રાજ્યમાં હોળી સમયે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ, કરાવર્ષાથી ઉભાં પાકને નુકસાન

રાજ્યમાં અચાનક આવેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. અનેક જગ્યાએ પાકને નુકસાન થયું છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાન વળતર તેમજ ટેકાના ભાવે ખરીદીની માગ કરી રહ્યા છે. કેમ કે હજુ બે દિવસ રાજ્યમાં માવઠાંની આગાહી છે.

રાજ્યમાં હોળી સમયે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ, કરાવર્ષાથી ઉભાં પાકને નુકસાન

અમદાવાદઃ દેશભરમાં હોળીની ઉજવણી થઈ રહી છે. જો કે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ છે. માવઠાંની સાર્વત્રિક અસરથી રાજ્યનું હવામાન બદલાઈ ગયું છે. ક્યાંક વાવાઝોડાં સાથે વરસાદ ત્રાટક્યો, તો ક્યાંક કરાવર્ષાએ ભારે કરી. આ હવામાન ખેડૂતોને ભારે પડી રહ્યું છે. ખેતરમાં ઉભા પાકને કમોસમી વરસાદથી નુકસાન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તો કેટલીક જગ્યાએ માર્કેટ યાર્ડમાં પડેલી જણસી પણ પલળી ગઈ છે. હોળીના સમયે ખેડૂતો માટે હૈયાહોળી જેવો ઘાટ સર્જાયો છે.

ફેબ્રુઆરીથી જ હીટવેવનો સામનો કરી રહેલા ગુજરાતીઓને માવઠાંએ રાહત આપી છે. ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધીનાં 16થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે..સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો ઘણી જગ્યાએ કરાવર્ષા પણ થઈ છે. કરા વર્ષા એક રીતે સાર્વત્રિક બની છે.  

અમરેલીનાં ધારી તાલુકાનાં મીઠાપુરમાં જ્યાં જુઓ ત્યાં કરા પથરાઈ ગયા. જમીન પર એક રીતે બરફ વર્ષા જેવા દ્રશ્યો સર્જાયા. ચોમાસાની જેમ વીજળીનાં ચમકારા પણ જોવા મળી રહ્યા છે. સુરતના કોસાડ ગામમાં નાળીયેરીના ઝાડ પર વીજળી પડતાં ઝાડ બળીને ખાક થઈ ગયું. હવામાનમાં પલટાથી ઉડતી ધૂળની ડમરીઓ વાવાઝોડા જેવો માહોલ સર્જી રહી છે. આ મિની વાવાઝોડાં જ વરસાદ લઈને આવી રહ્યા છે.

સામાન્ય લોકોને કમોસમી વરસાદથી ગરમીથી રાહત મળી છે, જો કે ખેડૂતોને આ કમોસમી વરસાદ ભારે પડી રહ્યો છે...ખેડૂતો માટે આ આફતનો વરસાદ છે. કેમ કે તેનાથી બાગાયતી પાકો તેમજ ચણા, ઘઉં, રાયડો, બટાટા અને ધાણા સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે. એમાં પણ કરા વર્ષા તો પાક માટે અત્યંત જોખમી છે. 

આ દ્રશ્યો રાજકોટ જિલ્લાનાં છે, જ્યાં માવઠાંને કારણે ઉભા પાકને નુકસાન થયું છે. જીરું, ચણા, રાયડો, ડુંગળી અને લસણના પાકોને સૌથી વધુ નુકસાન થયું છે. કોટડા સાંગાણી, લોધિકા, જસદણ, વીંછીયા સહિતના વિસ્તારોમાં કરા સાથે પડેલાં વરસાદે ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે. 

વરસાદને કારણે જસદણ માર્કેટિંગ યાર્ડમાં પણ કૃષિ જણસોને નુકસાન થયું છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલા ઘઉં, ધાણા, જીરુ અને મગફળીનો પાક પલળી જતાં નુકસાન થયું છે..ખેડૂતોનો આક્ષેપ છે કે માવઠાની આગાહી હોવા છતાં માર્કેટ યાર્ડનાં સંચાલકોએ જણસીને ખુલ્લામાં ઉતાર્યા હતા. જેમાં ધાણાનો પાક તો તણાઈ ગયો.

જો કે જસદણ માર્કેટ યાર્ડનાં સંચાલકોએ પોતાનો બચાવ કર્યો છે. ખેડૂતોનાં નુકસાન વળતર માટે તેમણે યાર્ડનાં વીમાનો પણ હવાલો આપ્યો છે. હજુ બે દિવસ વરસાદની આગાહીને જોતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં બુધવાર સુધી તમામ જણસની આવક બંધ કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું છે. પાટણા, ગુદાળા, વિકળિયા સહિતના 15 જેટલા ગામોમાં ઘઉં, જુવાર, બાજરી સહિતના ઉભા પાકનો સોંથ વળી ગયો છે.

માવઠાંને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે. જૂનાગઢ પંથકમાં થયેલા કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેસર કેરીના પાકને નુકસાન થયુ છે. પવન ફુંકાતા આંબાના બગીચામાં ખાખડી એટલે કે નાની કેરી ખરી ગઈ છે. હજુ કેરીનો પાક આવી જ રહ્યો હતો, ત્યાં ખાખડી ખરી જતાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 
 
વલસાડમાં પણ કેરીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. કેરી વલસાડ જિલ્લાનો મુખ્ય બાગાયતી પાક છે, હાલ આંબાવાડીઓમાં પાક તૈયાર થઈ રહ્યો છે. કેરીનો પાક અતિ સંવેદનશીલ હોવાથી વાતાવરણમાં જો થોડા પણ ફેરફાર આવે તો તેની સીધી અસર પાક પર પડે છે. કેરી સાથે શાકભાજીના પાકમાં પણ વાદળછાયાં વાતાવરણ અને વરસાદથી જીવાત પડવા સહિતની સમસ્યાઓ સર્જાઈ શકે છે. 

ખેડૂતો હવે સરકાર પાસે નુકસાન વળતર તેમજ ટેકાના ભાવે ખરીદીની માગ કરી રહ્યા છે. કેમ કે હજુ બે દિવસ રાજ્યમાં માવઠાંની આગાહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news