તમારી ઉંમર પૂરી થઈ જશે, પરંતુ સરકારી નોકરી નહિ મળે : કારણ ગુજરાત સરકારની દાનત જ ખોરી છે

GPSC Exam Postponed : GPSCની ચાર પ્રિલિમ પરીક્ષાઓ મોકૂફ...  વહીવટી કારણોસર લેવાયો નિર્ણય, આગામી સમયમાં જાહેર કરાશે નવી તારીખ... પરંતું જીપીએસસીની છ મહિનામાં કુલ 20 પરીક્ષાઓ રદ કરાઈ છે
 

તમારી ઉંમર પૂરી થઈ જશે, પરંતુ સરકારી નોકરી નહિ મળે : કારણ ગુજરાત સરકારની દાનત જ ખોરી છે

Government Jobs : તાજેતરમાં ગુજરાતમાં વધુ એક પરીક્ષા મોકૂફ કરાયાની જાહેરાત કરાઈ હતી. બુધવારે GPSCની ચાર પ્રિલીમ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેવુ જણાવાયું છે. ત્યારે આયોગ નવી તારીખની જાહેરાત પછીથી કરાશે તેવુ જાણાવાયું. પરંતું જીપીએસસીની છ મહિનામાં કુલ 20 પરીક્ષાઓ રદ કરાઈ છે. જે સરકારની સરકારી ભરતી કરવાની દાનત પર સવાલો ઉભા કરી રહી છે. શું સરકાર ગુજરાતના બેરોજગારોની મજાક ઉડાવી રહી છે. 

બેરોજગારો વધ્યા, સરકારની દાનત નથી ભરતી કરવાની 
સરકારે છેલ્લાં છ મહિનામાં કુલ 20 પરીક્ષાઓ રદ કરી છે. છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરીને સરકાર હજારો ઉમેદવારોની મહેનત પર પાણી ફેરવી રહી છે. આ ઉપરાંત સરકાર કોઈ ભરતી કરવા માંગતી નથી તેવી તેની દાનત દેખાઈ રહી છે. છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થતા સરકારી નોકરીના ખ્વાબ જોતા ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળે છે. સાથે જ તેઓ માનસિક રીતે ભાંગી પડે છે. જે બતાવે છે કે, ભાજપ સરકાર સરકારી ભરતી કરવા માંગતી જ નથી. 

ભરતીને બદલે આઉટસોર્સિંગ કરાવીને કોન્ટ્રાક્ટરને કરોડોની લ્હાણી કરાવે છે સરકાર
જીપીએસસીની પરીક્ષાઓ વારંવાર વહીવટી કારણો આપીને રદ કરવામાં આવી રહી છે. જેને કારણે તૈયારી કરતા ઉમેદવારોનો કોચિંગ ક્લાસ, હોસ્ટેલની ફી સહિતનો ખર્ચો માથે પડી રહ્યો છે. વર્ષ 2023 દરમિયાન જે પરીક્ષાઓ લેવાવી જોઈએ તે સમય મુજબ લેવાઈ નથી. આ માટે ચર્ચા છે કે, ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગના નામે કોન્ટ્રાક્ટરોને કરોડોની લ્હાણી કરી રહી છે. સાથે જ નિવૃત્ત અધિકારીઓએ અડીંગ જમાવ્યા છે. સરકારમાં હજારો જગ્યાઓ ખાલી પડી છે, છતા સરકાર આ જગ્યા ભરવાનું નામ નથી લઈ રહી. 

ગુજરાતની યુવા પેઢીના ભવિષ્ય સાથે ભાજપ રમત રમે છે - કોંગ્રેસ 
રાજ્યમાં જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા રદ થવા મુદ્દે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતી હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ગુજરાત જાહેર સેવા આયોજની (GPSC) પ્રાથમીક પરીક્ષાઓ યેનકેન પ્રકારે ભાજપ સરકાર રદ કરતી રહી છે. જીપીએસસીની વર્ષ ૨૦૨૩ની મોટાભાગની પ્રાથમિક પરીક્ષાઓ કેલેન્ડર પ્રમાણે યોજાઈ નથી. હજારો મહેનતુ ગુજરાતના યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે ભાજપા સરકાર રમત રમી રહી છે. જાહેરાત પછી બે વર્ષ સુધી પરીક્ષાઓ ન યોજવા પાછળ કોઈ કારણ જણાવતું નથી. છેલ્લા છ મહિનાથી દર મહિને પ્રાથમિક પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે. છેલ્લા 6 મહિનામાં જી.પી.એસ.સી. દ્વારા ૨૦ જેટલી પરીક્ષાઓ ‘વહીવટી’ કારણો આગળ ધરીને પરીક્ષા મોકૂફ રખાઈ છે. અનેક વિભાગોમાં મહત્વની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી. ગુજરાતના યુવાનો સમય-શક્તિના ખર્ચ સાથે આર્થિક પરેશાની પણ ભોગવી રહ્યા છે. સરકારની ગુજરાતના મહેનતકશ યુવક-યુવતીઓને અટકાવવું, લટકાવવું અને ભટકાવવાની નીતિ છે. તેથી કોંગ્રેસની અપીલ છે કે, સરકાર તાત્કાલીક ધોરણે પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરી અમલવારી કરે. નહિ તો કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં આ મુદ્દે રજુઆત કરી વિરોધ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news