કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા થુંકેલુ ચાટે છે, પોતે સત્તામાં હતી ત્યારે જે બિલની વાત કરી હવે તેનો વિરોધ કરે છે

ગુજરાતના મુખ્યમંત્રીએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે ભારત બંધના આહ્વાન અંગે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. તેમણે પોતાનાં સંબોધનમાં જણાવ્યું કે, આવતી કાલે ખેડૂતોનાં નામે વિરોધ પક્ષો દ્વારા ભારત બંધનું જે આહ્વાન કરવામાં આવ્યું છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ખેડૂતોનું માત્ર નામ છે.

કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા થુંકેલુ ચાટે છે, પોતે સત્તામાં હતી ત્યારે જે બિલની વાત કરી હવે તેનો વિરોધ કરે છે

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રીએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે ભારત બંધના આહ્વાન અંગે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. તેમણે પોતાનાં સંબોધનમાં જણાવ્યું કે, આવતી કાલે ખેડૂતોનાં નામે વિરોધ પક્ષો દ્વારા ભારત બંધનું જે આહ્વાન કરવામાં આવ્યું છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ખેડૂતોનું માત્ર નામ છે. મોદી સરકાર વિરુદ્ધ કુદી પડવા માટે પોતાના અસ્તિત્વને બચાવવા અને દેખાડવા માટે કોંગ્રેસથી માંડીને અન્ય વિરોધ પક્ષો એકત્ર થઇને ભારત બંધમાં જોડાયા છે. ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ પણ અગાઉ કહ્યું હતું કે, અમે કોઇ પણ રાજકીય પાર્ટીને અમારી સાથેના આંદોલનમાં જોડીશું નહી. તેના બદલે આ લોકો સાથે મળીને આ બંધમાં જે પ્રકારે કુદી પડ્યાં છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, અંતે ખેડૂતનું નામ છે બાકી રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ છે.

કોંગ્રેસનું અસ્તિત્વ જ ખલાસ થઇ ચુક્યું છે. લોકસભાની ચૂંટણી, વિધાનસભા અને નિગરનિગમની ચૂંટણી અને પેટાચૂંટણીમાં આઠે આઠ બેઠક પર પરાજય થયો છે. કોંગ્રેસ સાથે ખેડૂત, પ્રજા કે વેપારી કોઇ જ વર્ગ નથી. કોંગ્રેસ જનાધાર ગુમાવી ચુકેલી પાર્ટી છે. કોંગ્રેસ દર વખતે પોતાના વલણમાં પરિવર્તન કરતું રહે છે. હું કોંગ્રેસને યાદ દેવડાવવા માંગુ છું કે, 2019નાં ઘોષણા પત્રમાં તેણે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે, જો તે સત્તામાં આવશે તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ બિલ રદ્દ કરશે, ખેડૂતોને પોતાના નિકાસ સહિતનાં તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવશે. આજે મોદી સરકારે જે કર્યું છે તેની વિરુદ્ધ કોંગ્રેસ હવે પ્રદર્શન કરી રહી છે તેના કારણે તે હવે ખુલ્લી પડી ચુકી છે. 2013માં રાહુલ ગાંધીએ કોંગ્રેસના મુખ્યમંત્રીઓની બેઠક કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, એસેન્સિયલ કોમોડિટી એક્ટ રદ્દ કરીને નવો કાયદો લાવવામાં આવશે તેવું તેઓએ પોતે કહ્યું હતું. એપીએમસી હેઠળ આવતા ફળ શાકભાજી અને અન્ય ધાનને બહાર રાખવામાં આવશે. પરંતુ આજે જ્યારે ભાજપ સરકાર આ કરી રહી છે કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. જેથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ માત્ર વિરોધ કરવા માંગે છે. શરદ પવાર પણ કહી ચુકી છે કે, ખેતી ક્ષેત્રે પ્રાઇવેટ સેક્ટર આવે તે જરૂરી છે. ત્યારે તેઓ કૃષી મંત્રી હતા અને મનમોહન સિંહ હતા. 2005માં એક ઇન્ટરવ્યું લીધો તેમાં APMC એક્ટ કેટલા સમયમાં દુર થશે તેવું પુછતા તેમણે કહ્યું હતું કે, આગામી 6 મહિનામાં આ કાયદો દુર થશે. હવે તે જ શરદ પવાર આ કાયદા વિરુદ્ધ મગરના આંસુ સારી રહ્યા છે. 

યોગેન્દ્ર યાદવ આંદોલનમાં જોડાયા છે તેમણે 2017માં ટ્વીટ કરીને PM મોદીને પુછ્યું કે, એપીએમસીમાં કેમ પરિવર્તન નથી કરી રહ્યા, હવે તેઓ જ આનો વિરોધ કરી રહ્યા છે. મુલાયમસિંહ પણ આવો જ સવાલ પુછી ચુક્યા છે અને હવે તેઓ જ આ એક્ટનો વિરોધ કરી રહ્યા છે. ભાજપ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી ચુકી છે કે, ટેકાના ભાવ ચાલુ જ રહેશે. કોઇ પણ પ્રકારે ટેકાનો ભાવ હટાવવાની વાત જ નથી. વિરોધ પક્ષ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. MSP માં પણ ગુજરાત સરકાર દ્વારા ત્રણ વર્ષમાં 15હ જાર કરોડ રૂપિયાની ખરીદી કરી છે. ખેડૂતો તેનાથી સંતુષ્ટ પણ છે. 

આંદોલનકારીઓએ APMC એક્ટ સહિતનાં એક્ટ રદ્દ કરવાની માંગ કરી છે તે યોગ્ય નથી. તમામ નિષ્ણાંતોએ આ રદ્દ કરવાની વાત કરી છે. એમએસપી માટે પણ સ્પષ્ટ વાત છે. જો કોઇ નક્કર માંગણી હોય તો કરવામાં આવે તેના માટે સરકાર મોકળા મને વાત કરવા માટે તૈયાર છે. જો અન્ય કોઇ યોગ્ય માંગણી હોય તો કરવામાં આવે. ગુજરાત બંધની વાત ખોટી છે. સમગ્ર ગુજરાત કાલે ખુલ્લુ રહેશે. ગુજરાતના ખેડૂતોનું આ મુદ્દે કોઇ જ સમર્થન નથી. છુટાછવાયા ખેડૂતો સિવાય આને કોઇ જ સમર્થન મળી રહ્યું નથી. 

સરકાર બળજબરીથી બંધ ન થાય અને બંધના નામે કાયદો અને વ્યવસ્થા ન જોખમાય તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જોખમાય નહી અને કોઇ બળજબરી કરે તો તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. કોંગ્રેસ જે ઇચ્છે તે કરે. ગુજરાત કાલે ખુલ્લુ જ રહેશે. પ્રજા બધુ જ જાણે છે માટે તેણે નક્કી કરવાનું છે  કે સત્ય અને તથ્ય શું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news