ભૂગર્ભ જળનું આડેધડ દોહન દેશના કયા શહેરોને પડી રહ્યું છે ભારે? ગુજરાતમાં શું છે સ્થિતિ?

ભૂગર્ભ જળના અનિયંત્રિત દોહનને કારણે દેશમાં પાણીનું સ્તર વધુને ઉંડે જઈ રહ્યું છે. દેશમાં કેટલાક શહેરો અને જિલ્લામાં સ્થિતિ સ્ફોટક બની છે. જેમાં ગુજરાતના કેટલાક શહેરો પણ સામેલ છે. 

ભૂગર્ભ જળનું આડેધડ દોહન દેશના કયા શહેરોને પડી રહ્યું છે ભારે? ગુજરાતમાં શું છે સ્થિતિ?

ઝી બ્યુરો/અમદાવાદ: પાણી માટે દેશના મોટાભાગના ક્ષેત્રો ભૂગર્ભ જળ પર આધારિત છે. શહેરી વિસ્તારો તો ભૂગર્ભ જળના ભરોસે જ છે. શહેરોને 50 ટકા પાણી ભૂગર્ભ જળના માધ્યમથી મળે છે. જો કે ભૂગર્ભ જળના અનિયંત્રિત પ્રમાણમાં થતા દોહનથી ચિંતાજનક સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. ભૂગર્ભ જળને બચાવવા દેશના 500 શહેરોમાં કેન્દ્ર સરકારે અમૃત મિશન શરૂ કર્યું છે. જો કે આ મિશનને સાકાર થવામાં ઘણો સમય લાગે તેમ છે. 

દુનિયામાં ભૂગર્ભ જળનું 25 ટકા દોહન ફક્ત ભારતમાં થાય છે. ભૂગર્ભ જળ સિંચાઈની 67 ટકા અને પીવાના પાણીની 80 ટકા જરૂરિયાત પૂરી કરે છે. દિલ્લી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન 100 ટકા સુધી ભૂગર્ભ જળનું દોહન કરે છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ચંદીગઢ અને પુડુચ્ચેરી 60થી 100 ટકા સુધી ભૂગર્ભ જળ પર નિર્ભર છે. હરિયાણાનું ફરિદાબાદ અને પંજાબનું અમૃતસર શહેર તો સંપૂર્ણપણે ભૂગર્ભ જળ પર નિર્ભર છે. 

ભૂગર્ભ જળ 20 મીટરથી નીચે ઉતર્યા
ભૂગર્ભ જળના વધુ પડતા વપરાશથી જળસ્તર સતત નીચે ઉતરી રહ્યું છે. જેના કારણે કૂવા અને બોરને ઉંડા કરવાની ફરજ પડે છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે પાણીની જે તીવ્ર અછત સર્જાઈ છે, તેની પાછળ આ જ કારણ જવાબદાર છે. દેશનાં જે શહેરોમાં ભૂગર્ભ જળનું સ્તર 20 મીટરથી નીચે જતું રહ્યું છે, તેમાં કોલકાતા, હૈદરાબાદ, અમદાવાદ, વડોદરા, દેહરાદૂન, લખનઉ,  કાનપુર, વારાણસી, આગ્રા, ગાઝિયાબાદ, મેરઠ, પ્રયાગરાજ, ગ્વાલિયર, લુધિયાણા, અમૃતસર, ચંદીગઢ, કોઈમ્બતૂર, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, જયપુર અને જોધપુર સામેલ છે. 

ગુજરાતમાં શું સ્થિતિ?
એક રિપોર્ટ મુજબ ગુજરાતના 252 તાલુકામાંથી 23 તાલુકામાં ભૂગર્ભમાંથી વધુ પ્રમાણમાં પાણી ખેંચાઈ રહ્યું છે, જ્યારે 27 તાલુકા કટોકટી તથા અર્ધ-કટોકટીવાળા છે. અમદાવાદ જિલ્લામાં અમદાવાદ સિટી તાલુકો અને દસક્રોઈ તાલુકો વધુ પડતા દોહનની કક્ષામાં છે, અમદાવાદ શહેર ક્રિટિકલ કક્ષામાં તથા માંડલ અને બાવળા તાલુકા સેમિ ક્રિટિકલ કક્ષામાં આવે છે. રાજ્યમાં ભૂગર્ભ જળની સૌથી ગંભીર સ્થિતિ બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં છે. રાજ્યમાં 13 તાલુકામાં ભૂગર્ભ જળ સંપૂર્ણપણે ખારાશવાળું અને 89 તાલુકાનું પાણી ફ્લોરાઇડયુક્ત છે. એટલે કે પાણી છે, પણ વપરાશયોગ્ય નથી. જે પોતાનામાં એક વધુ એક કટોકટી છે. 

ભૂગર્ભ જળનું પ્રમાણ ઘટતા વધુને વધુ લોકો પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સના એક અહેવાલનું માનીએ તો 2050 સુધી દુનિયામાં જળસંકટનો સામનો કરતા લોકોની સંખ્યા 1.7 અબજથી 2.4 અબજ હશે, જેમાંથી ભારત સૌથી વધુ પ્રભાવિત દેશ હશે. જે દેખાડે છે કે આપણે પાણીની કટોકટીના તરફ પ્રયાણ કરી ચૂક્યા છીએ. આ કટોકટીને નિવારવાનો એક જ રસ્તો છે. ભૂગર્ભ જળમાં વધારો કરવો અને તેનું સમજી વિચારીને દોહન કરવું. કેમ કે સવાલ આપણા અસ્તિત્વનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news