BJP મહિલા સમ્મેલન નેતાઓએ છેલ્લી ઘડીએ હાથ ઉંચા કરતા,મહિલા અગ્રણીઓ રઝળ્યાં
ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશન માટે આ વખતે ગુજરાત ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. 18 વર્ષ બાદ ગુજરાત માં યોજાઈ રહેલો સમારોહ અમદાવાદ-ગાંધીનગર જેવા બે મોટા શહેરોની વચ્ચે અડાલજ નજીક ત્રિમંદિર ખાતે યોજાશે.
Trending Photos
અમદાવાદ/ કિજલ મિશ્રા : ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશન માટે આ વખતે ગુજરાત ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. 18 વર્ષ બાદ ગુજરાત માં યોજાઈ રહેલો સમારોહ અમદાવાદ-ગાંધીનગર જેવા બે મોટા શહેરોની વચ્ચે અડાલજ નજીક ત્રિમંદિર ખાતે યોજાશે. તા.૨૧-૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના જુદા જુદા રાજયોમાંથી આવનારા મહિલા અગ્રણી કાર્યકરોના બે દિવસ માટે પોતાના ઘર-પરિવાર સાથે રાખવા માટે અનેક મોટા પદાધિકારીઓ, અગ્રણી કાર્યકરોએ ધરાર ઇન્કાર કરી દેતાં પ્રદેશ ભાજપમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મહિલા અધિવેશનમાં આવનાર અઢી-ત્રણ હજાર મહિલાઓના સલામત રહેઠાણ માટે ગુજરાત ભાજપે મહિલા કાર્યકરો, પદાધિકારીઓ અને બોર્ડ-નિગમના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ત્યાં મહેમાન તરીકે રાખવાની તૈયારી શરૂ કરી છે. પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી કયા કાર્યકરો આવશે એના કન્ફર્મેશન આવતા જાય છે તેમ તેમ અમદાવાદ-ગાંધીનગરના ભાજપના કાર્યકરોને સૂચના અપાઇ કે ફલાણા રાજ્યના કાર્યકરને તમારે ત્યાં બે દિવસ રાખવાના છે અને તેમના રેલવે સ્ટેશન કે એરપોર્ટથી લઇ આવી પોતાના ઘરે રાખવા, બે દિવસના સંમેલનમાં સવારે લઇ જવા અને પાછા પોતાના ઘરે રાખી તેઓ પરત ફરે ત્યારે મુકવા જવાની જવાબદારી નિભાવવાની છે.
આ વાત સાંભળતાં જ સક્રિય કાર્યકરો કે કાઉન્સિલરો તો ઠીક પણ અનેક મોટા અને નામાંકિત પદાધિકારીઓએ હાથ ઊંચા કરી દેતાં વ્યવસ્થામાં રોકાયેલી ટીમોની હાલત અત્યંત કફોડી બની ગઇ છે. અનેક રાજ્યોમાંથી મહિલા કાર્યકરો ટ્રેન મારફતે એકાદ-બે દિવસ વહેલા આવવાના છે એમને સહકારી સંસ્થાઓના ઉતારા, ત્રિમંદિર નજીક આવેલી સ્કીમોના ખાલી ફ્લેટોમાં એક સાથે ઉતારો આપવાની ગોઠવણ કરવી પડી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમમાં પણ ફેરફાર થયો છે.
અગાઉ અધિવેશનના ઉદ્ઘાટન સત્રને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સંબોધિત કરવાના હતા અને સમાપન સત્રમાં પી એમ નરેન્દ્ર મોદી ૨૨મીએ સંબોધન કરવા આવવાના હતા. હવે અમિત શાહ આવવાના નથી એમના સ્થાને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામન અધિવેશનને ખુલ્લુ મુકશે. ગુજરાતના માં ૧૮ વર્ષ બાદ મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન યોજવાનો નિર્ણય રાષ્ટ્રીય સ્તરે લેવાયો હતો. એ વખતે ૨૧થી ૨૩ ડિસેમ્બર એમ ત્રણ દિવસનો કાર્યક્રમ વિચારાયો હતો.
આ પછી દેશભરમાંથી આવેલા સૂચનોને પગલે ૨૧-૨૨ ડિસેમ્બર એમ બે દિવસ અધિવેશન યોજવાનું નક્કી થયું હતું. આ જ રીતે ગુજરાત મહિલા મોરચાએ વડોદરા ખાતે આ અધિવેશનના સ્થળ માટે વિચારણા શરૂ કરી હતી. પરંતુ આયોજનથી લઇને દેશભરમાંથી આવનારા અઢી-ત્રણ હજારથી વધુ મહિલા અગ્રણીઓને રહેવા, આવવા-જવાની તકલીફ થાય એમ હોવાથી સ્થળ વડોદરાથી ખસેડીને ગાંધીનગર-અમદાવાદની વચ્ચે અડાલજ ત્રિમંદિર નિયત કરાયું હતું.
એક સપ્તાહ પૂર્વે પ્રદેશ ભાજપની ટીમે મહિલા મોરચા અને પ્રદેશની ટીમમાંથી અલગ અલગ જવાબદારી-વ્યવસ્થા માટે ૨૫ ટીમો તૈયાર કરી હતી. એ વખતે અમિતભાઇ ઉદ્ઘાટન સત્રમાં આવશે, જ્યારે પીએમ નરેન્દ્ર મોદી કેવડીયા કોલોની, નર્મદાથી જ સીધા ૨૨મીએ સમાપન સત્ર માટે આવશે એમ જાહેર કરાયું હતું. દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવનાર મહિલા અગ્રણી કાર્યકરોને અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોમાં રહેતા મહિલા અગ્રણી કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓને ત્યાં મહેમાન તરીકે રાખવામાં આવશે એવી સ્પષ્ટતા ભાજપે કરી હતી. જો કે શરૂઆત થી અત્યાર સુધી કાર્યક્રમ માં અનેક ફેરફાર થાય છે તો મહિલા કાર્યકર્તાઓ ને નિવાસ માટે છેલ્લી ઘડી ની દોડધામ થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે