શહેરનાં 7 નવા ફ્લાય ઓવર પૈકી એક પણ જુહાપુરાની નહી ફાળવાતા સ્થાનિકોમાં રોષ
Trending Photos
અર્પણ કાયદાવાળા/ અમદાવાદ : તાજેતરમાં ગુજરાત સરકારે અમદાવાદ શહેર માટે નવા 7 ફ્લારઓવર બનાવવાની યોજનાને મંજૂરી આપી નાણાની ફાળવણી કરી છે. મેગાસિટીમાં સતત વધી રહેલા વાહનો અને તેનાથી સર્જાતી ટ્રાફીક સમસ્યાના નિવારણરૂપે સરકારે આ જાહેરાત કરી છે. પરંતુ આખાય મામલામાં શહેરના વાસણાથી જુહાપુરા થઇ સરખેજ તરફ જતા માર્ગ પર ફ્લાયઓવર બનાવવા અંગે કોઇજ જાહેરાત કરાઇ નથી. ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર અને સ્થાનીકોએ પોતાની વર્ષોજુની માંગણીને દોહરાવી છે અને સરકાર સમક્ષ તેમના વિસ્તારમાં પણ ફ્લાયઓવર બનાવવાની માંગ કરી છે. જ્યારે આ માંગણી અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાષકો કોઇજ સ્પષ્ટતા કરવાનુ ટાળી રહ્યા છે.
મેગાસીટી અમદાવાદમાં સતત વધી રહેલા વાહનો અને તેના કારણે સર્જાતી ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે વિવિધ સ્થળે ફ્લાયઓવર બનાવવામાં આવતા હોય છે. જે અંતર્ગત હાલમાં જ રાજ્ય સરકારે શહેરના 7 સ્થળો પર ફ્લાયઓવર બનાવવા માટે નાણાંકીયા ફાળવણી પણ કરી દીધી છે. આ સાત સ્થળો પર ફ્લાયઓવર બનાવવા માટેની રાજ્ય સરકારની મંજૂરી અત્યંત આવકાર્ય છે. પરંતુ શહેરનો વાસણાથી જુહાપુરા થી સરખેજ તરફ જતો આ માર્ગ ટ્રાફીકથી ખૂબજ વ્યસ્ત રહે છે. આમતો આ માર્ગ નેશનલ હાઇવો ઓથોરીટી અતંર્ગત આવે છે. પરંતુ આ માર્ગ પર ફ્લાયઓવર બનાવવાની માંગણી અહીના સ્થાનીકો અને આગેવાનો વર્ષોથી કરી રહ્યા છે. આ માર્ગ પર સર્જાતા ટ્રાફીક જામના દ્રશ્યો સ્થાનીકો અને તેમજ અહીયાથી પસાર થતા લોકો માટે રોજીંદા છે, અને તેના કારણે જ સરકારની 7 ફ્લાયઓવરની જાહેરાત બાદ આ વિસ્તારમાં પણ ફ્લાયઓવર બનાવવાની પોતાની માંગમી પુનઃ રજૂ કરી છે.
નોંધનીય છેકે અમદાવાદ શહેરના વિવિધ ક્રોસરોડ પર સર્જાતા ટ્રાફીક જામને નિવારવા કયા સ્થળે ફ્લાયઓવર બનાવવાની જરૂર છે, તે અંગે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્ટીટ્યુટ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં કયા ક્રોસ રોડ પણ કયા સમયે વાહનોની અવરજવર કેટલી હોય છે તે અંગે વિસ્તૃત માહિતી મેળવવીને શહેરના વિવિધ 35 સ્થળોની યાદી પણ બનાવાઇ છે. આ યાદીના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર ફ્લાયઓવર બનાવવા અંગે પ્રાથમીકતા નક્કી કરે છે. આ યાદીમાં કેટલાક સ્થળે ફ્લાયઓવર બની ગયા છે, ત્યાં કેટલાક સ્થળે હજી કામગીરી શરૂ પણ નથી થઇ. પરંતુ આ યાદીમાં ક્યાય જુહાપુરાથી સરખેજ સુધીના માર્ગનો ઉલ્લેખ સુધ્ધા કરવામાં આવ્યો નથી. ત્યારે આ અંગે કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કારોબારી ચેરમેન ઇરાદાપૂર્વક આ વિસ્તારનો ઉલ્લેખ કરવાનુ ટાળી રહ્યા છે.
નોંધનીય છે કે એએમસી દ્વારા દર વર્ષે પોતાના બજેટમાં કેટલાય ફ્લાયઓવરની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ ભૌગોલીક સ્થીતીનો સર્વે કર્યા બાદ પાલડી, જીવરાજપાર્ક, શ્યામલ સહીતના કેટલાય ફ્લાઓવરની યોજનાનુ બાળમરણ થઇ ગયુ છે. ત્યારે શહેરની ટ્રાફીકની સમસ્યાને કેન્દ્રમાં રાખી કોઇ ચોક્કસ વિસ્તારને સુવિધા ન આપવાના તંત્રના અને ભાજપી શાષકોના અભિગમ સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે