સરકાર અમારી ધીરજની પરીક્ષા ન લેઃ મનોજ પનારાની સોલા હોસ્પિટલ ખાતેથી ચીમકી

નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિકની તબિયત વધુ લથડતાં હાર્દિકને હોસ્પિટલ ખસેડાયા છે, ઉપવાસ હજુ પણ ચાલુ જ છે, હાર્દિકે મોઢામાંથી પાણી કે અનાજ લીધું નથી 

સરકાર અમારી ધીરજની પરીક્ષા ન લેઃ મનોજ પનારાની સોલા હોસ્પિટલ ખાતેથી ચીમકી

અમદાવાદઃ હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા બાદ પાસ સમિતિના પ્રવક્તા મનોજ પનારાએ જણાવ્યું કે, હાર્દિકના ઉપવાસ હજુ પણ ચાલુ જ છે. સરકાર ખેડૂતોની અને પાટીદારોની ધીરજની પરીક્ષા ન લે અને વહેલી હાર્દિક પારણા કરે તેવું વાતાવરણ ઊભું કરે. નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિકની તબિયત વધુ લથડી જતાં તેનાં શારીરના આંતરિક અંગોને વધુ નુકસાન ન પહોંચે તેને અનુલક્ષીને અમે હાર્દિકને હોસ્પટલમાં દાખલ કર્યો છે.

હાર્દિક પટેલે હોસ્પિટલમાં દાખલ થયા બાદ ટ્વીટ કરી હતી કે, ઉપવાસના 14મા દિવસે તબિયત ખરાબ થવાને કારણે મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અત્યારે મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને કિડની પર નુકસાન થયું હોય એવું ડોક્ટર જણાવી રહ્યા છે. 

— Hardik Patel (@HardikPatel_) September 7, 2018

મનોજ પનારાએ વધુમાં જણાવ્યું કે, ગઈકાલે રાત્રે હાર્દિકનો યુરિનનો રિપોર્ટ ખરાબ હતો. એ સમયે પણ હોસ્પિટલમાં દાખલ થવાની અમે ના પાડી હતી. એ સમયે એવું કહેવાયું હતું કે, આગામી 12 કલાકમાં હાર્દિક કોમામાં જઈ શકે છે. આજે બપોર પછી જે રીતે હાર્દિકની તબિયત બગડી ત્યાર બાદ અમે તેને હોસ્પિટલાઈઝ્ડ કરવાનો નિર્ણય લીધો હતો. 

નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને મુંઝવણ થતી હતી. હાર્દિકના ઉપવાસ હજુ ચાલુ છે. તેણે હજુ સુધી મોઢામાં પાણી કે અન્ન લીધું નથી. આથી કોઈએ કોઈ ખોટી ગેરસમજમાં ન આવવું. 

મનોજે વધુમાં જણાવ્યું કે, હાર્દિકને નરેશ પટેલ, ઉમાધામ અને ખોડલધામના વડીલોએ પારણા કરી લેવા વિનંતી કરી હતી, પરંતુ હાર્દિકે તેમની પાસે વધુ સમય માગ્યો હતો. 

આ સાથે જ તેમણે અપીલ કરતા જણાવ્યું કે, ગુજરાતની પ્રજાને પાસ સમિતિ વતી શાંતિ જાળવવા અપીલ કરું છું. અત્યાર સુધી જે રીતે શાંતિ જાળવી છે એવી રીતે આગળ પણ શાંતિ જાળવવાની છે. અમે અમારા ત્રણ મુદ્દે અડગ છીએ. માત્ર હાર્દિકના શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. 

સરકારને ચેવતણી છે કે મહેરબાની કરીને ગુજરાતની જનતાની અને ખેડૂતોની ધીરજનો દુરૂપયોગ ન કરો. સરકાર વહેલામાં વહેલી તકે ત્રણેય મુદ્દા પર નિષ્કર્ષ લાવીને હાર્દિકના પારણા થાય એવી પરિસ્થિતિ ઊભી કરે. 

આ સાથે જ એક પત્ર પણ બહાર આવ્યો છે, જેમાં લખવાામાં આવ્યું છે કે, અમે અમારી મરજીથી હાર્દિકને હોસ્પિટલમાં દાખલ કરવા માટે લાવ્યા છીએ. તેના નીચે ત્રણ-ચાર વ્યક્તિની સહી પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news