અમદાવાદના આ 2 કેફેની બહાર પીઝાની જેમ વેચાતુ હતું ડ્રગ્સ, નબીરાઓને ટાર્ગેટ બનાવાતા
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પર વિસ્તારમાં પણ ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. કાફે પર બેસીને નબીરાઓને ડ્રગ્સના રવાડે ચડાવતા ત્રણ પેડલરોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. જોકે આરોપીઓ પાસેથી ડ્રગ્સ સહિત રૂપિયા 9.87 લાખના મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. મોટાપાયે આ ડ્રગ્સ સિન્ડિકેટ ચાલતી હતી.
ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ધીરે ધીરે વધી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત ATS ની માહિતી આધારે કરોડોનું ડ્રગ્સ પોર્ટ પરથી કબજે કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ પઠાણ, મોહમ્મદ રહિલ કુરેશી, શક્તિ સિંહ ચૌહાણ નામના ત્રણ ડ્રગ્સ પેડલરોની કર્ણાવતી ક્લબથી ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણે આરોપી શહેરના SG હાઇવે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 18.96 ગ્રામ ડ્રગ્સ સહિત 9.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા ત્રણેય ડ્રગ્સના બંધાણી
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણે ડ્રગ્સ પેડલરો એક ગ્રામ ડ્રગ્સ 1500 થી 1700 ના ભાવથી મેળવી 2000 થી 2500 ના ભાવથી છૂટક વેચાણ કરતા હતા. અને એસજી હાઇવે પર આવેલ બાપનો બગીચો અને માહોલ કાફે પર કાર અને બાઇક લઈને જતા ડ્રગ્સનું સાંજના સમયથી મોડી રાત સુધી એક ગ્રામની છૂટક પડીકીઓ બનાવીને વેચાણ કરતા હતા. એટલું જ નહિ પકડાયેલ ત્રણેય શખ્સો પોતે પણ ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે. સાથે વેચવા માટે કેફે પર બેઠક બનાવી હતી. જ્યારે તે સિટી બેઝ્ ડ્રગ્સ પેડલર પાસે ડ્રગ્સ ખરીદવા જાય ત્યારે વજન કાંટો કરીને જ ખરીદતા હતા. પણ જ્યારે ડ્રગ્સ વેચાણ કરે ત્યારે તેમના સેવન માટે 1 ગ્રામની પડીકીમાંથી કટકી કરીને ગ્રાહકને વેચાણ કરતા હતા. આરોપીઓ પોલીસની પકડમાં ના આવે તેના માટે કારની સીટ નીચે તેવો છુપાવીને ડ્રગ્સ રાખતા હતા.
આમ કાફે પર આવતા યુવાનોને સહેલાઇથી આરોપીઓ ટાર્ગેટ બનાવતા હતા અને કાર અને બુલેટમાં આવી પોતાની ઓળખ ઉભી કરી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. પોલીસને આરોપીઓના મોબાઈલ તપાસ કરતા કાફે પર બેસતા લોકોનું એક ઇન્સ્ટાગ્રુપ મળી આવ્યું છે. અને આ ગ્રુપ થકી નશાના બંધાણીઓની ઓળખ થતી, વાતચીત અને વ્યક્તિ પર વિશ્વાસ કરી ડ્રગ્સ આપવામાં આવતું. જોકે આ અંગે પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી ડ્રગ્સમાં રવાડે ચડેલા યુવાધનના પરિવારનો સંપર્ક કરી કાઉન્સેલિંગ કરવાની પણ વિચારણા કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે