શિક્ષણના નામે મિંડુ: શાળા હોવા છતાં આ ગામના બાળકો આજે પણ શિક્ષણથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના પીપળવાણી ગામની શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકની ગેરહાજરીને લઈ કંટાળેલા ગામ લોકોએ આખરે શાળા પર તાળાં બંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો.

શિક્ષણના નામે મિંડુ: શાળા હોવા છતાં આ ગામના બાળકો આજે પણ શિક્ષણથી વંચિત

જમીલ પઠાણ/ છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના પીપળવાણી ગામની શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકની ગેરહાજરીને લઈ કંટાળેલા ગામ લોકોએ આખરે શાળા પર તાળાં બંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો.

જીવનનું ઘડતર અને પાયાનું શિક્ષણ જ્યાં બાળકોને મળે તેવા સરસ્વતીના ધામમાં બાળકો આજે શિક્ષણથી વંચિત છે. ગામના વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ડુંગર વિસ્તારમાં આવેલ પીપળવાણી ગામની શાળા પર એક બે નહી છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષક આવતો નથી. જેને લઈ બાળકોને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. ગામના લોકોનું એ પણ કહેવું છે કે ગામના તમામ વાલીઓ અભણ છે જેથી તેમણે તેમના બાળકોની ચિંતા છે કે, દુનિયા આજે પ્રગતી તરફ હરણ ફાળ ભરી રહી છે ત્યારે તેમનું બાળક પાછળ ના રહી જાય તેની વાલીઓને તો છે પણ તંત્રને જાણે કોઈ ફિકર નથી.

આજે આ વિસ્તારના બાળકો ઢોરોને ચારવતા મજબૂર બન્યા છે. ખરેખર આવા બાળકોના ભાવીની ચિતાને લઈ વારંવારની રજૂઆત આ વિસ્તારના વાલીઓ કરી છે પણ કોઈ નિરાકરણ આજ દિન શુધી આવ્યું નથી. ગામના વાલીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. પીપળવાણી ગામની 600 ની જેટલી વસ્તી છે અને ગામમાં ધોરણ 1 થી 5 ની શાળા આવેલી છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ શાળાના જે શિક્ષકો છે તે શાળામાં ક્યારેય આવતા ના હોય શાળા પર કાયમ તાળાં જ લટક્તા જોવા મળે છે.

એટલું જ નહીં સ્વતંત્રતા પર્વના દિવસે પણ શાળામાં શિક્ષક ન આવ્યા જેને લઈ વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓને આશા હતી કે સ્વતંત્રતા પર્વના દિવસે તો શિક્ષક શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા આવશે. પરંતુ એમની આશા ઠગારી નીવડી, વાલીઓએ શિક્ષકની ઘણી રાહ જોઈ પણ શિક્ષકના આવ્યો અને શાળાના મધ્યાનભોજનના સંચાલકે તિરંગો ફરકાવવાની વાત કરતાં ગામ લોકોએ વિરોધ કરતા શાળામાં આ વર્ષે પણ ધ્વજારોહણ ન કરાયું.

વારંવાર રજૂઆતો કરવા છતાં ગામની શાળામાં શિક્ષક ન આવતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ 17 મી ઓગષ્ટે શાળામાં એકઠા થયા હતા અને ભારે સૂત્રોચાર સાથે પોતાનો રોષ ઠાલવી શાળાની તાળાબંદી કરી હતી અને સાથે ચીમકી પણ ઉચ્ચારી કે જ્યાં સુધી નવો કોઈ શિક્ષક શાળા પર નહીં આવે ત્યાં સુધી શાળાના તાળાં નહી ખૂલે.

ગામ લોકોએ શાળાને તાળાં બંધી કરી હોવાની જાણ તાલુકાના શિક્ષણ વિભાગમાં થતાં તાલુકા શિક્ષણાધિકારીએ પણ પીપલવાણી ગામની શાળાના શિક્ષકની અનિયમિતતા અંગેની ફરિયાદ ગ્રુપ શાળા તરફથી પણ આવેલ હોવાની વાતને કબૂલી હતી અને તેનો પગાર અટકાવ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં જાણ કરી હોવાની વાત કરી છે.

ત્યારે સવાલ એ થાય છે કે ત્રણ-ત્રણ વર્ષથી ફરજ ઉપર ન આવતા શિક્ષકની વારંવાર રજૂઆતો કરવા છતાં આવા શિક્ષક સામે માત્ર પગાર કપાત કર્યા સિવાય અન્ય કોઈ કાર્યવાહી શા માટે કરવામાં નથી આવતી. જો એક શિક્ષક શાળામાં નથી જતો તો એના સ્થાને અન્ય શિક્ષકની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી? શા માટે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના ગરીબ આદિવાસી બાળકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે? તાલુકા કક્ષાના કે જિલ્લાના અધિકારીઓ શું ગ્રામ્ય વિસ્તારની શાળાઓની મુલાકાત લેતા નથી? જોકે તાળા બંદી બાદ હવે પીપલવાણી ગામના વિદ્યાર્થીઓ માટે શિક્ષકની વ્યવસ્થા ક્યારે કરાશે તે જોવાનું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news