મોહનથાળ માટે વપરાતા ઘીના તાર અમદાવાદ સાથે જોડાયા! અંબાજી પોલીસની ટીમ માધુપુરા પહોંચી, થયો મોટો ખુલાસો
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં બનતો મોહનથાળ જે ઘીમાંથી બનતો હતો તે ઘીનાં સેમ્પલ ફેલ થતાં સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. માતાજીનો પ્રસાદ બનાવવા માટે વપરાતું ઘી કેવી રીતે ભેળસેળવાળું બની જતું હતું તે એક મોટો સવાલ છે અને તેની તપાસ ચાલી રહી છે. ત્યારે અંબાજીમાં પ્રસાદ માટે વપરાતું ધીનો વિવાદ અમદાવાદ પહોંચ્યો છે.
આ કેસમાં જાણવા મળી રહ્યું છે કે હાલ અંબાજી પોલીસની ટીમ માધુપુરા પહોંચી છે અને પ્રસાદ બનાવનાર કોન્ટ્રાક્ટર મોહીન કેટર્સ એ ધીનો જથ્થો અમદાવાદના માધુપુરામાં નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો હતો. અંબાજી પોલીસે માધુપુરના નીલકંઠ ટ્રેડર્સ દુકાનમાં પહોંચી તપાસ હાથ ધરી છે. નીલકંઠ ટ્રેડર્સમાંથી 15 કિલોના 3 ધીનાં ડબ્બા કબ્જે કર્યા છે. નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનમાંથી મળી આવ્યા નથી. અંબાજી પોલીસે નીલકંઠ કેટર્સ અને અજાણીયા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ ઘટનામાં સામે આવ્યું છે કે મોહનથાળમાં વપરાયેલો ઘીનો જથ્થો અમદાવાદના દિલ્લી દરવાજા નજીક આવેલી નીલકંઠ ટ્રેડર્સ નામની દુકાનમાંથી ખરીદવામાં આવ્યો હતો. અંબાજી પોલીસ અમદાવાદ પહોંચી 3 ડબા ઘી જપ્ત કર્યું છે. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગની ટીમે પણ નીલકંઠ ટ્રેડર્સ ખાતે દરોડા પાડ્યા છે અને ઘીનાં વધુ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી છે.
સાબરકાંઠા ડેરીની મોહિની સામે FIR
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સ પાસેથી ઝડપાયેલા હલકી ગુણવત્તાના ઘી મામલે સાબરકાંઠાની સાબર ડેરીએ મોહિની કેટરર્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે ઘી ઝડપાયું હતું તે ઘીના ડબ્બાઓ પર સાબર ડેરીના નામે ખોટી વિગતો અને અમૂલનો માર્કો લગાવવામાં આવ્યો હતો. જે બાદ હરકતમાં આવેલી સાબર ડેરીએ 30 સપ્ટેમ્બરે અંબાજી પોલીસ સ્ટેશનમાં મોહિની કેટરર્સ સામે ફરિયાદ નોંધાવી છે. સાબર ડેરીના લેબોરેટરી ઈન્ચાર્જનું કહેવું છે કે નકલી ઘીના ડબ્બાઓ પર જે બેચ નંબર અને માર્કા લાગેલા છે તે ખોટા છે. એ માહિતી સાબર ડેરીના બેચ નંબરથી અલગ છે. માર્કા પણ અલગ છે.
મોહિની કેટરર્સ દ્વારા અમૂલના માર્કા હેઠળ નકલી ઘી પેક્ કરીને વાપરવાથી અમૂલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું હીન કૃત્ય કરવામાં આવેલું છે. અમૂલ ફેડરેશનના એમડી જયેન મહેતાએ પણ જણાવ્યું છે કે અમૂલનો કોઈ પણ સંઘ આવા પ્રકારના કાર્યમાં સામેલ નથી તથા બજારમાં મળતું અમૂલ ઘી અસલી તથા ઉચ્ચ ગુણવત્તા વાળું જ છે. તો પછી સવાલ એ થાય કે મોહિની કેટરર્સના સંચાલકો ક્યારથી હલકી ગુણવત્તાનું ઘી ખરીદતા હતા અને કેમ અંબાજીમાં આવતા માઈ ભક્તોને બનાવટી ઘીમાંથી બનાવેલા મોહનથાળનો પ્રસાદ આપતા હતા. શું મોહિની ગ્રુપ ખુદ આ બનાવટી કાંડમાં સંડોવાયેલું છે કે પછી બીજું કોઈ તેની પણ તપાસ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે