ગોઝારો રવિવાર! ગુજરાતભરમાં 17 લોકો પર વીજળી મોત બનીને ત્રાટકી, અનેક નિર્દોષ પશુઓનો મોત
ગુજરાતીઓ માટે ગોજારો સાબિત થયો છે. કમોસમી વરસાદ પડવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં આજે કમોસમી વરસાદથી વીજળી અને વૃક્ષ પડવાની ઘટનામાં 17 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે.
Trending Photos
Unseasonal Rain: ગુજરાતભરમાં આજે સવારથી ચાલું થયેલા વરસાદે વેર વિખેર કરી નાંખ્યું છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ભાભરમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે, પાટણના રાધનપુરમાં પણ પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો છે.
બીજી બાજુ આજનો દિવસ ગુજરાતીઓ માટે ગોજારો સાબિત થયો છે. કમોસમી વરસાદ પડવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં આજે કમોસમી વરસાદથી વીજળી અને વૃક્ષ પડવાની ઘટનામાં 17 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે. જેમાં અમરેલી, બોટાદ, વિરમગામ અને કડીમાં 4નાં મોત થયા છે, જ્યારે ભરૂચ, તાપી અને બનાસકાંઠામાં 2-2 તો સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પંચમહાલ અને મહેસાણામાં એક-એકના મોત થયા છે.
વીજળી પડવાથી 17 લોકોના મોત
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. જેથી 17 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓના પણ મોત થયાં હતા. તેમજ વીજળી પડવાથી કેટલીક જગ્યાએ આગ પણ લાગી છે. મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા તેમજ ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદ, બાવળા અને વિરમગામમાં પણ વીજળી પડવાથી મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. બીજી બાજુ ભારે પવનના કારણે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રીક્ષા ચાલકનું મોત થયું છે. વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1 માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે.
ખેતરમાં વીજળી પડતા 8 મહિલા દાઝી
બારડોલી તાલુકાના મઢી ગામમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ. ખેત મજુરી કરતી શ્રમિક મહિલાઓ ઉપર વીજળી પડી હતી. આઠ જેટલી મહિલાઓ ખેતરમાં મરચા તોડી રહી હતી, તે દરમિયાન ખેતરમાં વીજળી પડી હતી. વીજળી પડતા આઠ જેટલી મહિલાઓ દાઝી ગઈ હતી. આઠેય મહિલાઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. જેમાં 4 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ. અન્ય 4 પેકી ની 1 ની હાલત ગંભીર થતા સુરત સિવિલ ખાતે ખસેડાઈ છે.
ખેડામાં પશુઓ પર વીજળી ત્રાટકી
ખેડાના કઠલાલમાં વીજળી પડતાં 10 પશુઓના મોત નિપજ્યા છે. ઘોઘાવાવ ગમામાં વીજળી પડવાથી 10 બકરીઓના મોત થયા. સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મોસમી માવઠામાં વીજળી પડતા બકરીઓના મોત થયા. સરકારી અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર પણ પંચનામુ કરી પશુઓના પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.
મહામુલા પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ
ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યના અનેક વિસ્તારમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર અને ઉપલેટામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. સાથે મોરબી, બોટાદ અને બનાસકાંઠામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. કરા સાથે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ બરફના થર જામી ગયા હતા. આવા દ્રશ્યો સામાન્ય રીતે પહાડી રાજ્યોમાં જ જોવા મળતા હોય છે. કરા સાથે પડેલા વરસાદને કારણે ધરતીપુત્રો ચિંતામાં આવી ગયા છે. મહામુલા પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
રવિ પાકમાં ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંનું વાવેતર
સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતોને ગત ચોમાસામાં અનિયમિત વરસાદેને કારણે મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. આ નુકશાનીનું શિયાળું પાકમાં વળતર મળી જશે તે આશાએ મોટા ભાગના ખેડૂતોએ રવિ પાકમાં ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંનું વાવેતર કરેલ હતું. અને આ શિયાળું પાકમાં બિયારણ, ખાતર, દવાઓ અને વાવેતરની મજૂરો મજૂરી સહિતનો ખર્ચો કર્યા બાદ સારા પાકની આશા હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા કમોષ્મી વરસાદની આગાહી કરતા ખેડૂતોના પેટમાં ફાળ પડી અને હવે નુકશાની આવશે તો કમર જ ભાંગી જશે તેવો વલોપાત હતો.
સારા પાકની આશા પર પાણી ફરી વાળવાની સંભાવના
પરંતુ કુદરત સામે કોઈનું ન ચાલે તેમ આજે વહેલી સવારથી કડાકા ભડાકા સાથે કમોષ્મી વરસાદ શરૂ થયો અને આ વરસાદ જાણે ચોમાસુ હોય તેવો પડતા ખેડૂતોના પાક પર પાણી ફરી વાળવાની ખેડૂતો ને દહેશત છે સાથે શિયાળું પાક ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંમાં મોટી નુકશાની સાથે કપાસનો ઉભો પાક પર પણ પાણી ફરી વળવા સાથે નુકશાની વેઠવાનો વારો આવવાની શક્યતા છે, ખેડૂતોને ચોમાસા બાદ શિયાળામાં પણ સારા પાકની આશા પર પાણી ફરી વાળવાની સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે