અમિત શાહને જીતાડવાની જવાબદારી લેનારને મળી ગયું જીત પહેલાં ઈનામ, દિલ્હીનો રસ્તો ખૂલી ગયો
Who Is Mayank Nayak : સરપ્રાઈઝ આપવા ટેવાયેલા ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં મહેસાણાના મયંક નાયકને ઉમેદવાર જાહેર કર્યા... ભાજપે પાયાના કાર્યકર પર પસંદગીનો કળશ ઢોળીને રાજ્યસભામાં મોકલવાનું નક્કી કર્યું
Trending Photos
Rajyasabha Election 2024 : અમિત શાહને ગાંધીનગરની સીટ જીતાડવાની જવાબદારી લેનારને જીત પહેલાં જ ઈનામ મળી ગયું છે. એમના માટે દિલ્હીનો દરવાજો ખૂલી ગયો છે. હવે તેઓ અપરહાઉસમાં બેસશે અને 6 વર્ષ સુધી મનભેર રાજ્યસભના સાંસદનું પદ ભોગવશે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ મયંક નાયકની.. જેઓ ચૂંટણી લડ્યા વિના સાંસદ બની જશે અને દિલ્હી પહોંચી જશે. ઘણાને આ નામથી આશ્વર્ય થયું છે. એક સમયે રિક્ષા ચલાવનાર આજે રાજ્યસભાના સાંસદ બની જશે. સંગઠન સાથે સંકળાયેલા લોકો માટે મયંક નાયક એ અજાણ્યું નામ નથી. મહેસાણાના લાખવડ ગામનો એક છોકરો આજે ભાજપમાંથી રાજ્યસભાનો સાંસદ બની જતાં લાખવડમાં પણ ખુશીનો માહોલ છે. મહેસાણાના સ્થાનિક રાજકારણથી કક્કો શીખનાર આજે દેશના ગૃહમંત્રી અમિત શાહની સીટ ગાંધીનગરના પ્રભારી છે. મયંક નાયકે અમિત શાહનો જીતેલો વિશ્વાસ એ રાજ્યસભાના સાંસદની લોટરી લઈને આવ્યો છે. સંગઠનના દરેક કાર્યક્રમમાં હાજર રહેતા મયંક નાયકને પણ વિશ્વાસ નહોતો કે ભાજપ એમનું આ પ્રકારે બહુમાન કરશે.
પાયાના કાર્યકર પર પસંદગીનો કળશ ઢોળ્યો
ભાજપ એવી પાર્ટી છે જ્યાં મોદીના નામે વોટ આવે છે. આ જ કારણ છે કે, ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપીને નવા નામોની પસંદગી કરે છે. મયંક નાયક પણ તેમાંના એક છે, જેઓ આજે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરશે. મયંક નાયક નામ અત્યાર સુધી કોઈના મોઢે ન હતું, પરંતુ અચાનક જ ચોવીસ કલાક પહેલાં આ નામ લોકોમાં ચર્ચાતું થઈ ગયું છે. ભાજપે પાયાના કાર્યકર પર પસંદગીનો કળશ ઢોળીને રાજ્યસભામાં મોકલવાનું નક્કી કર્યું છે. ત્યારે મહેસાણામાં ખુશીનો માહોલ છવાયો છે. મહેસાણાનો એક કાર્યકર હવે રાજ્યસભા ચૂંટણી લડશે. ત્યારે સૌને જાણવામાં રસ છે કે કોણ છે મયંક નાયક. 8 દિવસ પહેલાં જ ગૃહમંત્રી અમિત શાહની બેઠક ગાંધીનગર લોકસભા સીટ પર સંયોજક અને પ્રભારીના નામ જાહેર થયા હતા. જેમાં પ્રભારી તરીકે મયંકભાઈ નાયક, સંયોજક તરીકે હર્ષદભાઈ પટેલ તેમજ સહ-સંયોજક તરીકે નવદીપસિંહ ડોડીયા નિયુક્ત કરાયા હતા. ત્યારથી તેમના નામની તૈયારીઓ થઈ ગઈ હતી. અમિત શાહે પોતાની સીટના પ્રભારી બનાવીને મયંક નાયક પર મૂકેલો ભરોસો યથાર્થ ઠેરવ્યો છે. ભાજપે 18 તારીખે ગુજરાતની 24 લોકસભાના પ્રભારી અને સંયોજકના નામ જાહેર કર્યા હતા. જેમાં ગાંધીનગર અને સુરતના પ્રભારીના નામ બાકી રાખ્યા હતા. આ બંને સીટો અમિત શાહ અને સીઆર પાટીલની છે. એક અઠવાડિયા પહેલાં જ મયંક નાયકનું નામ ગાંધીનગરના પ્રભારી તરીકે જાહેર થયું હતું.
મહેસાણાથી લાખવડની પેસેન્જર રીક્ષા ચલાવી
મયંક નાયકની પસંદગી રાજ્યસભાના ઉમેદવાર તરીકે થઈ છે. મયંક નાયકની જાહેરાત થતા જ મહેસાણામાં ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદગી થતા પરિવારજનોએ કહ્યું કે, નાયક સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો. તમને જણાવી દઈએ કે, મયંક નાયકે એક સમયે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેસાણાથી લાખવડની પેસેન્જર રીક્ષા પણ ચલાવી હતી. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ પૂરતા પગારની નોકરી ન મળતા મયંક નાયકે ત્રણ વર્ષ સુધી રિક્ષા પણ ચલાવી હતી. હવે મયંક નાયક રાજ્યસભામાં સાંસદ બની જશે. મયંક નાયકને મંડળથી લઈને પ્રદેશ સ્તર સુધીનો અનુભવ છે અને મહેસાણા ભાજપના અગ્રણી નેતા પણ છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના રહ્યાં છે ઈન્ચાર્જ
મયંક નાયક હાલ ભાજપના યુવા નેતા અને હાલમાં બક્ષી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ ભાજપમાં સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયા હતા. સંગઠનમાં રહીને તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સક્રિયતાથી કામ કર્યું છે. ત્યાર બાદ તેમને મહેસાણા તાલુકા પંચાયતની લાખવડ બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી હતી. જેમાં તેઓ દોઢ હજાર કરતા વધુ મતથી વિજયી થયા હતા. અત્યાર સુધી તેઓએ ભાજપમાં અનેક મોરચે જવાબદારી સંભાળી છે. ઉપરાંત વિવેકાનંદ યાત્રા, સદભાવના યાત્રા, મેરી માટી મેરા દેશ જેવા કાર્યક્રમમોમાં ગુજરાતના ઈન્ચાર્જ તરીકે પણ કાર્યરત થઈ ચૂક્યા છે. આજે બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના 4 ઉમેદવાર રાજ્યસભાનું ફોર્મ ભરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, OBC સેલના પ્રમુખ મયંક નાયક અને પંચમહાલના ડૉક્ટર જસવંતસિંહ પરમાર ફોર્મ ભરશે. મયંક નાયક આજે ફોર્મ ભરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે