એડમિશનનો આ નિયમ પણ જાણી લેજો, શાળા ગમે ત્યારે માંગશે વાલી પાસેથી આ સર્ટિફિકેટ

RTE Admission : RTE અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે મોટી ખબર... શાળા સંચાલકો દર વર્ષે આવકનું પ્રમાણપત્ર માગી શકે છે... દર વર્ષે વાલીઓ પાસેથી આવકનું પ્રમાણપત્ર  માગી શકે છે
 

એડમિશનનો આ નિયમ પણ જાણી લેજો, શાળા ગમે ત્યારે માંગશે વાલી પાસેથી આ સર્ટિફિકેટ

School Admission અતુલ તિવારી/અમદાવાદ : RTE અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે મોટી ખબર સામે આવી છે. શાળા સંચાલકો વાલીઓ પાસેથી દર વર્ષે આવકનું પ્રમાણપત્ર માંગી શકે છે. કેટલીક ખાનગી શાળાઓ તરફથી RTE અંતર્ગત અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પાસેથી આવકનું પ્રમાણપત્ર માંગવામાં આવતા હોવાની ફરિયાદ અંગે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટતા કરી છે. 

અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોઈ શાળા સંચાલક RTE ના વાલીઓને હેરાન કરવાના ઉદેશથી આવકનું પ્રમાણપત્ર ના માંગી શકે. પરંતુ શાળા સંચાલક RTE માં અભ્યાસ કરતા બાળકના વાલીઓના આવકનો પુરાવો વર્ષે એકવાર અથવા સમયાંતરે માગી શકે છે. RTE અંતર્ગત અભ્યાસ માટે શહેરી વિસ્તારમાં 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ વાલીની આવક નિર્ધારિત કરાઈ છે. 

તેમણે કહ્યું કે, એકવાર બાળકને પ્રવેશ RTE માં મળે અને ત્યારબાદ ભવિષ્યમાં વાલીની આવક વધે તો તેવા કિસ્સામાં શાળા સંચાલક એ અંગે વાલી પાસેથી આવકનો પુરાવો માગી, તપાસ કરી શકે છે. જો વાલીની આવક નિયમ કરતા વધે તો બાળકને કોઈ સંચાલક સ્કૂલથી કાઢી ના શકે પરંતુ એવા કિસ્સામાં RTE નો લાભ વાલીએ જતો કરવો પડે. વાલી જે તે શાળામાં જ RTE નો લાભ જતો કરી પોતાના બાળકને અભ્યાસ રાબેતા મુજબ જ કરાવી શકે છે 

ઉલ્લેખનીય છે કે, એકવાર RTE અંતર્ગત પ્રવેશ મળ્યા બાદ વાલીઓની આવક વધી હોય અને પ્રવેશ વાલીઓએ સામેથી રદ્દ કરાવ્યો હોય એવા કિસ્સાઓ સામે આવ્યા નથી. પરંતુ કેટલીક શાળાઓ જાતતપાસ કરીને કેટલાક વાલીઓ RTE નો ખોટો લાભ લેતા હોવાની DEO અને શિક્ષણ વિભાગને ફરિયાદ કરતા રહ્યા છે. 

ત્યારે અમદાવાદ શહેર DEO ની સ્પષ્ટતા બાદ હવે ભવિષ્યમાં RTE અંતર્ગત અભ્યાસ કરતા બાળકોના વાલીઓના આવકની તપાસ તમામ શાળા સંચાલકો કરે તો નવાઈ નહીં. જો આ પ્રકારે સમયાંતરે શાળા સંચાલકો તપાસ કરે તો અનેક વાલીઓ કે જેમણે ખોટા આવકના પ્રમાણપત્રના સહારે બાળકનો પ્રવેશ ખાનગી શાળામાં RTE અંતર્ગત લીધો છે તેઓ ઝડપાઇ શકે છે. આવા કિસ્સાઓમાં વાલીઓએ RTE નો લાભ જતો કરી પોતાના બાળકને જે તે સ્કૂલની ફી ભરીને અભ્યાસ કરાવી શકવાનો વિકલ્પ ખુલ્લો રહે છે.

ઉલ્લેખનીય છે કે, RTE અંતર્ગત રાજ્ય સરકાર વર્ષ 2012થી રાજ્યની ખાનગી શાળાઓના ધોરણ 1માં કુલ વર્ગસંખ્યાના 25 ટકા બેઠક પર ગરીબ બાળકોને અભ્યાસ માટે પ્રવેશ ફાળવે છે, જેના અંતર્ગત ધોરણ 1 થી 8 સુધી બાળક ખાનગી શાળામાં એકપણ રૂપિયા ફી ભર્યા વગર અભ્યાસ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news