ભાવનગરના ઘોઘાને મળશે દરિયાઈ સુરક્ષા દીવાલ, જાણો શા માટે બનાવાઈ હતી સુરક્ષા દીવાલ

ભાવનગરના ઘોઘા ખાતે અંગ્રેજોના સમયમાં બનેલી અને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી સાવ તૂટી જતા સુનામી અને હાઈટાઇડના સમયે આ દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જતું હોવાથી આ દીવાલને ફરી બનાવવાની માંગ ઘોઘા વાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે

ભાવનગરના ઘોઘાને મળશે દરિયાઈ સુરક્ષા દીવાલ, જાણો શા માટે બનાવાઈ હતી સુરક્ષા દીવાલ

નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગરના ઘોઘા ખાતે અંગ્રેજોના સમયમાં બનેલી અને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી સાવ તૂટી જતા સુનામી અને હાઈટાઇડના સમયે આ દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જતું હોવાથી આ દીવાલને ફરી બનાવવાની માંગ ઘોઘા વાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા આ મામલે વિવિધ વિભાગો સાથે સંકલન કરી આ દીવાલ બનાવવા અંગેના સર્વેની કામગીરી હાથ ધરી છે અને આગામી સમયમાં અંદાજીત રુપિયા 10 કરોડના ખર્ચેં આ પ્રોટેક્શન વોલના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે.

એક સમયે દરિયાઈ વ્યાપારિક પ્રવૃત્તિઓથી ધમધમતું ઘોઘા બંદર
ભાવનગર જીલ્લાનું ઘોઘા ગામ કે જે ઘોઘાબંદર તરીકે પણ જાણીતું છે. આ ઘોઘા બંદર કે જ્યાં વર્ષો પહેલાના વહાણવટા સમયમાં મોટી સંખ્યામાં વહાણોની આવન-જાવન રહેતી હતી અને ઘોઘા બંદર ધમધમતું હતું. જે સમય જતા ઘોઘા બંદરમાં વહાણની અવર-જવર ઓછી થઇ અને હાલ માત્ર અલંગ અને અન્ય જહાજોમાં ઓઇલ અને ડીઝલ રિફિલ કરવા તેમજ ટગને એંકરેજ કરવા ઘોઘા બંદરનો ઉપયોગ કરવામાં આવે છે.

ભાવનગર જિલ્લાના દરિયા કિનારે વસેલું ઘોઘા ગામ
ગુજરાતના ખંભાતના અખાતના દરિયા કિનારે વસેલું છે ઘોઘા ગામ, 'લંકાની લાડીને ઘોઘાનો વર' એ કહેવત ખૂબ પ્રચલિત છે અને એક સમયે સમૃદ્ધિથી ભરપુર હતું ઘોઘા ગામ, હાલમાં ઘોઘા ગામના મોટા ભાગના ઘર દીઠ એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે.

No description available.

શા માટે બનાવાઈ હતી સુરક્ષા દીવાલ
ભાવનગરના ઘોઘાથી ગોપનાથ સુધીનો દરિયો અતિ કરંટ વાળો દરિયો માનવામાં આવે છે, જે મુજબ તે એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો ગણાય છે. અંગ્રેજ શાસનકાળ દરમ્યાન દરિયાનું પાણી સુનામી કે મોટી ભરતીના કારણે ગામમાં ઘુસીના જાય તે માટે દરિયાકાંઠે એક કિ.મી. કરતા પણ વધુ લાંબી સુરક્ષા દીવાલ બનાવવામાં આવી હતી. જે ઘોઘાના નીચાણવાળા વિસ્તારના દરિયા કાંઠે આ દીવાલ બનાવવામાં આવી હતી. સમય જતા ધીમે ધીમે આ દીવાલ તુટવા લાગી હતી અને હાલ આ દીવાલનું અસ્તિત્વ નહીવત પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેને કારણે  મોટી ભરતીના સમયે દરિયાના પાણી ફરી ગામમાં ઘુસી રહ્યા છે.

સુરક્ષા દીવાલ તૂટી જતાં ગામલોકો દ્વારા વારંવાર રજૂઆત
ઘોઘા ગામને દરિયાના પાણીથી સુરક્ષા મળે એ માટે દરિયાઈ સુરક્ષા દીવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ કાળક્રમે આ દીવાલ તૂટી જતા દરિયાના પાણી ફરી ગામમાં ઘૂસી જતાં ગામના લોકોને નુકશાની સહન કરવી પડતી હોય જેથી આ દીવાલ ફરી બનાવી આપવા ગ્રામજનો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ અત્યાર સુધી તેનું કોઈ નક્કર પરિણામ મળ્યું નથી.

No description available.

એક કી.મી. કરતા વધુ લાંબી સુરક્ષા દીવાલ
અંગ્રેજ શાસનકાળ દરમ્યાન બનાવવામાં આવેલ આ સુરક્ષા દીવાલ કે જે 1121 મીટર લાંબી છે, તેમજ અલગ અલગ વિભાગમાં તેને વહેચવામાં આવી છે, જેમાં 141 મીટર દીવાલનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડ પાસે, 446 મીટરનો ચાર્જ જીલ્લા પંચાયત ભાવનગર પાસે, 402 મીટરનો ચાર્જ અલંગ મરીન બોર્ડ પાસે અને 132 મીટરનો ચાર્જ લાઈટ હાઉસ પાસે હોવાથી આ તમામ વિભાગોની સહમતીના બનતા આજદિન સુધી આ દીવાલ અંગે કોઈ નિરાકરણ લાવી શકાયું નોહ્તું.

આઝાદી પછી પ્રથમ વખત ભાજપ શાસનમાં
ઘોઘા કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હતું, કારણકે આઝાદી કાળથી અહીં કોંગ્રેસનું શહશન રહ્યું હતું, પરંતુ આઝાદી બાદ ગત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સૌપ્રથમવાર ભાજપને તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકો મળતા આ દીવાલ અંગેની કામગીરી કરવાનો રસ્તો હવે સરળ બન્યો છે.

No description available.

જિલ્લા કલેકટર દ્વારા કમિટીની રચના કરાઈ
ઘોઘા ગામની સુરક્ષા દીવાલનો મામલો ભાવનગર જીલ્લા કલેકટરના ધ્યાને આવતા કલેકટર દ્વારા આ તમામ વિભાગોને સાથે રાખી એક કમિટીની રચના કરવામાં આવી છે, જે કમિટી દ્વારા આ દીવાલ અંગેના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે ઘોઘાની સુરક્ષા દીવાલના સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ દીવાલ બનાવવા અંગે કામગીરી હાથ ધરવામાં આવશે.

સુરક્ષા દીવાલ બનાવવા 10 કરોડથી વધુ ખર્ચનો અંદાજ
આ સુરક્ષા દીવાલ અંગે બનાવવામાં આવેલ કમિટીના સભ્ય અને જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરના જણાવ્યા અનુસાર આ સર્વેની કામગીરી હાલ શરુ છે અને તેના પેપર વર્કની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી ટૂંક સમયમાં આ દીવાલ અંગેની કામગીરી નક્કી કર્યા મુજબ હાથ ધરવામાં આવશે અને અંદાજીત 10 કરોડના ખર્ચે આ દીવાલનું નિર્માણ કરવામાં આવશે, જોકે આ સુરક્ષા દીવાલ બનશે તો ઘોઘા વાસીઓ માટે એ અનોખી ભેટ સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news