શરમ કરો! મળતીયા કોન્ટ્રાક્ટર માટે ભાજપના સત્તાધિશોએ પાથરી લાલ જાજમ, અમદાવાદમાં લેવાયો આ નિર્ણય

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2005 થી ભાજપ શાષનમાં છે અને એએમસીના શાષન અને વહીવટ અંગે તેઓને જાણે કે રોકવા કે પુછવા વાળુ કોઇ જ નથી. 

શરમ કરો! મળતીયા કોન્ટ્રાક્ટર માટે ભાજપના સત્તાધિશોએ પાથરી લાલ જાજમ, અમદાવાદમાં લેવાયો આ નિર્ણય

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2005 થી ભાજપ શાષનમાં છે અને એએમસીના શાષન અને વહીવટ અંગે તેઓને જાણે કે રોકવા કે પુછવા વાળુ કોઇ જ નથી. જેનો ગેરલાભ લેતા હોય એમ એક પછી એક નિર્ણય ભાજપના સત્તાવાળાઓ લઇ રહ્યા છે અને પ્રજાના કરવેરાના પૈસાની જાણે કે લ્હાણી કરી રહ્યા છે. આવો જ વધુ એક વિવાદીત નિર્ણય એએમસીની હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં લેવામાં આવ્યો છે. જેમાં રૂ.7.20 કરોડના ટેન્ડર અંતર્ગત મેનપાવર પુરુ પાડવાનુ કામ ભાજપના જ કોર્પરેટરના પુત્રની એજન્સી સહીત અન્ય 2 એજન્સીઓને સોંપી દેવાનુ મંજૂર કરી દેવામાં આવ્યુ છે.

એએમસીના હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેજમેન્ટ કમિટીમાં એક વિવાદીત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં એએમસી સંચાલીત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, વિવિધ દવાખાના અને હોસ્પીટલોમાં સાફસફાઇ તથા દર્દીઓની શારીરીક સફાઇ માટે 175 માણસોનો સ્ટાફ પુરો પાડવા માટે વાર્ષિક રૂ.3.60 કરોડ લેખે બે વર્ષ માટે રૂ.7.20 કરોડની રકમ નક્કી કરવામાં આવી હતી. જે માટે 10 જેટલી એજન્સીઓએ ભાવ ભર્યા હતા. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છેકે તમામે તમામ એજન્સીઓના ભાવ એક સરખા આવ્યા હતા. 

પરિણામે સમગ્ર વિષયમાં રિટેન્ડર કરવાના બદલે એએમસીના વિવિધ અધિકારીઓએ કોઇ છુપા આદેશને માનીને 10 એજન્સીઓના નામની ચિઠ્ઠી ઉછાળી હતી. જેમાં ડીઆર એન્ટરપ્રાઇઝ અને સૌમ્યા એન્ટરપ્રાઇઝ ને 250 ના 25-25 ટકા સ્ટાફ જ્યારે શ્રી મારૂતિ ટ્રાવેલ્સ એજન્સીને 50 ટકા સ્ટાફ ફાળવવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. 

50 ટકા સ્ટાફ મેળવનારી શ્રી મારૂતિ ટ્રાવેલ્સ કંપની સામે એટલા માટે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે તે ભાજપના મણીનગરના મહીલા કોર્પોરેટર શિતલ ડાગાના પુત્રના નામે નોંધાયેલી છે. જેમના પતિ આનંદ ડાગા પણ અગાઉ મણીનગરથી જ કોર્પોરેટર રહી ચૂક્યા છે. આજ પરિવારની એજન્સી એટલે શ્રી મારૂતિ ટ્રાવેલ્સ એએમટીએસમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ મેળવી કરોડો રૂપિયા કમાઇ ચૂકી છે. 

નોંધનીય છેકે 13 ફેબ્રુઆરીએ હાથ ધરાયેલી ચિઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા દરમ્યાન 10 પૈકીની 3 એજન્સી જ ઉપસ્થીત રહી હતી, જેઓને કામ મળ્યુ છે. કમિટીના ડેપ્યુટી ચેરમેનના જણાવ્યા અનુસાર અધિકારીઓ એવુ કહે છે કે તમામને બોલાવ્યા હતા પરંતુ 3 એજન્સીના પ્રતિનીધી જ ઉપસ્થીત રહ્યા હતા. અન્ય ગંભીર બાબત એ છે કે 50 ટકા સ્ટાફ મેળવનારી શ્રી મારૂતિ ટ્રાવેલ્સ કંપની દ્વારા ભૂતકાળમાં આવી કોઇ કામગીરી કરી હોવાના અનુભવના પુરાવા પણ નથી મૂકવામાં આવ્યા. 

સમગ્ર બાબતમાં સૌથી ચોંકાવનારી અને વિવાદીત બાબત એ છે કે આ કામ મંજૂર કરવા માટે જાણે કે કોઇએ ઉપરથી છુપા આદેશ આપ્યા હોય એ રીતે સમગ્ર પ્રક્રિયા પાર પાડી દેવામાં આવી અને તાત્કાલીક આ નિર્ણય કરી દેવામાં આવ્યો. કારણકે આ વિષય એવો નહતો કે જેને તાત્કાલીક મંજૂર કરીને કામગીરી શરૂ કરી દેવી પડે. ત્યારે સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની વાતો કરતા ભાજપનો આ નિર્ણય તેની કથની અને કરણીમાં કેટલો ફર્ક છે તેનો પુરાવો આપી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news