વિજ બીલ માફીની જાહેરાત કરી સરકાર ફસાઇ, રાજ્ય ચૂંટણી પંચે માંગ્યો ખુલાસો

ચૂંટણી પંચે સરકારને પૂછ્યું છે કે, જસદણ પેટાચૂંટણીની આચારસંહિતા હોવા છતાં સરકારે  કેવી રીતે જાહેરાત કરી? શા માટે રાજ્ય સરકારે ચૂંટણી પંચની અગાઉથી મંજુરી લીધા વિના આ જાહેરાત કરી?

વિજ બીલ માફીની જાહેરાત કરી સરકાર ફસાઇ, રાજ્ય ચૂંટણી પંચે માંગ્યો ખુલાસો

હિતલ પારેખ/ગાંધીનગર : આજે સવારે ગુજરાત સરકારે રાજ્યના બાકી નિકળતા વીજ બીલને કારણે બંધ પડેલા વીજ જોડાણ પુનઃ શરૂ કરવા મહત્વની યોજના જાહેર કરી. અંદાજે 6 લાખ 22 હજારથી વધુ વીજ ગ્રાહકો પાસેથી બાકી નીકળતી 625 કરોડની રકમ ભરપાઈ કરવામાંથી મુક્તિ અંગેની  નવી યોજનામાં આપવામાં આવી છે. આ સંદર્ભમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સરકાર પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. વર્તમાનમાં જસદણમાં પેટા ચૂંટણી અંગેનું જાહેરનામુ બહાર પડેલું હોવાથી આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગુ છે. એવામાં સરકાર મતદારોને રીઝવી શકે તેવી કોઇ જાહેરાત કરી શકે નહિં.

ઉલ્લેખનીય છે કે,  રાજયના ઊર્જા મંત્રી સૌરભ પટેલે જાહેરાત કરી હતી કે, આ યોજના ગ્રામ્ય વિસ્તારમાં તમામ બંધ વીજ જોડાણને લાગુ પડશે. જયારે શહેરી વિસ્તારમાં બી.પી.એલ પરિવારોને યોજનાનો લાભ મળશે. 500 રૂપિયા ભરપાઈ કરવાથી બાકી ની કળતી રકમ અને તેનુ વ્યાજ ભરવામાંથી સંપૂર્ણપણે મુક્તિ મળશે, અને બંધ વીજ જોડાણો ફરી ચાલુ કરી અપાશે.

ગુજરાત સરકરાની આ જાહેરાત ગઇ કાલે મધ્યપ્રદેશ સરકાર અને છત્તીસગઢ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફી સહિતની અન્ય જાહેરાતોને અનુલક્ષીને કરવામાં આવી હતી. જોકે ગુજરાત સરકાર આ ઉતાવળું પગલું ભરવામાં એ ભૂલી ગઇ કે અત્યારે રાજ્યમાં આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગુ છે અને સરકાર કોઇ પ્રજાલક્ષી જાહેરાત કરી શકે નહિં.

મુખ્ય ચૂંટણી અધિકારી ડો મુરલીક્રિષ્નને આ અંગે જણાવ્યું કે, ‘ચૂંટણીપંચ દ્વારા સુઓ મોટો કરી રાજ્ય સરકાર પાસે વિજળી બીલ માફી અંગે રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે. ચૂંટણી પંચે ઉર્જા વિભાગને પૂછ્યું છે કે, જસદણ પેટાચૂંટણીની આચારસંહિતા હોવા છતાં સરકારે  કેવી રીતે જાહેરાત કરી? શા માટે રાજ્ય સરકારે ચૂંટણી પંચની અગાઉથી મંજુરી લીધા વિના આ જાહેરાત કરી?’

મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પંચા દ્વારા એઈમ્સ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંગે પણ આરોગ્ય વિભાગ પાસે સ્પષ્ટતા માગવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે રાજકોટને એઈમ્સ આપવા અંગેની જાહેરાત કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news