રાજ્યમાં ભારે વરસાદથી તબાહી, પીએમ મોદી હવાઈ સર્વે માટે આવી શકે છે ગુજરાતઃ સૂત્ર

Gujarat Rain Alert: ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક જિલ્લામાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદની સીઝનમાં અત્યાર સુધી કુલ 69 લોકોના મોત પણ થયા છે.  

રાજ્યમાં ભારે વરસાદથી તબાહી, પીએમ મોદી હવાઈ સર્વે માટે આવી શકે છે ગુજરાતઃ સૂત્ર

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ભારે તબાહી જોવા મળી રહી છે. નવસારી, છોડાઉદેપુર સહિતના જિલ્લામાં તો ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે. અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે અનેક લોકો બેઘર બની ગયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. નદીઓમાં સતત નવા પાણીની આવક થતા પૂરની સ્થિતિ સર્જાય છે. અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે છોડાઉદેપુર, નવસારી સહિત વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે. આ વચ્ચે સૂત્ર પાસેથી માહિતી મળી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું હવાઈ સર્વે કરવા આપી શકે છે. 

પીએમ મોદી હવાઈ સર્વે કરી શકે છેઃ સૂત્ર
ગુજરાતમાં સતત વરસાદને કારણે અનેક જિલ્લામાં સ્થિતિ ખરાબ છે. મુખ્યમંત્રી આજે હવાઈ નિરીક્ષણ કરી રહ્યાં છે. આ વચ્ચે સૂત્ર પાસેથી માહિતી મળી છે કે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વે કરી શકે છે. હવાઈ સર્વે બાદ પીએમ મોદી સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. આ સાથે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મદદની જાહેરાત કરવામાં આવી શકે છે. 

પીએમ મોદીએ ફોન કરી મેળવી હતી માહિતી
ગુજરાતમાં સતત ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ બની રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી વરસાદની માહિતી મેળવી હતી. આ સાથે કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ મદદની ખાતરી આપી હતી. 

31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ
રાજ્યમાં ૧ જુનથી ૩૧ જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ હોય છે, તેમ છતા માછીમારો ફિશિંગ પ્રવૃત્તિ માટે દરિયામાં જતા હોવાનું ધ્યાને આવે છે. જોકે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા માછીમારોને એલર્ટ આપી દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત લાવવાની કામગીરી અગાઉથી જ કરી દેવાઈ છે. હજુ પણ ભારે વરસાદની આગાહીના પરિણામે દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. એટલું જ નહીં, વરસાદનું જોર ઘટતાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

આ જિલ્લામાં હજુ વરસાદનો ખતરો
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યના આઠ જિલ્લાઓ પૈકી ત્રણ જિલ્લાઓ ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા રેડ એલર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે. જ્યારે હજુ પણ પાંચ જિલ્લાઓ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ રેડ એલર્ટ પર છે. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 69 માનવ મૃત્યુ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી. રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીમાં પણ નાગરિકોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. સરકારના આદેશો અને અપીલને નાગરિકો માન આપી તે મુજબ સહયોગ આપી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. હજુ પણ આવો સહયોગ નાગરિકો તરફથી મળતો રહે તેવી અપેક્ષા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news