વડોદરાના યુવક સાથે લંડનના વિઝા આપવાના બહાને લાખોની ઠગાઈ
વિદેશ મોકલવાના કે વિઝા આપવાના બહાને અનેકવાર લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે, ત્યારે વડોદરામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગેરેજ ચલાવતા યુવકને લંડનના વિઝા આપવાના બહાને ઠગોએ લાખોની ઠગાઈ કરી છે
Trending Photos
રવિ અગ્રવાલ/ વડોદરા: વિદેશ મોકલવાના કે વિઝા આપવાના બહાને અનેકવાર લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે, ત્યારે વડોદરામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગેરેજ ચલાવતા યુવકને લંડનના વિઝા આપવાના બહાને ઠગોએ લાખોની ઠગાઈ કરી છે. સાથે જ અનેક લોકોને વિઝા આપવાના બહાને ઠગોએ 1 કરોડની ઠગાઈ કરી છે. ઠગાઈ કરનાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
ડભોઈ રોડ પર કાન્હા હાઇટ્સમાં રહેતા અને ગણેશનગરમાં ફોરવ્હીલનું ગેરેજ ચલાવતા નિખિલ રાજપૂતે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. નિખિલને તેના મિત્ર સચિન રાયે અમદાવાદમાં રહેતા મૃગેશ પટેલ સાથે ભેટો કરાવ્યો હતો, જેમાં સચિને મૃગેશ લંડનના વિઝા અપાવવાનું કામ કરતો હોવાની ઓળખ નિખિલને આપી હતી સાથે જ તે વિઝા અપાવી લંડનમાં નોકરી પણ અપાવે છે તેવી લાલચ આપી હતી.
હાલમાં લંડનમાં પ્લાસ્ટિકની કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં નોકરી ખાલી છે તેવી વાત બંનેએ નિખિલને કરી જેથી નિખિલ બંનેની વાતમાં આવી તેના, તેની પત્નીના અને બે બાળકોના લંડનના વિઝા કઢાવી આપવાનું કામ મૃગેશને સોંપ્યું. જેમાં નિખિલે પાનકાર્ડ અને પાસપોર્ટ ની ઝેરોક્ષ મૃગેશના ફોન પર મોકલી આપી. ત્યારબાદ બે દિવસ બાદ સચિને નિખિલને કહ્યું કે તેની પત્નીની નોકરી નક્કી થઈ જશે, જેથી પ્રોસેસ કરવા પહેલા અડધા રૂપિયા અને બાદમાં કામ પુરુ થયા બાદ અડધા રૂપિયા આપવા પડશે.
જેથી નિખિલે 3.50 લાખ રૂપિયા પ્રથમ વખત ટ્રાન્સફર કર્યા. ત્યારબાદ સચિને કોરોના મહામારી ચાલતી હોવાથી લંડન જવું અત્યારે શક્ય નથી તેમ કહી નિખિલને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું. આરોપી સચિન અને મૃગેશે નિખિલ અને તેના પરિવારના 28 ઓકટોબર 2020ના રોજ અમદાવાદની હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું. તે જ સમયે નિખિલે આરોપીઓને અસલ ડોક્યુમેન્ટ એક કવરમાં મૂકી સચિનને આપ્યા.
બાદમાં મૃગેશે નિખિલને ફોન કરી વડોદરાના દુમાડ ચોકડી પાસે ઊભો છે તેમ કહ્યું, સાથે જ નિખિલ પાસેથી મેડિકલ સર્ટિફિકેટ અને 50 હજાર રૂપિયાની માંગ કરી. જેથી નિખિલે બીજી વખત પણ રૂપિયા ચૂકવ્યા અને કુલ 4.59 લાખ રૂપિયા તેને આરોપીઓને આપ્યા. ત્યારબાદ પણ નિખિલને વિઝા ના મળતાં તેને શંકા જતા તેને રૂપિયા અને તમામ ડોક્યુમેન્ટ સચિન પાસેથી પરત માંગ્યા. પરંતુ સચિને મૃગેશ ક્યાં જતો રહ્યો હોવાનું કહી નિખિલને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું, જેથી નિખિલે સચિન અને મૃગેશ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી.
પોલીસે આરોપી સચિન રાય અને મૃગેશ પટેલની ધરપકડ કરી છે. સાથે જ બંને આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરતાં અનેક ખુલાસા થયા છે જેમાં આરોપીઓએ વડોદરા, સુરત, ભરૂચ અને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં રહેતા લોકોને પણ ફસાવ્યા હોવાનું સામે આવ્યું. જેમાં રૂપલ રાજ અને રાકેશ ગોહિલ નામના વ્યક્તિઓ સાથે પણ આરોપીઓએ ઠગાઈ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો:- આ સુંદર ચહેરા પર ન જતા, કામવાળી પર ભરોસો રાખતા પહેલા વડોદરાની લૂંટનો આ કિસ્સો જરૂર વાંચો
પોલીસ તપાસમાં બંને મહાઠગોએ અંદાજિત 1 કરોડની છેતરપિંડી લોકો સાથે કરી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે બંને આરોપી સચિન અને મૃગેશની ધરપકડ કરી તેમના રિમાન્ડ માંગવાની તજવીજ શરૂ કરી છે સાથે જ આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે