100 મેં સે અસ્સી બેઈમાન : ગુજરાતમાં ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ, હર્ષ સંઘવીનો ડિપાર્ટમેન્ટ આ બે બાબતોમાં અગ્રેસર

Corruption In Gujarat : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં ખુદ સરકારે સ્વીકાર્યું કે, 352 સરકારી કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે 
 

100 મેં સે અસ્સી બેઈમાન : ગુજરાતમાં ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ, હર્ષ સંઘવીનો ડિપાર્ટમેન્ટ આ બે બાબતોમાં અગ્રેસર

Gujarat Vidhansabha : ગુજરાત સરકાર સુશાસન અને વિકાસની વાતો કરે છે પણ આજે ય ગૃહ વિભાગમાં પૈસા વિના કોઈ કામ થતું નથી. સરકાર અને ગૃહમંત્રી ભલે મસમોટી વાતો કરે પણ પોલીસ સ્ટેશનનાં પગથિયાં ચડવાં આજે પણ સારા ઘરના લોકો યોગ્ય માનતા નથી. પોલીસની છબી સુધારવાના પ્રયાસો વચ્ચે સૌથી વધુ ભ્રષ્ટાચાર પોલીસ ડિપાર્ટમેન્ટમાં થતો હોવાના આ આંકડાઓ ચાડી ખાય છે. પોલીસ તંત્રમાં થતી અરજીઓ મલાઈનું મોટુ સાધન બની રહી છે. કોર્ટમાં કેસ પહોંચે પહેલાં જ પોલીસ બધા ફેંસલા કરી લે છે. ગુજરાતમાં આજે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, પૈસા વિના કચેરીઓમાં કામ જ આગળ વધતુ નથી. વિધાનસભા ગૃહમાં સરકારે જ ખુલાસો કર્યો છે કે, ગૃહ વિભાગમાં સૌથી વધુ લાંચ લેતા કર્મચારીઓ પકડાયા છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પૂછલાં સવાલના જવાબમાં ખુદ ગૃહવિભાગે એકકાર કર્યો છે કે, વર્ષ ૨૦૨૨ અને વર્ષ ૨૦૨૩માં વર્ગ-૧ના ૧૬, વર્ગ-૨ના ૫૭, વર્ગ-૩ના ૨૪૭ અને વર્ગ-૪ના ૧૬ એમ કુલ મળીને ૩૫૨ અધિકારી- કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. સૌથી વધુ વર્ગ -૩ના કર્મચારીઓ લાંચ લે છે. લાંચ લેનારાં કર્મચારીઓ પૈકી સૌથી વધુ ગૃહ વિભાગના ૧૦૯ કર્મચારીઓ પકડાયા નથી. હાલમાં તરૂણ ભટ્ટનો કેસ એ સૌથી મોટું ઉદાહરણ છે. 

વિધાનસભામાં રજૂ થયા છે લાંચિયા વિભાગના આંકડાઓ
વિધાનસભામાં જે આંકડાઓ રજૂ થયા છે. જેમાં લાંચ લેતા પકડાયેલા કર્મચારીઓમાં ગ્રામ વિકાસ વિભાગના ૩૭, શિક્ષણ વિભાગના ૧૫, શહેરી વિકાસ વિભાગના ૩૬, કૃષિ વિભાગના ૧૨ કર્મચારીઓ છે. આ સિવાય વન- પર્યાવરણના ૧૫, ઉર્જા વિભાગના ૧૦ અધિકારી-કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. ગુજરાતનો ભાગ્યે જ કોઈ સરકારી વિભાગ બાકાત છે જ્યાંના કર્મચારીએ લાંચ લીધી નહીં હોય. સરકાર સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને કાબૂમાં લેવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાની બાબત સામે આવી છે. 

કસ્ટોડિયલ ડેથમાં પણ ગુજરાત પોલીસ અગ્રેસર
વિધાનસભામાં રાજ્યના ગૃહમંત્રીએ કસ્ટોડિયલ ડેથના પણ આંકડાઓ જાહેર કર્યા છે. 2022માં જેલ કસ્ટડીમાં 75 અને પોલીસ કસ્ટડીમાં 14નાં મોત થયાં છે જ્યારે 2023માં જેલ કસ્ટડીમાં 70 અને પોલીસ કસ્ટડીમાં 14નાં મોત થયાં છે. પોલીસ સામે સૌથી મોટો સવાલ એ છે કે આ મોત કયા કારણોસર થાય છે. કસ્ટોડીયલ ડેથ માટે લેવાયેલા પગલાંની માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે જવાબદારો સામે ખાતાકીય તપાસ, ફરજ મોકુફી, રોકડ દંડની શિક્ષા, રીપ્રિમાન્ડની શિક્ષા, ઈજાફો અટકાવવાની અને બદલીની શિક્ષા સહિત નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, બે વર્ષના આ કેસોમાં કોઈપણ આયોગ કે કોર્ટના વળતર ચૂકવણીના હુકમો થયાં ન હોવાથી એક પણને વળતર ચૂકવાયું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news