750 વર્ષથી ભાઈબીજના દિવસે ગુજરાતના આ ગામડામાં યોજાય છે અશ્વોની દોડ, જાણો તેના પાછળની રહસ્યમય કહાની

આજે ભાઇ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષથી અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દુર દુરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે.

750 વર્ષથી ભાઈબીજના દિવસે ગુજરાતના આ ગામડામાં યોજાય છે અશ્વોની દોડ, જાણો તેના પાછળની રહસ્યમય કહાની

અલ્કેશ રાવ/બનાસકાંઠા: હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. આજે ભાઇ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષથી અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દુર દુરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજુ કરે છે.

જાણો શું છે ઈતિહાસ
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, ભારતમાં ક્ષત્રીય દરબાર સમાજના લોકો ઈતિહાસ ખુબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા. જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મોગલોએ જયારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી. 

No description available.

રાજાની આવી સુચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી. આ સંત ચોરી છુપીથી રવાના થઇ જઈ બનાસકાંઠાના લાખણી તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા હતા. પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમર લાયક થતા તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઇ પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. 

ગાંધીનગર: સાંતેજમાં 5 વર્ષીય બાળકી પર ધોળે દિવસે દુષ્કર્મ: આંટો મારવવાના બહાને હવસખોરે હવસ સંતોષી

ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાત રોકી ભાઈ-બીજના દિવસે પરત ફરતા. તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા. જે બખ્તર આજે પણ હયાત છે. અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ સાડા સાતસો વર્ષથી જાળવી રાખી છે. પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈ બીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હ્ડીલા ગાય છે. અને ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરે છે. લગભગ 3૦૦થી વધુ અશ્વો આ અશ્વ દોડમાં ભાગ લે છે. મુડેઠા ગામમાં છેલ્લા સાડા સાતસો વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દુર દુરથી હજારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડે છે.

સદીયોથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે. કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવાર બાજી કરી પટ્ટા રમતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુઓ બદલાતી જાય છે. પરંતુ મુડેઠા ગામના દરબાર પરિવારો માટે તો આજેય સમય સાડા સાતસો વર્ષ અગાઉ જ થંભી ગયો હોય તેમ આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે. 

રફતાર અને શોર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય કાયદો અને વ્યવસ્થા જાળવવી ખુબ જ અઘરી બની જતી હોય છે. પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહી કોઈપણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી. મુડેઠા ગામના રાઠોડ પરિવારના મુઠ્ઠીભર ઘરો જ આ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઇ લે છે. એટલું જ નહિ પરંતુ સાડા સાતસો વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહી આટલી મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડતી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના બની નથી. 

No description available.

આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો. દર વર્ષે દિવસે યોજાતી આ અશ્વદોડનો ઈતિહાસ સાડા સાતસો વર્ષ જુનો છે અને દર વર્ષે ભાઈ બીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળુ ચુંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે તે અલગ અલગ પાટી એટલે કુળના હોય છે. જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણી કુળના રાઠોડો જતા હોય છે. દર વર્ષે અલગ અલગ પાટીના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળુ મુકામે ચુંદડી આપવા જાય છે.

કાશ્મીર સાથે T20 વર્લ્ડકપનું મોટું કનેક્શન, ઈંગ્લેન્ડ સાથે ચાલી રહી છે મોટી સ્પર્ધા, હવે આ વાતની રાહ જોવો

ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈ બીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહિ પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગમે ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડીયારું ઉભરાયું હોય તે માહોલ જોવા મળે છે. 

મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ સાડા સાતસો વર્ષ જુનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખુબ જ માનથી નવાજવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news