ગુજરાતના 'ભામાશા' શેઠ, યુગાન્ડાના 'બેતાજ બાદશાહ', જાણો પોરબંદરના નાનજી કાલિદાસ મહેતાની કહાની

આજે આપણે ગુજરાતના ભામાશા તરીકે જાણીતા નાનજી કાલિદાસ મહેતા વિશે વાત કરવાની છે. કેવી રીતે એક નાનું બાળક આફ્રિકા જઈને સામાન્ય શરૂઆત કરી ઉદ્યોગપતિ બને છે અને ત્યારબાદ પોરબંદરમાં અનેક કામો કરે છે. તો જ્યારે રાજ્યને જરૂર પડી ત્યારે તે સમયે 30 લાખ રૂપિયાની મદદ કરી હતી. 
 

ગુજરાતના 'ભામાશા' શેઠ, યુગાન્ડાના 'બેતાજ બાદશાહ', જાણો પોરબંદરના નાનજી કાલિદાસ મહેતાની કહાની

અમદાવાદઃ પોરબંદરનું નામ સામે આવતા મહાત્મા ગાંધી, સુદામા, ખાજલી સહિત અનેક વાતો યાદ આવતી હોય છે. પરંતુ પોરબંદરનું નામ આવે તો એક વ્યક્તિને કેમ ભૂલી શકાય, તે છે નાનજી કાલિદાસ મહેતા. નાનજી કાલિદાસ મહેતાને ભામાશા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદ્યોગપતિની સાથે નાનજી કાલિદાસ મહેતા દાનવીર તરીકે પણ જાણીતા છે. તેમણે કરેલા અનેક કાર્યો આજે પણ પોરબંદરમાં જોવા મળે છે. 

કોણ હતા નાનજી કાલિદાસ મહેતા
નાનજી કાલિદાસ મહેતાનો જન્મ જામનગર જિલ્લાના ગોરાણા ગામે 17 નવેમ્બર 1887ના દિવસે થયો હતો. તેમના પિતા કાલિદાસ વરચૂરણ વેપારી હતી. ગોરાણા ગામમાં તેમના પરિવારજનો તેલીબિયાં, અનાજની દુકાન અને આજુબાજુના ગામમાંથી આવતો ખેતીનો પાક લઈને પોરબંદર જઈ વેચતા હતા. આ સિવાય તેમની પાસે ખેતી કરવા જેટલી જમીન પણ હતી. 

આ રીતે પહોંચ્યા આફ્રિકા
12 વર્ષની ઉંમરે નાનજીભાઈ 1901માં વહાણની સફરે આફ્રિકા જવા માટે નિકળ્યા હતા. એક ભયંકર સમુદ્રી તોફાનમાં તેઓ બચી ગયા અને આફ્રિકાના મગંજા નામના ગામમાં મોટા ભાઈ સાથે વેપારમાં જોડાયા હતા. ત્યાંથી તેમના મોટાભાઈ દક્ષિણ આફ્રિકા ગયા અને નાનજીભાઈ સ્વદેશ પરત આવી ગયા હતા. અહીં તેમને મન લાગ્યું નહીં અને 1905માં ફરી જંગબાર પહોંચ્યા હતા. જ્યાં તેમને મહેતાજીની નોકરી મળી. પરંતુ તેમનું મન ધંધો કરવાનું હતું. તેમણે યુગાન્ડાના એક ગામમાં નાની દુકાન શરૂ કરી ધંધાની શરૂઆત કરી. 

પરિશ્ચમથી મળી સફળતા
ધીમે ધીમે નાનજી કાલિદાસ મહેતાએ એક દુકાનમાંથી 18 દુકાનો કરી હતી. ત્યારબાદ તેણણે આફ્રિકાના કમલીમાં પ્રથમ જિનિંગ મીલની સ્થાપના કરી અને થોડા સમયમાં 22 મીલના માલિક બની ગયા હતા. આમ તેમનો ધંધો વિકસતો ગયો હતો. તેમણે પોરબંદરમાં પણ મહારાણા મીલ શરૂ કરી હતી. 

યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા
નાનજીભાઇ કાલિદાસ મહેતાને ખેતીનું સહેજે જ્ઞાન નહોતું; છતાં તેમણે યુગાન્ડાની વણખેડેલી ધરતી પર, અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા-કૉફીની ખેતી શરૂ કરી. પોતાની હૈયાસૂઝ અને સખત પુરુષાર્થને કારણે તેમની એમાં સફળતા મળી. એ પછી તેમણે કેતકી અને રબરનાં વિશાળ ખેતરો સર્જ્યાં. તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે, યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો. આ રીતે નાનજીભાઇએ યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરી 1924માં લુગાઝી સુગર ફૅક્ટરી શરૂ કરી. એક સદી પહેલાં જાપાનની ટેકનોલૉજી અપનાવી તીમણે નવા યુગની શરૂઆત કરાવી. 

આમ, સૌરાષ્ટ્રનાઅ નાનકડા ગામમાં જન્મેલા અને માત્ર ચાર ચોપડી સુધી ભણેલા નાનજીભાઇને અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપવામાં અને તેને વિકસાવવામાં સફળતા મળી. આથી નાનજીભા કાલિદાસ મહેતાને યુગાન્ડાના ‘બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે.

પોરબંદર માટે કર્યા આ કાર્યો
પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન, કીર્તિ મંદિરને બનાવવાનું શ્રેય પણ નાનજી કાલિદાસ મહેતાને જાય છે. આ સિવાય તેમણે પોરબંદરમાં આર્યકન્યા ગુરૂકુળની પણ શરૂઆત કરી હતી. આ સિવાય ભારત મંદિર, જવાહર નેહરૂ પ્લેનેટોરિયમ, મહર્ષિ વિજ્ઞાન વિદ્યાલય જેવી સંસ્થાઓની સ્થાપનામાં તેમનો મોટો ફાળો રહ્યો હતો. 

આ રીતે કહેવાયા ગુજરાતના ભામાશા
નાનજી કાલિદાસ મહેતાએ યુગાન્ડા અને પોરબંદર માટે ખુબ મહત્વનું યોગદાન આપ્યું હતું. 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારે ભાષાવાર રાજ્યોની રચના થઈ નહોતી. આ સમયે સૌરાષ્ટ્ર એક અલગ રાજ્ય હતું. ત્યારે સૌરાષ્ટ્ર સામે મોટા પડકારો હતા. સૌથી મોટો પડકાર નાણાનો હતો. તે સમયે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ઉચ્છંગરાય ઢેબર હતા. એક સમય એવો આવ્યો કે સરકાર પાસે રાજ્યના કર્મચારીઓને ચૂકવવા માટે પણ પૈસા નહોતા. 

આ મુંજવણ દૂર કરવા માટે મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબર રાજકોટથી પોરબંદર પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે નાનજી કાલિદાસ મહેતા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરે નાનજી કાલિસાદ સાથે ભોજન કર્યા બાદ રાજ્યની સ્થિતિની વાત કરી હતી. આ વાત સાંભળીને નાનજીભાઈએ સીધો મીલના મેનેજરને ફોન કર્યો અને તેમને ઘરે બોલાવ્યા હતા. આ સમયે નાનજી શેઠે 30 લાખનો ચેક લખી આપ્યો હતો. આ રકમ કોઈ શરત વગર ગ્રાન્ટ તરીકે આપવામાં આવી હતી. એટલે કે તેમણે રાજ્યની મોટી મદદ કરી હતી. આ રીતે નાનજી કાલિદાસ મહેતાને ગુજરાતના ભામાષા તરીકે ઓળખવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news