વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાશે તો કોરોના દર્દીઓનું શું થશે? સરકારે કર્યુ આ પ્લાનિંગ

વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાશે તો કોરોના દર્દીઓનું શું થશે? સરકારે કર્યુ આ પ્લાનિંગ
  • 291 PGVCLની અને 294 કોન્ટ્રાક્ટરોની ટીમના 2 હજારથી વધુ કર્મચારીઓ સૌરાષ્ટ્રમાં તૈનાત કરાયા છે
  • વીજપોલ, કેબલ અને ટ્રાન્સફોર્મર જરૂરિયાત મુજબ તમામ સ્ટોર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે
  • કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટમાં બેકઅપ આપવામાં આવ્યું છે
  • સૌરાષ્ટ્રમાં 391 કોવિડ હોસ્પિટલ છે. આ તમામમાં બેકઅપ આપી દેવામાં આવ્યું છે

ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્યોના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરથી વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની વીડીયો કોન્ફરન્સમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાતની પૂર્વ તૈયારીઓની સજજતાથી માહિતગાર કર્યા.  

ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાના વહીવટી તંત્રને સાબદુ કરાયું છે. ગુજરાતના તમામ માછીમારો દરિયામાંથી સલામત પરત ફર્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખી કોવિડ કેર સેન્ટર અને ઓક્સિજનના પુરવઠા વિષયે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં વિક્ષેપ રહિત વીજ પુરવઠા માટે સઘન આયોજન કરવામા આવ્યુ છે. ઓક્સિજનનો પુરવઠો અવિરત મળે તે માટે ક્રિટીકલ વૈકલ્પિક રુટ તૈયાર રખાયા છે. તાકીદની સ્થિતિમાં ઓક્સિજનના બફર સ્ટોકની પણ વ્યવસ્થા ગુજરાતે અગમચેતી રૂપે કરી છે.

ગુજરાત રાજ્ય “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે “તાઉંતે" વાવાઝોડાનો સામનો કરવા સજ્જ છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની પરિસ્થિતિમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવિડગ્રસ્ત દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરી છે. જો વાવાઝોડું ત્રાટકે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં  કોવીડ હોસ્પિટલોને “વીન્ડ પ્રૂફીંગ” બનાવવા માટેની તૈયારી સંદર્ભે જરુરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, જો સ્થિતિ વણસે તો તે સંજોગોમાં કોવિડના દર્દીઓને ધ્યાને લઈ કચ્છ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લામાં 85 થી વધુ ICU એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 

તેમણે વાવાઝોડના પગલે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે કરાયેલા આગોતરા આયોજન વિશેની વિગતો આપતા કહ્યું કે, કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો અવિરત પુરવઠો મળી રહે તે માટે “ક્રિટિકલ રુટ” તૈયાર કરાયો છે. તેમજ બફર સ્ટોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારો સહી સલામત પરત આવી ગયા હોવાની વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 26થી વધુ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે.

તેમણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં લઈ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વીજ પુરવઠો ખોરવાય નહિ તેની તેમજ  જો વીજ પુરવઠાને અસર પડે તો ત્વરાએ પૂર્વવત કરી દેવાની તાકીદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ વાવાઝોડાની સ્થિતિમાં વીજ અને ઓક્સિજનનો પુરવઠો વિક્ષેપરહિત મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના દિશા-સૂચનો કર્યા હતા. તેમણે વહીવટીતંત્રને સ્વૈચ્છીક સંગઠનો સાથે સહયોગ સાધવા પણ અનુરોધ કર્યો હતો.

સૌરાષ્ટ્રની 391 હોસ્પિટલોને બેકઅપ અપાયું 
વાવાઝોડાને કારણે વીજપુરવઠો ખોરવાય નહીં તે માટે PGVCLની 585 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ, ઊર્જામંત્રી સૌરભ પટેલ રાજકોટમાં આવી ચૂક્યા છે અને અહીંથી જ PGVCL કંટ્રોલરૂમનું મોનિટરિંગ કરશે. અહીં કોન્ટ્રાક્ટરોની ટીમ, જેટકો અને પીજીવીસીએલની ટીમ તૈનાત કરવામાં આવી છે. 291 PGVCLની અને 294 કોન્ટ્રાક્ટરોની ટીમના 2 હજારથી વધુ કર્મચારીઓ સૌરાષ્ટ્રમાં તૈનાત કરાયા છે. વીજપોલ, કેબલ અને ટ્રાન્સફોર્મર જરૂરિયાત મુજબ તમામ સ્ટોર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટમાં બેકઅપ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 391 કોવિડ હોસ્પિટલ છે. આ તમામમાં બેકઅપ આપી દેવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news