહીં. તેણે ઈજાગ્રસ્ત પગ સાથે પરીક્ષા આપી અને તેમાં જ્વલંત સફળતા મેળવી આજે ગુજરાતનો યંગેસ્ટ આઈપીએસ બની ગયો છે. આ સાથે જ તે ઉચ્ચ અધિકારી બનવાનું સ્વપ્ન જોતા રાજ્યના વિદ્યાર્થીઓનો રોલ મોડેલ બની ગયો છે. "સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી" આ સૂત્રને યથાર્થ પૂરવાર કર્યું છે.

સફીન માતા-પિતા અને ગામના લોકોની આર્થિક મદદથી સફળ થયો છે. આથી, ભવિષ્યમાં તે NGOના માધ્યમથી ગરીબ અને આદિવાસી બાળકોને ક્લાસ-વન અધિકારી બનાવવા માંગે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news