માનવતાં મહેકી! બ્રેઈનડેડ વિનોદભાઈ વેકરીયાના અંગદાનથી 7 લોકોને મળ્યું જીવનદાન
વિનોદભાઈના પત્ની ગીતાબેને જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમને બચવાની કોઈ શક્યતા નથી ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: મૂળ અમરેલી જિલ્લાના સુખપુર ગામના વતની અને હાલમાં અમરોલી છપરાભાઠા સ્થિત આદર્શ નગરમાં પોતાના પરિવારજનો સાથે રહેતા વિનોદભાઈ ધીરૂભાઈ વેકરીયા ઉ.વ 57 એ 8 માર્ચના રોજ રાત્રે માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી.
9 માર્ચના રોજ સવારે 5.30 કલાકે તેઓ બેભાન થઇ જતા પરિવારજનોએ તેમને વિનસ હોસ્પિટલમાં ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળાની સારવાર હેઠળ દાખલ કર્યા હતા જ્યાં નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજની નસમાં લોહીનો ફુગ્ગો હોવાનું નિદાન થયું હતું. અને બાદમાં ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. રોનક યાજ્ઞીક, ડૉ. આકાશ બારડ, ડૉ. ક્રિષ્ના પટેલે વિનોદભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા ગોયલ અને ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી વિનોદભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિનોદભાઈના પત્ની ગીતાબેન, પુત્રો અંકિત અને હિરેન, સાળા રાજેશભાઈ, હિતેશભાઈ, કાળુભાઈ અને વેકરીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
વિનોદભાઈના પત્ની ગીતાબેને જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમને બચવાની કોઈ શક્યતા નથી ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. વિનોદભાઈના પરિવારમાં તેમની પત્ની ગીતાબેન, પુત્રો અંકિત ઉ.વ 31 અને હિરેન ઉ.વ 29 છે જેઓ, ઓનલાઈન સાડી વેચાણનો વ્યવસાય કરે છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય મુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને, લિવર સુરતની કિરણ હોસ્પીટલને, એક કિડની અમદાવાદની ઝાયડસ અને બીજી કિડની IKDRCને ફાળવવામાં આવી હતી.
હૃદયનું દાન મુંબઈની જશલોક હોસ્પિટલના ડો. ઉપેન્દ્ર ભાલેરાવ અને તેની ટીમે, ફેફસાનું દાન સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડો. મેનાનદેર અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પિટલના ડૉ. આદિત્ય નાણાવટી અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.
સુરતની વિનસ હોસ્પિટલથી મુંબઈનું ૨૯૭ કિલોમીટરનું અંતર ૧૧૦ મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોહલાપુર, મહારાષ્ટ્રના રહેવાસી ૫૯ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની જશલોક હોસ્પીટલમાં ડૉ. હેમંત પથારે અને તેમની ટીમ દ્વારા તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કાંદીવલી, મુંબઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે
લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વ્યારાની રહેવાસી 49 વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ગૌરવ ચોબલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 69 વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની રહેવાસી 32 વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે.
હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. કિડની અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે વિનસ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 90 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ ચુમ્માળીસમી અને ફેફસાના દાન કરાવવાની ચૌદમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસા દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયાઅને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1081 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 452 કિડની, 193 લિવર, 8 પેન્ક્રીઆસ, 44 હૃદય, 28 ફેફસાં, 4 હાથ અને 352 ચક્ષુઓના દાનથી કુલ 993 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે