ડીસામાં કોંગ્રેસની દશા બગડી, સંજય રબારીને ટિકિટ આપતા ટપોટપ રાજીનામા પડ્યા

Gujarat Elections 2022 : બનાસકાંઠા ડીસામાં સંજય રબારીને ટિકિટ અપાતા કોંગ્રેસના અનેક હોદ્દેદારોએ વિરોધમાં આપ્યા રાજીનામાં.... જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના 15 આગેવોનાએ આપ્યા રાજીનામાં...
 

ડીસામાં કોંગ્રેસની દશા બગડી, સંજય રબારીને ટિકિટ આપતા ટપોટપ રાજીનામા પડ્યા

અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠામાં કોંગ્રેસ પક્ષે ડીસામાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે સંજય રબારીને જાહેર કરતા કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. સંજય રબારીને ટિકિટ આપતા કોંગ્રેસના 15 આગેવાનોએ પાલનપુર કોંગ્રેસ કાર્યાલય આવીને પોતાના રાજીનામાં ધરી દેતા ખળભળાટ મચી ગયો છે.

કોણે કોણે રાજીનામા આપ્યા
વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ડીસા વિધાનસભા ઉપર પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપતા કોંગ્રેસના અન્ય ટિકિટના દાવેદરોમાં ભારે નારાજગી ભભૂકી ઉઠી છે. જેને લઈને ડીસા વિધાનસભાના નારાજ કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પિનાબેન ઘાડિયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ અને કૈલાસબેન શાહ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અજમલજી ઠાકોર, જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના પૂર્વ ચેરમેન પોપટજી દેલવાડીયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી નરસિંહભાઈ દેસાઇ, દીપકભાઈ પટેલ, મુકેશભાઇ સોલંકી, ડીસા નગરપાલિકાના વર્તમાન સદસ્ય ડો.ભાવિબેન શાહ સહિત આગેવાનો પાલનપુરમાં આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ભારે નારાજગી વ્યક્ત કરીને તમામ આગેવાનોએ રાજીનામાં ધરી દીધા હતા.

કોંગ્રેસ નુકસાન ભોગવશે
જોકે, આ સમયે રાજીનામું આપવા આવેલા પોપટ દેલવાડિયા રડી પડ્યા હતા અને કોંગ્રેસ પક્ષ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો તમામ રાજીનામુ આપનાર આગેવાનોએ બળાપો કાઢતા કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષે તેમને અન્યાય કર્યો છે. ગોવાભાઈ રબારીને પક્ષે આઠ વખત ટિકિટ આપી હતી અને હવે તેમના દિકરાને ટિકિટ આપી છે. જેથી રબારી સમાજના અન્ય યુવા નેતાઓ સહિત દરેક સમાજના લોકો સાથે અન્યાય થયો છે. જેથી તેઓએ રાજીનામું આપ્યું છે, જોકે આ તમામ નેતાઓએ કોઈ અન્ય પક્ષમાં નહિ જોડાવવાનું કહ્યું હતું અને કોંગ્રેસને આનું નુકસાન ભોગવવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.

ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહે કહ્યું કે, કોંગ્રેસ પક્ષે અમારી સાથે અન્યાય કર્યો છે, જેથી અમે રાજીનામાં આપ્યા છે. તો કોંગ્રેસ સમિતિના મહામંત્રી નરસિંહભાઈ દેસાઈએ કહ્યું કે, અમારા રબારી સમાજના અન્ય નેતાઓને અન્યાય કરાયો છે. પોપટ દેલવાડિયાએ જણાવ્યું કે, અમારા ઠાકોર સમાજને અન્યાય કરાયો છે કોંગ્રેસને આનું નુકસાન થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news