શું તમારું બાળક આવી સ્કૂલમાં ભણે છે? વિદ્યાર્થીનો જીવ ભલે જાય પણ સરકાર રૂપિયા ખર્ચવા તૈયાર નથી 

Vadodara Dilapidated School: શિક્ષણ સમિતિની 120 સ્કૂલોમાંથી 9 સ્કૂલો જર્જરિત છે, જેથી સ્કૂલો ખાલી કરાવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નજીકની શાળામાં મર્જ કરી દેવાયા છે. પરંતુ જર્જરિત સકૂલો ઉતારી નવી સ્કૂલો બનાવવામાં આવી રહી નથી

શું તમારું બાળક આવી સ્કૂલમાં ભણે છે? વિદ્યાર્થીનો જીવ ભલે જાય પણ સરકાર રૂપિયા ખર્ચવા તૈયાર નથી 

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા સ્માર્ટ સિટીના શાસકો શિક્ષણ સમિતિની સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બનાવી વાહ વાહી મેળવી રહ્યા છે, પરંતુ શિક્ષણ સમિતિની સ્કૂલની વાસ્તવિકતા કંઇક અલગ જ છે. શિક્ષણ સમિતિની સ્કૂલ બોર્ડનું કરોડો રૂપિયાનું બજેટ મંજૂર થતું હોવા છતાં સ્કૂલોની હાલત દયનીય છે.

વડોદરા કોર્પોરેશન સંચાલીત શિક્ષણ સમિતિની 120 સ્કૂલો છે. જેમાં ધોરણ 1 થી 8 માં 34400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે 972 જેટલા શિક્ષકો કાયમી છે જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. જ્યારે 180 જેટલા શિક્ષકોની ઘટ છે, જે ઘટ પ્રવાસી અને ઉચ્ચક પગાર પર રાખેલા શિક્ષકો પૂરી કરે છે. મહત્વની વાત છે કે શિક્ષણ સમિતિના શાસકો અધિકારીઓએ વારંવાર શિક્ષકોની ઘટ પૂરવા કોર્પોરેશન અને સરકારમાં રજૂઆત કરી છતાં આજદિવસ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

એટલું જ નહીં શિક્ષણ સમિતિની 120 સ્કૂલોમાંથી 9 સ્કૂલો જર્જરિત છે, જેથી સ્કૂલો ખાલી કરાવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નજીકની શાળામાં મર્જ કરી દેવાયા છે. પરંતુ જર્જરિત સકૂલો ઉતારી નવી સ્કૂલો બનાવવામાં આવી રહી નથી. મહત્વની વાત છે કે, ચાલુ વર્ષે શિક્ષણ સમિતિની સ્કૂલ બોર્ડનું 180 કરોડનું બજેટ મંજૂર કરાયું છે.

ગત વર્ષે 4 કરોડની ગ્રાન્ટ લેપસ થઈ છે, છતાં જર્જરિત સ્કૂલ ઉતારી નવી સ્કૂલ બનાવવા એ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય અને કોંગ્રેસ નેતા નરેન્દ્ર જયસ્વાલે શાસકો પર પ્રહારો કર્યા. સ્માર્ટ ક્લાસના બદલે શાળાના શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ કરી આ સાથે જ નવી સ્કૂલ વહેલીતકે બનાવવા પણ માંગ કરી છે.

શિક્ષણ સમિતિની કઈ સ્કૂલો જર્જરિત અને તેમાં કેટલા વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ
- વલ્લભાચાર્ય પ્રાથમિક શાળા સવાર અને સાંજ
- જગદીશ ચંદ્ર બોઝ પ્રાથમિક શાળા - વાડી
- ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા - વાડી
- કવિ સુન્દરમ્ કન્યા શાળા સવાર અને સાંજે- ફતેપુરા
- વીરબાઈ - સલાટવાડા
- ડો બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળા સવાર અને સાંજે - ફતેપુરા
- કુલ 2085 વિદ્યાર્થીઓ અને 60 શિક્ષકોને અન્ય શાળામાં મર્જ કરાયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news