ગાંધીનગરની અંકિતા યાવલકરે GPATમાં દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો

પ્રતિષ્ઠિત ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટીટ્યુડ ટેસ્ટ (જીપેટ)ની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં પ્રથમ સ્થાન હાંસલ કરીને અંકિતા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)નું અને સમગ્ર રાજ્યનું ગૌરવ બની છે, દેશમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી 

ગાંધીનગરની અંકિતા યાવલકરે GPATમાં દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો

અતુલ તિવારી/ અમદાવાદઃ ગાંધીનગરમાં રહેતી અને એલ.એમ. ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અંકિતા યાવલકરે રાષ્ટ્રીય સ્તરની ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટીટ્યુટડ ટેસ્ટ (GPAT)માં દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ સાથે જ તેણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)નું નામ રોશન કર્યું છે અને સમગ્ર રાજ્યનું ગૌરવ બની છે. GPATની પરીક્ષા સમગ્ર દેશમાંથી 40 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ આપતા હોય છે. એમ ફાર્મમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે. સાથે જ પીએચડીમાં ક્વોલિફાય કરવા માટે પણ આ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

વર્ષ 2018 સુધી આ પરીક્ષા ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) તરફથી લેવામાં આવતી હતી. આ વખતથી પરીક્ષા નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ લેવાની શરૂઆત કરી છે, જેમાં ગુજરાતના ગાંધીનગરની અંકિતા યાવલકરે મેદાન માર્યું છે. 

દેશભરમાં પ્રથમ આવેલી અંકિતા યાવલકરના પિતા નીતિનભાઈએ બી.એસસી. સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ ટોરેન્ટ ફાર્મામાં નોકરી કરે છે. અંકિતાની માતા વંદનાબેન ગૃહિણી છે. તેની નાની બહેન નિકિતા હાલ ધોરણ 12માં અભ્યાસ કરે છે.

એક સામાન્ય પરિવારમાંથી આવતી અંકિતા નાનપણથી જ ભણવામાં અવ્વલ રહી ચુકી છે. તેણે ધોરણ 10માં 94% અને ધોરણ 12માં 92% મેળવ્યા હતા. અંકિતાનું સ્વપ્ન ડોક્ટર બનવાનું હતું, પરંતુ સરકારી મેડીકલ કોલેજમાં એડમીશન ન મળતા અંકિતાએ બી.ફાર્મમાં એડમીશન લીધું હતું. ફાર્મસીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલી અંકિતાએ એમ.ફાર્મમાં એડમિશન તેમજ ફાર્મસીમાં સંશોધન કરવા મળતી નાણાકીય સહાય માટેની રાષ્ટ્રીય સ્તરે આયોજિત પરીક્ષા GPAT આપી હતી અને તેમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ છે. 

અંકિતા વધુ અભ્યાસ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(NIPER)માં  ફાર્મા એમબીએમાં પ્રવેશ મેળવીને પીએચડી કરવા માગે છે. તેમાં પ્રવેશની પ્રક્રિયા જુલાઈની આસપાસ શરૂ થશે. અંકિતાએ જણાવ્યું કે, ઉચ્ચ અભ્યાસ માટે જો રાજ્યની બહાર જવું પડે તો તેના માટે પણ તે તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news