ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારોએ આ રીતે ખેલ પાડ્યો!
Dahegam Village selling scam : ગાંધીનગરનું જુના પહાડિયા ગામ વેચવાના કેસમાં દસ્તાવેજમાં કેવી રીતે ખેલ પાડવામા આવ્યો તેનો મોટો ખુલાસો થયો છે, દસ્તાવેજમાં જ્યાં ગામ છે, ત્યાં ખુલ્લી જગ્યા બતાવવામાં આવી
Trending Photos
Gandhinagar News હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરમાં જૂના પહાડિયા ગામ વેચાઈ જવાના મામલે મોટી અપડેટ આવી છે. પોલીસ તપાસ કરતા જણાયું કે ગામ વેંચવાના દસ્તાવેજમાં ઝોલ કરાયો છે. એટલું જ નહીં વારસદારની પૈસાની લાલચમાં આખા ગામ લોકો દોડતાં થઈ ગયા છે. ત્યારે કેવી રીતે પાસ થઈ ગયો આખું ગામ વેંચવાનો દસ્તાવેજ અને પૈસાની લાલચમાં કોણે કર્યો મોટો ખેલ, જોઈએ આ અહેવાલમાં...
- લો બોલો, પાટનગર ગાંધીનગરમાં ગામ વેંચાયું
- પૈસાની લાલચમાં વારસદારે વેંચી માર્યું ગામ
- વેચાણ દસ્તાવેજમાં પણ પાડ્યો મોટો ખેલ
આમ તો લોકો પૈસાની લાલચમાં ગમે તે હદે જઈ શકે છે. પૈસા માટે જમીન વેંચાઈ જાય, પૈસા માટે મકાન વેંચાઈ જાય, ક્યારેક તો પૈસા માટે ઘરેણાં-જવેરાત પણ વેંચાઈ જાય. પરંતુ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એવું થયું કે સૌ કોઈ ચોંકી ગયા. ગાંધીનગરના નાનકડા એવા ગામના વારસદારે ગામ લોકોની જાણ બહાર જ આખું ગામ વેંચી માર્યું હતું. જીહાં, આખે આખું વેંચાઈ ગયું. વાત છે દહેગામના જૂના પહાડિયા ગામની. આ ગામના મૂળ વારસદારે પૈસાની લાલચમાં ગામ લોકો સાથે સૌથી મોટો દગો કર્યો અને ગામ લોકોની જાણ બહાર જ આખું ગામ વેંચવાનો સોદો કરી નાંખ્યો.
જ્યારે આ ચર્ચાસ્પદ વેચાણ દસ્તાવેજ થયાની વાત સામે આવી તો ગામ લોકો ચિંતામાં મુકાઈ ગયા. જેથી ગામ લોકોએ દોડ મુકી અને ગાંધીનગર પ્રાંત અધિકારી સમક્ષ વેચાણ દસ્તાવેજ રદ કરવા માગ કરી. જ્યારે સબ રજિસ્ટ્રારે આ મામલે તપાસ કરી તો સૌથી મોટો ખુલાસો થયો.
ચર્ચાસ્પદ દસ્તાવેજમાં ખુલાસો
- વેચાણ આપનારાએ દસ્તાવેજમાં ખેલ પાડ્યો
- દસ્તાવેજમાં વેચાણની જમીન ખોટી બતાવી
- જ્યાં ગામ છે, ત્યાં ખુલ્લી જગ્યા બતાવવામાં આવી
- સબ રજિસ્ટ્રારને ગેરમાર્ગે દોરીને દસ્તાવેજ થયો
હવે આખા બનાવની વાત કરીએ તો ગાંધીનગરના સરવે નંબર 142 પર આ જૂના પહાડિયા ગામ વસેલું છે, તેના મૂળ માલિક ઝાલા ભીખાજી સોમાજી હતા, જેઓ હાલ હયાત નથી. જે તે સમયે ભીખાજીએ કાચા લખાણ પર કેટલાક પરિવારોને વસવાટ કરવા માટે મંજૂરી આપી હતી. આ માટે તેમણે અમુક રકમ પણ લીધી હતી. ત્યાર પછી 88 જેટલા પરિવારોએ પોતાના ઘર બાંધીને વસવાટ શરૂ કર્યો. ભીખાજી તો દેવલોક જતાં રહ્યા પરંતુ વારસાઈમાં તેમના દીકરાઓનું નામ સાત-બારના ઉતારામાં આવ્યું. તો તેમના દીકરા વિનોદ ઝાલાને લાલચ જાગી અને તેમણે આટલી મોટી જમીન રાજકોટના જસદણના વતની અલ્પેશ હીરપરાને બારોબર વેચી મારી. સૌથી મોટી વાત એ છે કે વિનોદ ઝાલાએ હીરપરાને સ્થળ મુલાકાત ન કરાવી. માત્ર જૂના ફોટા બતાવી વેચાણ દસ્તાવેજ કરી દીધો.
દહેગામના જૂના પહાડિયા ગામના વેચાણ દસ્તાવેજમાં વેચનારે મોટો ખેલ પાડ્યો હોવાનું સામે આવતા અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જે આધારે ગાંધીનગર LCB પોલીસે જમીનના બે વારસદાર વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્ર જશુજી ઝાલાની ધરપકડ કરી છે. જ્યારે દસ્તાવેજ લખાવી લેનાર અલ્પેશ હીરપરાની અટકાયત કરવાની તૈયારી કરી છે.
કાયદાની જોગવાઈ પ્રમાણે સાત-બારના ઉતારામાં જેનું નામ હોય તે જ જમીનનો સાચો માલિક ગણાય છે. વિનોદ ઝાલાનું નામ સાત-બારના ઉતારામાં છે. એટલે તેઓ પોતાની જમીન કોઈને પણ વેચી શકે છે. પરંતુ વેચાણ દસ્તાવેજમાં ખુલ્લી જગ્યા બતાવીને અને ટાઈટલ ક્લીયર ન કરવાના કારણે જમીનનો વારસદાર કાયદાની આંટીઘુંટીમાં ફસાયો છે. ત્યારે હવે આ કેસમાં આખરી નિર્ણય શું આવે છે, તે આગામી સુનાવણીમાં જ સામે આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે