‘રામ રાજ્ય’ અને નેતા સુખી.... અમરેલીના ભાજપી નેતાના પુત્રના લગ્નમાં નિયમોના ધજાગરા ઉડ્યા

Updated By: Apr 22, 2021, 04:52 PM IST
‘રામ રાજ્ય’ અને નેતા સુખી.... અમરેલીના ભાજપી નેતાના પુત્રના લગ્નમાં નિયમોના ધજાગરા ઉડ્યા
  • જાહેરમાં નેતાનો આખો પરિવાર તથા અનેક લોકો રસ્તા પર ડીજેના તાલે ઝૂમતા નજર આવી રહ્યાં છે. આવાના નેતાઓ પર પક્ષના મોવડીઓ શુ કાર્યવાહી કરશે. તેમને પણ દંડશે કે પછી રામ રાજા ને નેતા સુખી જેવો ઘાટ સર્જાશે

કેતન બગડા/અમરેલી :પ્રજાની લાઠી અને નેતાઓને માફી... શું આ જ છે રૂપાણી સરકારની નીતિ. નાક નીચે જરા પણ માસ્ક લટકતુ દેખાય તો સામાન્ય પ્રજાને દંડ ફટકારવામાં આવે છે. પણ કોરોના ગાઈડલાઈનની ધજ્જિયા ઉડાવીને ભાજપી નેતાઓ ગામ ભેગુ કરે છે તે સરકારને દેખાતુ નથી. ત્યારે ગુજરાતમાં વધુ એક ભાજપના નેતાના પુત્રના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. અમરેલીના લાલાવદરમાં ભાજપના નેતા અને અમર ડેરીના અધ્યક્ષ અશ્વિન સાવલીયાના પુત્રનાં વરઘોડામાં કોરોનાનો તાંડવ રચાયો હતો. લગ્નમાં ભેગી થયેલી ભીડમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા છે. 

સરકારે સામાન્ય લોકોને લગ્ન પ્રસંગમાં માત્ર  લોકોની હાજરી જ માન્ય ગણી છે. ત્યારે અમરેલીમાં ભાજપના નેતાએ પુત્રના લગ્નમાં ટોળુ ભેગુ કર્યું હતું. કોરોનાની ગાઇડલાઈન અને રાજ્ય સરકારના નિયમોના ધજાગરા ઉડાડતા દ્રશ્યોનો વીડિયો સામે આવ્યો છે. જાહેરમાં નેતાનો આખો પરિવાર તથા અનેક લોકો રસ્તા પર ડીજેના તાલે ઝૂમતા નજર આવી રહ્યાં છે. આવાના નેતાઓ પર પક્ષના મોવડીઓ શુ કાર્યવાહી કરશે. તેમને પણ દંડશે કે પછી રામ રાજા ને નેતા સુખી જેવો ઘાટ સર્જાશે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પંચમહાલમાં ભાજપના નેતાએ કોરોના ગાઈડ લાઈન અને જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો. લગ્ન પ્રસંગમાં માત્ર 50 જ વ્યક્તિઓ એકત્રિત થવા અંગેનું જાહેરનામુ છે, ત્યાં ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ મંત્રી છેલુભાઈ રાઠવાના પુત્રના લગ્નમાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું. જેના વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.