લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી, ઓગસ્ટ મહિનાથી શરૂ કરશે જનસંપર્ક

લોકસભાની ચૂંટણીમાં સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસના નિરીક્ષકોની બેઠક યોજવામાં આવી હતી.  

 લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી, ઓગસ્ટ મહિનાથી શરૂ કરશે જનસંપર્ક

ગૌરવ પટેલ/અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. કોગ્રેસ આગામી ચૂંટણીમાં બૂથ સ્તરે સંગઠનને મજબૂત કરવા માટે મહેનત કરી રહ્યું છે. આ સિલસિલામાં શનિવાર (28 જુલાઇ)એ નિરીક્ષકો અને પ્રભારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસના આગામી કાર્યક્રમની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાથી કોંગ્રેસ ગો ટુ ધ પીપલ કાર્યક્રમ હેઠળ જનસંપર્ક શરૂ કરશે. આ સાથે તમામ જનમિત્રોને તાલુકા-જિલ્લા સ્થળે તાલિમ આપવામાં આવશે. શક્તિ પ્રોજેક્ટ હેઠળ કાર્યકરોને હાઇકમાન્ડ સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે. 

આ સાથે સંગઠનને મજબૂત કરવા માટે ઓગસ્ટના પ્રથમ અને બીજા સપ્તાહમાં તમામ તાલુકા-શહેર સમિતિની કારોબારી બેઠક બોલાવવાની સૂચના આપવામાં આવી છે. કારોબારીની બેઠકમાં પ્રદેશના તમામ આગેવાનોને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો બીજીતરફ બૂથ સ્તર પર પોતાને મજબૂત કરવા માટે ભાજપની વ્યૂહરચનાનું અનુકરણ કરશે. ભાજપના પેજ પ્રમુખોની જેમ કોંગ્રેસ હવે પેજ પ્રભારી બનાવશે. બૂથ પર રહેલા મતદાર યાદીના પેજ પ્રમાણે પેજ પ્રભારીની નિમણૂક કરવામાં આવશે. આમ કરવાથી સંગઠન મજબૂત થશે તેવી કોંગ્રેસને આશા છે. 

મુખ્યપ્રધાન પર પ્રહાર
ગુજરાત કોંગ્રેસમાં આંતરીક વિખવાદ હોવાના મુખ્યપ્રધાનના નિવેદન પર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, તડીપાર વ્યક્તિઓ હજુ ગુજરાતમાં છે. અમિત ચાવડાએ કહ્યું કે, સીએમ અને ભાજપના આગેવાનો બોખલાઇ ગયા છે. ભાજપનો જનાધાર નબળો પડતો જાય છે તેથી કોંગ્રેસને નબડી પાડવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યાં છે. આ સાથે અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે, તડીપાર થયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મોકલીને કોંગ્રેસના સભ્યોને ડરાવવામાં આવી રહ્યાં છે. ભાજપના જે પૂર્વ ધારાસભ્યો તડીપાર છે અને રાજકોટ આવ્યા તે અંગે વિજય રૂપાણી તપાસ કરે. ડરીને ભાજપમાં ગયેલા કેટલાક સભ્યો કોંગ્રેસમાં પરત ફરશે. આ સાથે જે સ્વેચ્છાએ ગયા છે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 
 
અમિત ચાવડાએ આનંદીબેનને આપ્યો જવાબ

પાકિસ્તાનના રાજનેતા ઇમરાન ખાન વડાપ્રધાન મોદીને અનુસરતા હોવાના આનંદીબહેનના નિવેદન પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જવાબ આપતા કહ્યું કે, મોદીએ ચૂંટણી સમયે પાકને ગાળો આપીને મત મેળવ્યા હતા. ભાજપના નેતા આતંકી હુમલા સમયે કોંગ્રેસ પર આરોપ લગાવતા હતા. નવાઝ શરીફને પીએમ મોદીએ શપથ ગ્રહણ સમારોહમાં બોલાવ્યા હતા. ભારતીય સરહદ પર પાકિસ્તાન હુમલો કરે ત્યારે તેના પીએમને ભારતના પીએમના અનુયાયી ગણાવવા તે દુખદ બાબત છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news