છેક દિલ્હી સુધી મીટિંગો કર્યા બાદ નરેશ પટેલે રાજકારણના ચેપ્ટર પર પૂર્ણવિરામ મૂક્યું

Naresh Patel Big Decision : રાજકારણમાં ન પ્રવેશવાની નરેશ પટેલ સત્તાવાર જાહેરાત કરી.... કહ્યું કે, વડીલોની ચિંતાને ધ્યાનમાં રાખીને રાજકારણમાં નહિ જોડાવું

છેક દિલ્હી સુધી મીટિંગો કર્યા બાદ નરેશ પટેલે રાજકારણના ચેપ્ટર પર પૂર્ણવિરામ મૂક્યું

રાજકોટ :લાંબા સમયની ચહલપહલ બાદ આખરે ખોડલધામના નરેશ પટેલે જાહેરાત કરી કે, તેઓ હાલ રાજકારણમાં નહિ જોડાય. પત્રકાર પરિષદ સંબોધીને તેમણે કહ્યું કે, રાજકારણમાં પ્રવેશને મોકૂફ રાખું છું. પાટીદાર સમાજના પ્રકલ્પો શિક્ષણ, આરોગ્ય અને ખેતી પર ધ્યાન આપીશું. વડીલોની ચિંતાને ધ્યાનમાં રાખીને હાલ રાજકારણમાં નહિ જોડાવું. તેમણે કહ્યુ કે, તેઓ ખોડલધામના ચેરમેન પદે યથાવત રહેશે અને પાટીદાર સમાજના પ્રકલ્પો પર કામ કરશે. 

રાજકારણમાં ન પ્રવેશવા મુદ્દે કારણ આપતા નરેશ પટેલે કહ્યું, કોરોના કાળ સમય દરમિયાન લોકો પાસે સમય હતો તેમ મારી પાસે પણ ખૂબ જ સમય હતો. સરદાર પટેલને મેં વાંચ્યા પછી મને રાજકારણમાં આવવાનો વિચાર આવ્યો હતો. હાલ રાજકારણમાં મારા પ્રવેશનો નિર્ણય મોકૂફ રાખું છું. 80 ટકા યુવાનો અને 50 ટકા મહિલાઓ મને રાજકારણમાં જવા કહે છે, પરંતુ 100 ટકા વડીલોએ મને રાજકારણમાં ન જવાની સલાહ આપી છે. તેથી તેમની ચિંતાને માન આપીને મેં આ નિર્ણય લીધો છે.  ખોડલધામના ખૂબ જ પ્રકલ્પો બાકી છે તે મારા આગેવાનીમાં થાય તેવું સમાજ ઈચ્છી રહ્યો છે. હાલ મારો રાજકારણમાં પ્રવેશનો નિર્ણય રદ્દ જ ગણી શકો છો. મારા પર કોઈ પોલિટિકલ પ્રેશર નથી.

રાજકારણમાં નહિ તો 2022ની ચૂંટણીમાં નરેશ પટેલનો શુ રોલ હશે તે વિશે પૂછતા તેમણે કહ્યુ કે, હવે સમાજ દ્વારા પોલિટિકલ કમિટી બનાવવામાં આવશે. જેમાં યુવાનોને રાજકારણમાં પ્રવેશ માટે ટ્રેનિંગ આપવામાં આવશે. 2022માં દરેક પાર્ટીમાં પાટીદારોને પ્રભુત્વ રહે તેવા પ્રયાસો કરીશ. જે સમાજ મારી પાસે મદદ માંગશે તે દરેક માટે પ્રયાસ કરીશ. 80 ટકા યુવાનો રાજકારણમાં જવા કહે છે. 50 ટકા મહિલાઓ મને રાજકારણમાં જવા માટે કહે છે. પરંતુ 100 ટકા વડીલો કહે છે રાજકારણમાં ન જવું જોઈએ તેવુ કહે છે. પ્રશાંત કિશોર ના ન આવવાથી હું નથી જતો એવું નથી. 

6 મહિનામાં નરેશ પટેલે દિલ્હીમાં અનેકવાર સોનિયા-રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તો આખરે તેમણે નિર્ણય બદલ્યો તે વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મારા પર કોઈ રાજકીય દબાણ નથી, વડીલોની સલાહ માનીને મેં આ નિર્ણય લીધો છે. પરંતુ સમય અને સંજોગ શું કરાવે તે આપણને ખબર નથી. મારા પર કોઈ પોલિટિકલ પ્રેશર નથી, અને તેનાથી રાજકારણમાં પ્રવેશનો નિર્ણય મોકૂફ રાખ્યો છે તેવુ નથી. હવે અહીં વિષય પૂરો કર્યો છે તો ડિટેઈલિંગમાં ન ઉતરો તો સારું. મને હજી પણ લોકો મળવા આવે તે શક્ય છે. કોઈ પણ પક્ષને સપોર્ટ કરવો હાલ એજન્ડા નથી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2022

જોકે, પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, તેઓ પોતાના દીકરી શિવરાજને પણ રાજકારણમાં પ્રવેશ માટે ના પાડશે. તેમણે કહ્યુ કે, મારા દીકરાને પણ રાજકારણમાં જવા ના પાડીશ.

કોંગ્રેસની પ્રતિક્રીયા
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આ વિશે પ્રતિક્રીયા આપતા કહ્યુ કે, નરેશભાઈના નિર્ણયને સ્વીકારીએ છીએ. જ્યારે વાત થઈ ત્યારે નરેશ પટેલ આવે તેવું નક્કી હતું. અમારા તરફથી બધી તૈયારી હતી, પરંતુ નિર્ણય નરેશભાઈએ લેવાનો હતો. જે આજે તેમણે લીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news