પાટીલના AAP પર પ્રહાર: 'જે પાર્ટી ભાડાના ટટ્ટુ રાખી જનતાને ગેરમાર્ગે દોરે, તેમને ગુજરાતમાં ઘૂસવા ના દેતાં...'

સીઆર પાટીલે કાર્યકરોને સંબોધીને જણાવ્યું હતું કે, ગુજરાત એક વિકાસનું મોડેલ છે. ભાજપના કાર્યકર્તા દેશના ભાજપ કાર્યકર્તા માટે મોડલ કાર્યકર્તા છે. દેશના ભાજપ કાર્યકર્તા પણ ગુજરાત ભાજપ કાર્યકર્તાની કામગીરીનું અનુકરણ કરે છે.

પાટીલના AAP પર પ્રહાર: 'જે પાર્ટી ભાડાના ટટ્ટુ રાખી જનતાને ગેરમાર્ગે દોરે, તેમને ગુજરાતમાં ઘૂસવા ના દેતાં...'

વડોદરા: વડોદરામાં ભાજપ દ્વારા બનાવવામાં આવનાર કાર્યલયનું ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, જે પાર્ટી ભાડાના લોકોને રાખીને ગેરમાર્ગે દોરે છે અને અર્બન નક્સલીને ટિકિટ આપે છે તેમને ગુજરાતમાં ઘૂસવા ના દેતાં. વડોદરામાં સીઆર પાટીલે આપ પર પ્રહાર કર્યા હતા અને તેમણે કાર્યકરોને કહ્યું- આંખમાં તેલ નાખીને જાગતા રહેજો.

સીઆર પાટીલે કાર્યકરોને સંબોધીને જણાવ્યું હતું કે, ગુજરાત એક વિકાસનું મોડેલ છે. ભાજપના કાર્યકર્તા દેશના ભાજપ કાર્યકર્તા માટે મોડલ કાર્યકર્તા છે. દેશના ભાજપ કાર્યકર્તા પણ ગુજરાત ભાજપ કાર્યકર્તાની કામગીરીનું અનુકરણ કરે છે. ભાજપ માટે કહેવાય છે પાર્ટી વિથ ડિફરન્સ. જીત મેળવવી એ ભાજપ કાર્યકર્તાની પરંપરા છે. ભાજપ બે દસકાથી એકપણ ચૂંટણી હારી નથી, કેમકે પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા છે. ભાજપના કાર્યકર્તાઓએ 1 કલાકમાં 8 કરોડનું ફંડ ભેગું કર્યું, જેનો ગર્વ છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નેશનલ હાઇવે નંબર-48 ઉપર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે આયોજિત કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ચૂંટણી આવી એટલે અનેક પાર્ટીઓ ગુજરાતમાં સત્તા મેળવવા માટે સક્રિય બની છે. જેમ ચોમાસામાં વરસાદ આવે એટલે દેડકા બહાર આવી જાય છે, તેમ પાર્ટીઓ ગુજરાતમાં આવી ગઇ છે. 

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમુક પાર્ટીઓ ગાંધીનગરમાં મેયર બનાવવાના સપના જોતી હતી. તે પાર્ટીનો માત્ર એક જ ઉમેદવાર જીત્યો છે અને પાર્ટી હવે ગુજરાતમાં સત્તા મેળવવાનાં સપનાં જોઇ રહી છે. પરંતુ, ગુજરાતની પ્રજા આવી પાર્ટીને સારી રીતે ઓળખે છે. ગુજરાતમાં 5.50 લાખ સરકારી નોકરી છે, ત્યારે આ પાર્ટી 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાની વાતો કરી રહી છે. આટલું હળાહળ જુઠ્ઠું બોલે તેવા પહેલીવાર જોયા છે. પાણી- વીજળી મફત આપવાની શોધ કરનાર પાર્ટીને ગુજરાતની પ્રજા સારી રીતે ઓળખી ગઇ છે. 

પાટીલે છેલ્લે કોંગ્રેસને આડે હાથ લેતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના માજી પ્રમુખે ભારત જોડો યાત્રામાં ગુજરાતને બાકાત રાખ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news