રાજ્યના ઐતિહાસિક પાંચ સ્મારકોમાં રિસ્ટોરેશનના કામોની મુખ્યમંત્રીએ આપી મંજૂરી, જાણો કેટલો થશે ખર્ચ

રાજ્ય સરકારના પૂરાતત્વ અને સંગ્રહાલય નિયામક હસ્તકના આ રાજ્ય રક્ષિત સ્મારકોના જિર્ણોદ્ધાર તેમજ અન્ય માળખાકીય સવલતોના કામો આ રકમમાંથી હાથ ધરવામાં આવશે

રાજ્યના ઐતિહાસિક પાંચ સ્મારકોમાં રિસ્ટોરેશનના કામોની મુખ્યમંત્રીએ આપી મંજૂરી, જાણો કેટલો થશે ખર્ચ

હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં રાજય રક્ષિત પાંચ સ્મારકોના પુરારક્ષણ તેમજ રિસ્ટોરેશન માટે કુલ પાંચ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પૂરાતત્વ અને સંગ્રહાલય નિયામક હસ્તકના આ રાજ્ય રક્ષિત સ્મારકોના જિર્ણોદ્ધાર તેમજ અન્ય માળખાકીય સવલતોના કામો આ રકમમાંથી હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રીએ રાજ્યના ઐતિહાસિક, પૂરાતત્વીય અને ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ ધરાવતા જે પાંચ રાજ્ય રક્ષિત સ્મારકોમાં કોન્ઝરવેશન-રિસ્ટોરેશનના કામોની મંજૂરી આપી છે તેમાં કલેશ્વરી સ્મારક સમૂહ (ગામ: લવાણા તા: લુણાવાડા, જિ: મહિસાગર), પુઅરેશ્વર મંદિર (પંઅુરાગઢ નજીક) (ગામ: મંજલ તા: નખત્રાણા જિ: કચ્છ), તરણેતર મંદિર (ગામ: થાન તા: ચોટીલા જિ: સુરેન્દ્રનગર), પ્રાચીન જૈન મંદિર (સંગ્રહાલયનું મકાન) (ગામ: પ્રભાસ પાટણ તા: વેરાવળ પાટણ જિ: જુનાગઢ) અને ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ (ગામ: ખંભાલીડા તા: ગોંડલ જિ: રાજકોટ) નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરી અનુસાર આ પાંચ સ્મારકોમાં પ્રત્યેક સ્મારક દીઠ રૂ. 1-1 કરોડનો ખર્ચ કરીને સ્મારકોનું સંરક્ષણ, જિર્ણોદ્ધાર, પરિસર વિકાસ તેમજ વૃક્ષારોપણ, બ્યૂટીફિકેશનના કામો અને પર્યટક સુવિધા વૃદ્ધિની કામગીરીને આવરી લેવામાં આવશે. રાજ્ય સરકારે 2021-22 ના બજેટમાં આ હેતુસર પાંચ કરોડ રૂપિયા ફાળવેલા છે.

આ પણ વાંચો:- 

મુખ્યમંત્રીએ જે પાંચ રાજ્ય રક્ષિત સ્મારકો માટે આ રકમ ફાળવી છે તેનો સંક્ષિપ્ત ઇતિહાસ આ મુજબ છે.

  1. કલેશ્વરી સ્મારક સમૂહ, ગામ: લવાણા, તા. લુણાવાડા જી. મહીસાગરઃ- મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લવાણા ગામ પાસે કલેશ્વરી સ્મારક સમુહ આવેલ છે. આ સ્મારક સમુહમાં કુલ ૯ સ્મારકો આવેલા છે. જે આ પ્રમાણે છે અર્જુન ચોરી, કુંડ, ત્રણ પ્રવેશ દ્વાર વાળુ મંદિર, પ્રાચીન મંદિર, ભીમ ચોરી, વહુની વાવ, શિકારમઢી, શીલાલેખ વાળુ મંદિર તથા સાસુની વાવ વગેરે આવેલ છે. આ સ્મારક સમુહમાં 11 મી સદીથી શરૂ કરીને 15 સદી સુધીના મંદિરો આવેલા છે તેમાં ખાસ કરીને 11 મી સદીના પુરાણા મંદિરના જગતીના અવશેષ ઉપર 14 મી સદીનું મંદિર તથા સોલંકી કાલીન કૂડ અને તેના આવશેષો સાથે સાસુ વાવ અને વહુની વાવ એક જલ મંદિર જેવુ સ્થાપત્ય છે.
  2. પુઅરેશ્વર મંદિર, (પંઅુરાગઢ નજીક), ગામ: મંજલ તા: નખત્રાણા જિ: કચ્છઃ- જામ લાખા ફૂલાણીનો ભત્રીજો પુઅરો હતો તેણે પાદરગઢ/પુઅરાગઢનો કિલ્લો તૈયાર કરાવ્યો. આ કિલ્લા નજીક આવેલ પ્રાચિન શિવમંદિર રા.પુઅરાના નામ ઉપરથી પુઅરેશ્વર મંદિર તરીકે જાતીતું થયું છે. આ મંદિર કચ્છનું પ્રાચિનતમ મંદિર હોવાનું પુરાતત્વ દ્રષ્ટિએ જણાય છે. ઓરીસ્સાના કોણાર્ક સૂર્યમંદિરના જગ મંડપની જેમ જાલકભાત અને નાગર અને દ્રાવીડ શૈલીના સમન્વય ધરાવતું બેસરા પ્રકારનું આ મંદિર ઇ.સ. ની 9 મી 10 મી સદીનું હોય તેમ જણાય છે.
  3. તરણેતર મંદિર, ગામ: થાન તા: ચોટીલા જિ: સુરેન્દ્રનગર:- આ મંદિર સંકુલમાં બાજુમાં 11 મી સદીનું ખંડીત મંદિર આવેલું છે. જે મુની બાવા મંદિર સાથે સામ્ય ધરાવે છે તેમજ તેની બાજુમાં આવેલ તરણેતરનું નવું મંદિર છે. આ મંદિરની ત્રણે બાજુએ કુંડ આવેલ છે. નવું મંદિર આશરે 150 થી 200 વર્ષ જુનું છે. લોકભાતીગળ તરણેતરના મેળા માટે ખુબજ પ્રસિદ્ધ છે. ત્રણ બાજુથી પ્રવેશદ્વાર, આગળના ભાગે મંડપ અને તે પછી ગર્ભગૃહ આવેલા છે. મંદિર નિરાધાર પ્રકારનું છે. જેમાં પ્રદક્ષિણા પથનો અભાવ છે. મંદિરના પ્રવેશ દ્વાર ઉપર છજ્જા અને તેના ઉપર ચૈત્યો ભાત અલંકૃત છત આવેલી છે. થાંભલા ઉપર મુખ્ય શીખર ઝાલકભાતથી કંડારાયેલું છે. મંદિર પરના શિલ્પોમાં ગણેશ, શીવ, વિષ્ણુ, અપ્સરા વગેરેનો સમાવેશ થાય છે. તદઉપરાંત, પાશ્ચયાતય શૈલીમાં કંડારાયેલા શિલ્પોમાં અપ્સરાઓ તથા ગાંધવો અને કિન્નરો વગેરે ધ્યાન આકર્ષક છે. કોઇ ચોક્કસ શૈલી વગરનું આ મંદિર ઇ.સ.ની ૧૯ સદીનું જણાય છે.
  4. પ્રાચીન જૈન મંદિર (સંગ્રહાલયનું મકાન) ગામ: પ્રભાસ પાટણ તા. વેરાળ પાટણ જિ: જુનાગઢ:- સોલંકી કાળનું આ મંદિર 13 મી સદીનું છે. હાલમાં આ મંદિરમાં લગભગ 2200 પ્રતિમાઓ પ્રદર્શિત કરી સંગ્રહાલય તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ છે. આ સ્મારકની હાલની સ્થિતીમાં જીર્ણોધ્ધાર જરૂરી જણાય છે.
  5. ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ, ગામ-ખંભાલીડા તા. ગોંડલ જિ. રાજકોટ:- ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ, ઇ.સ.ની 4 થી સદીમાં સેડીમેન્ટરી રોકમાંથી કોતરેલી આ ગુફા સમૂહમાં ચૈત્યગૃહો, વિહાર અને અન્ય કક્ષો આવેલા છે. ચૈત્યગૃહની બહાર પદ્મપાણી અને વજ્રપાણીના બે શિલ્પો કંડારેલા છે.

આ પણ વાંચો:- કોરોના કાળ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સરકાર તદ્દન નિષ્ફળ: શંકરસિંહ વાઘેલા

આમ, આ પાંચ રાજ્યરક્ષિત સ્મારકોનું પૂરારક્ષણ, રિસ્ટ્રોરેશન કામ હાથ ધરાવાનું છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યમાં 362 જેટલા આવા રાજ્ય સ્મારકોની નિભાવ, જાળવણીની કામગીરી પૂરાતત્વ અને સંગ્રહાલય નિયામક કચેરી દ્વારા કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news